તુનિષા શર્મા સુસાઇડ કેસ:શિજાન ખાનની બહેનોનો દાવો, એક્ટ્રેસના સંબંધો માતા સાથે સારા નહોતા, દીકરીનું ગળું પણ દબાવ્યું હતું'

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 'વનીતા શર્માએ દીકરી પર સંપૂર્ણ રીતે કંટ્રોલ રાખ્યો હતો'
  • 'તુનિષાને હજાર રૂપિયાએ જોઈએ તો પણ માતા પાસે માગવા પડતા'

20 વર્ષીય ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ 24 ડિસેમ્બરના રોજ સિરિયલ 'અલીબાબા દાસ્તાને કાબુલ'ના સેટ પર આત્મહત્યા કરી લીધી હતી. તુનિષાની માતા વનીતાએ સિરિયલના કો-સ્ટાર શિજાન ખાન પર ગંભીર આક્ષેપો કર્યા હતા. હાલમાં શિજાન પોલીસ કસ્ટડીમાં છે. હવે શિજાનની બહેનો ફલક તથા શફાક નાઝે પ્રેસ કોન્ફરન્સ કરીને વનીતા શર્મા અંગે વાત કરી હતી. શિજાનની બહેનોએ કહ્યું હતું કે તુનિષાની મેન્ટલ હેલ્થ અંગે કોઈ કંઈ જ બોલતું નથી.

શું કહ્યું ફલક નાઝે?
ફલક નાઝે પોતાના વકીલ સંજય મિશ્રા સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ફલકે કહ્યું હતું કે તે તુનિષાને ઓળખતી હતી. તુનિષા તેને મોટી બહેન માનતી હતી. તેઓ પબ્લિક લાઇફમાં ક્યારેય કપડાંનો દેખાડો કરતા નથી. તુનિષાની માતા કહે છે કે તે હિજાબ પહેરવા લાગી હતી તે વાત ખોટું છે. જે તસવીર બતાવવામાં આવી રહી છે તે સિરિયલના શૂટિંગની છે. શૂટિંગ દરમિયાન જ તુનિષા ઉર્દૂ શબ્દો બોલતા શીખી હતી.

ફલક નાઝે કહ્યું હતું, 'વનીતાજી, હું તમારો ઘણો જ આદર કરું છું. તમે અમારું ઘણું જ અપમાન કર્યું. તમે એમ કહો છે કે હું તમારી દીકરીને દરગાહ લઈગઈ હતી. તો પછી એ પણ કહો કે ક્યારે લઈ ગઈ હતી. તુનિષા તથા શિજાન બહુ પહેલાં અલગ થઈ ગયા હતા. તમે કહો છે કે તુનિષા હિજાબ પહેરવા લાગી હતી. તમે એ પણ જુઓ છે કે તેણે હિજાબ કેમ પહેર્યો હતો? તે દિવસે એપિસોડમાં હિજાબનો સીન હતો અને એટલે જ તેણે પહેર્યો હતો. આ હિજાબ ચેનલે પહેરાવ્યો હતો, અમે આપ્યો નહોતો. સો.મીડિયામાં તુનિષાએ જાતે તે તસવીર શૅર કરી હતી અને તે દિવસે ગણેશ ચતુર્થી હતી.'

તુનિષાએ આત્મહત્યાના એક દિવસ પહેલાં ફાંસીનો ફંદો બતાવ્યો હતો
ફલકે વધુમાં કહ્યું હતું, 'આત્મહત્યા કર્યાના એક દિવસ પહેલાં જ તુનિષાએ પાર્થને ફાંસીનો ફંદો બતાવ્યો હતો. ત્યારબાદ પાર્થ તથા શિજાને તુનિષાને સમજાવી હતી. તુનિષાએ સામે એવો જવાબ આપ્યો હતો, 'હું આવું કંઈ જ નહીં કરું.' શિજાને તુનિષાની માતાને આ અંગે વાત કરી હતી અને સમજાવવાનું કહ્યું હતું. જોકે, વનીતા શર્માએ કંઈ જ કર્યું નહીં. તુનિષાના પરિવાર સાથે સારા સંબંધો નહોતા.'

સંજીવ કૌશલ કોણ છે?
ફલકે આગળ એવું કહ્યું હતું, 'તુનિષાના માતા સાથેના સંબંધો સારા નહોતા. તુનિષા પાસે હંમેશાં પૈસાની અછત રહેતી હતી. વનીતા શર્માએ પૈસા પર કંટ્રોલ રાખ્યો હતો. તુનિષાએ હજાર રૂપિયા પણ માતા પાસે માગવા પડતા અને વનીતા શર્મા અનેક સવાલો પૂછતા હતા. તુનિષાના કથિત મામા પવન શર્મા તેના એક્સ મેનેજર હતા. ચાર વર્ષ પહેલાં જ તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા. તે તુનિષાની દરેક બાબતમાં દખલગીરી કરતા હતા અને તેમનું વર્તન સારું નહોતું. તુનિષાના કાકા સંજીવ કૌશલ છે. તે ચંદીગઢમાં રહે છે. તુનિષા આ કાકાથી ઘણી જ ડરતી હતી. સંજીવ કૌશલને કારણે વનીતા શર્માએ તુનિષાનો ફોન પણ તોડી નાખ્યો હતો. વનીતા શર્માએ તુનિષાનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. સંજીવ કૌશલ અને વનીતા શર્મા સાથે મળીને તે બાળકી (તુનિષા)નું જીવન કંટ્રોલ કરતા હતા.

શિજાને તમાચો માર્યો તો વનીતાજી ચૂપ કેમ હતા?
શફાક તથા ફલકે વધુમાં કહ્યું હતું, 'તમે કહો છો કે શિજાને તુનિષાને સેટ પર તમાચો માર્યો હતો તો અમે પૂછવા માગીએ છીએ કે તમે ચૂપ કેમ હતા? તમાચો માર્યા બાદ કોઈ કેવી રીતે ચૂપ રહી શકે. તુનિષા તમારી એકની એક દીકરી હતી. પોલીસે લવ જિહાદનો એંગલ ના હોવાનું કહ્યું છે, પરંતુ જબરજસ્તી એવી વાતો કરીને નિરાધાર આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે. વનીતા શર્મા તમામ વાતો ખોટી કહી રહ્યા છે. તમારી દીકરી જતી રહી તો તમારા જીવનનો હેતુ એવો હોવો જોઈએ કે આખરે તેણે આવું કેમ કર્યું, પરંતુ તમે બીજા બાળકને ટોર્ચર કરી રહ્યા છો. તમે ઈચ્છો છે કે બીજા બાળકનું જીવન પણ બરબાદ થઈ જાય.'

તુનિષા કામ છોડવા માગતી હતી
ફલક તથા શફાકે દાવો કર્યો હતો કે સુસાઇડના ત્રણ દિવસ પહેલાં તુનિષા ઘરે નહોતી. આ સવાલ તેની માતાને પૂછવો જોઈએ કે તુનિષા ક્યાં હતી. તુનિષા પોતાની માતાથી ત્રાસી ગઈ હતી. વનીતા પોતાની દીકરીને બહાર પણ જવા દેતા નહોતા. તેને ફરવા પણ જવા દેતા નહોતા. અમારી સાથે પહેલીવાર તે દરિયાકિનારે આવી હતી. તુનિષા કામ છોડીને આરામ કરવા માગતી હતી. તેની માતા દર 10 મિનિટે તેને ફોન કરતા. તુનિષા એ હદે કંટાળી ગઈ હતી કે અનેકવાર તેણે અમારી સામે ફોન ફેંકી દીધો હતો.'

વનીતા શર્માએ બર્થડે પ્લાન અંગે ફોન કર્યો હતો
ફલક-શફાકે આગળ કહ્યું હતું, 'વનીતા શર્મા તેમના ઘરે આવતા હતા. શિજાનના બર્થડે પર તેમણે વનીતા શર્માને ઇન્વાઇટ કર્યા હતા. ત્યારે તે તુનિષા સાથે આવ્યા હતા. દિવાળી પર અમે પરિવાર સાથે તુનિષાના ઘરે ગયા હતા. વનીતાજી તમે ફોન કરીને તુનિષાના બર્થડે પ્લાન અંગે સવાલ કર્યો હતો. અમે જવાબ આપ્યો હતો કે અમે સરપ્રાઇઝ પ્લાન કરી રહ્યા છીએ અને પરિવાર સાથે બેસીશું, કારણ કે તુનિષાને મીડિયાની ભીડ પસંદ નહોતી.'

તુનિષા પાસે જબરજસ્તી મ્યૂઝિક વીડિયો સાઇન કરાવ્યા
ફલક નાઝે કહ્યું હતું, 'તુનિષાની માતાના તમામ દાવા ખોટા છે. અમને ગર્વ છે કે તુનિષા પાંચ મહિના અમારી સાથે ખુશ રહી. તુનિષા ઘણી જ દુઃખી હતી. તુનિષા કામ કરવા માગતી નહોતી, તેની માતા જબરજસ્તી કામ કરાવતી હતી. ક્રિસમસ પર તુનિષા રજાઓ લઈને ચંદીગઢ જવા માગતી હતી તે વાત સાચી છે, પરંતુ વનીતાજી તમે અડધી વાત કેમ કહી? તુનિષાની ના હોવા છતાં તમે તેની પાસે બે મ્યૂઝિક વીડિયો સાઇન કરાવ્યા હતા. મ્યૂઝિક વીડિયોનું શૂટિંગ ચંદીગઢમાં થવાનું હતું અને પછી તમે તુનિષાને ચંદીગઢ મોકલવા તૈયાર થયા હતા. તુનિષા કામ કરવા માગતી નહોતી, તે આરામ કરવા ઈચ્છતી હતી.'

વનીતા શર્મા કૂતરાથી ડરતાં નથી
ફલક નાઝે એક તસવીર બતાવીને કહ્યું હતું, 'વનીતા કૂતરાથી બિલકુલ ડરતા નથી. વનીતા શર્માએ આક્ષેપ કર્યો હતો કે શિજાનના પરિવારના કહેવાથી તુનિષા ઘરમાં ડૉગ લઈ આવી. તેમને ડૉગથી ઘણો ડર લાગે છે, પરંતુ શિજાનના પરિવારને કારણે તેમના ઘરમાં ડૉગ છે. ફલકે જે તસવીર બતાવી તેમાં વનીતા શર્મા જર્મન શેફર્ડ ડૉગ સાથે છે. તુનિષના બકેટ લિસ્ટમાં એક ડૉગ લેવાની ઈચ્છા હતી. તુનિષાની બાજુમાં રહેતા સંજીવ પાસે ડૉગ હતો. વનીતા શર્મા આ જ જર્મન શેફર્ડ ડૉગ સાથે છે.'

અમ્મી-આપી પર શું કહ્યું?
ફલક નાઝે કહ્યું કે વનીતા શર્મા કહે છે કે તુનિષા શિજાનની માતાને અમ્મી ને બહેનને આપી કહેતી હતી. આ તો સાવ સામાન્ય વાત છે. તે પણ જ્યારે હિંદુ મિત્રના ઘરે જાય ત્યારે માસી ને આંટી કહેતી જ હોય છે.

નાનપણથી ટ્રોમામાં હતી
પ્રેસ કોન્ફરન્સમાં શફાક-ફલકે એમ પણ કહ્યું હતું કે તુનિષા નાનપણથી ટ્રોમામાં હતી અને આ જ કારણે ડિપ્રેશનમાં હતી. છેલ્લી 15 મિનિટમાં શિજાન તથા તુનિષા એકબીજાથી દૂર હતા. શિજાન શૂટિંગ કરતો હતો. તુનિષાનું સેટ પર બધા ઘણું જ ધ્યાન રાખતા હતા. તુનિષા છેલ્લા 15 દિવસથી ડિસ્ટર્બ હતી તો માતા હોવાને કારણે કેમ વનીતા શર્મા રોજ સેટ પર નહોતા જતા?

તુનિષાના પહેલાં પણ બે સંબંધો હતા
શિજાનના વકીલે કહ્યું હતું કે શિજાન તથા તુનિષા બંને પરસ્પર સહમિતથી અલગ થયા હતા. બ્રેકઅપ બાદ પણ બંને સારા મિત્રો ને કો-એક્ટર હતા. તુનિષાના આ પહેલાં પણ બે સંબંધો રહી ચૂક્યા હતા. શિજાનની કોઈ સિક્રેટ ગર્લફ્રેન્ડ નથી. તે સિંગલ જ છે. તુનિષાની માતાએ વકીલને પાવર ઑફ એટર્ની આપી રાખી છે.

અન્ય સમાચારો પણ છે...