તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઇન્ટરવ્યુ:'પ્રતિજ્ઞા' ફૅમ અનુપમ શ્યામના ભાઈએ કહ્યું, 'શૂટિંગ દરમિયાન વધુ પાણી પી લેવાને કારણે તબિયત બગડી, છ દિવસથી વેન્ટિલેટર પર હતા'

મુંબઈ2 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક

ટેલિવૂડ એક્ટર અનુપમ શ્યામ ઓઝાએ ગઈકાલ રાત્રે (8 ઓગસ્ટ) એક વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લીધા હતા. 63 વર્ષીય અનુપમને કિડનીની બીમારી હતી. છેલ્લા છ દિવસથી તેમની હાલત ગંભીર હતી. ગઈકાલે તેમને મલ્ટીપલ ઓર્ગન ફેલ થતાં ડૉક્ટર્સે પણ આશા ગુમાવી દીધી હતી. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અનુપમના ભાઈ અનુરાગ શ્યામે કહ્યું હતું કે વધુ પાણી પી લેવાને કારણે તેમના ભાઈની તબિયત બગડી હતી.

શું કહ્યું અનુરાગે?
અનુરાગે કહ્યું હતું, 'ગયા અઠવાડિયે શૂટિંગ દરમિયાન અનુપમે વધુ પાણી પી લીધું હતું અને એને કારણે કિડની પર અસર થઈ હતી. અઠવાડિયામાં 3 વાર ડાયલિસિસ કરવામાં આવે છે અને આ દરમિયાન વધુ પાણી પીવાનું હોતું નથી. તેમનાં ફેફસાંમાં બહુ બધું પાણી ભરાઈ ગયું હતું અને તેઓ શ્વાસ લઈ શકતા નહોતો. તબિયત ઘણી જ બગડી ગઈ હતી અને તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. છેલ્લા 6 દિવસથી તેઓ વેન્ટિલેટર પર હતા. ગઈકાલ રાત્રે 11 વાગે તેમનું ઓર્ગન ફેલ થતાં ડૉક્ટરે પણ જવાબ આપી દીધો હતો. બે કલાક સુધી તેમના શ્વાસ ચાલતા હતા અને પછી રાત્રે 1 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.'

છેલ્લે ઘણા તકલીફમાં હતા
વધુમાં અનુરાગે કહ્યું હતું, 'અનુપમ ઘણી જ તકલીફમાં હતા અને હોસ્પિટલ જતાં પહેલાં બૂમો પાડીને કહેતા હતા, 'ભાઈ, મારાથી શ્વાસ લેવાતો નથી.' તેમને શૂટિંગ કરવું ઘણું જ પસંદ હતું. જ્યારે ટીવી શો 'પ્રતિજ્ઞા'માં કામ મળ્યું તો તેમને લાગ્યું કે નવું જીવન મળી ગયું. તેઓ બહુ જ ખુશ હતા. જ્યારે શોના પહેલા એપિસોડમાં તેમની એન્ટ્રી થઈ અને આ સીન જોયો તો તેઓ ઘણા જ ઉત્સાહમાં આવી ગયા હતા.'

કામને મિસ કરતા
લૉકડાઉન દરમિયાન અનુપમ 'પ્રતિજ્ઞા'ના શૂટિંગ પર જઈ શકતા નહોતા. અનુરાગના મતે આ દરમિયાન તેઓ કામને ઘણા જ મિસ કરતા હતા અને બહાર જવાની જીદ કરતા હતા.

પૈસા અંગે વાત કરી હતી
અંદાજે 3 મહિના પહેલાં અનુપમ શ્યામે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન લૉકડાઉનમાં શૂટિંગ કરી ના શકતા હોવાની વાત કરી હતી. તેમણે એ સમયે કહ્યું હતું, 'મારી ટીમ સિલવાસા ગઈ છે, પરંતુ મને લઈને ગઈ નથી. હાલમાં 15 દિવસ તેઓ ત્યાં શૂટ કરશે. મને વિશ્વાસ છે કે મુંબઈ પરત આવ્યા બાદ મેકર્સ મને ફરીથી સેટ પર બોલાવશે. શૂટિંગને ઘણું જ મિસ કરું છું, પરંતુ સરકારના નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો શૂટિંગ નહીં કરું તો પૈસા કેવી રીતે મળશે? પૈસા પણ જરૂરી છે. એકવાર ટીમ આવી જાય તો પ્રોડ્યુસર સાથે આ અંગે પણ વાત કરીશ.'

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મદદ કરી હતી
અનુપમ શ્યામ મુંબઈના ગોરેગાવમાં રહેતા હતા. તેમની સારવાર ગોરેગાવની લાઇફલાઇન હોસ્પિટલમાં ચાલતી હતી. સારવાર માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ 20 લાખ રૂપિયાની મદદ કરી હતી.

અણ્ણા હઝારે આંદોલનના સમર્થક
અનુપમ શ્યામ લખનઉની ભારતેંદુ એકેડેમી ઓફ ડ્રામેટિક આર્ટ્સના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. અહીં તેમણે 1983-85 સુધી એક્ટિંગ ટ્રેનિંગ લીધી હતી. વર્ષ 2011માં તેઓ અણ્ણા હઝારે આંદોલનનું સમર્થન પણ કર્યું હતું. અનુપમ શ્યામે લગ્ન કર્યા નથી અને નાના ભાઈ સાથે મુંબઈમાં જ રહે છે. અનુપમે ‘સરદારી બેગમ’, ‘દુશ્મન’, ‘કચ્ચે ધાગે’, ‘પરઝાનિયા’, ‘ગોલમાલ’, ‘સ્લમડોગ મિલિયોનર’, ‘મુન્ના માઈકલ’, ‘લજ્જા’, ‘નાયક’, ‘શક્તિઃ ધ પાવર’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. ટીવી પર તેઓ છેલ્લે સિરિયલ ‘કૃષ્ણા ચલી લંડન’માં જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...