ટોક ઓફ ધ ટાઉન બનતો રિયાલિટી શૉ 'બિગ બોસ 12' આજે 2 ઓક્ટોબરથી શરૂ થવાનો છે. આ વખતે પણ શૉ ઘણો આલીશાન રહેશે. બિગ બોસ હાઉસ કેટલું આલીશાન છે તે શૉ પહેલાં દિવ્ય ભાસ્કર તમને જણાવશે. બિગ બોસ હાઉસ છેલ્લાં ઘણા વર્ષોથી આર્ટ ડિઝાઈનર અને ફિલ્મ મેકર ઓમુંગ કુમાર અને તેની પત્ની વનિતા ડિઝાઈન કરે છે. આ વખતે પણ આ જ જોડીએ ઘર શણગાર્યું છે.
ઓમુંગની જુબાનીએ સાંભળો ઘરની સુંદરતા
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ઓમુંગે જણાવ્યું કે, 'આ વખતે મને કહેવામાં આવ્યું કે જંગલ બનાવી દો અને મેં બનાવી દીધું. આ ઘર જોઈ તમે શૉક થઈ જશો કે આ બિગ બોસ હાઉસ છે કે જંગલ! સ્મિત રેલાવતા ઓમુંગે કહ્યું કે આ વખતે પાર્ટિશિપન્ટ્સને જીવજંતુ જોવા મળી શકે છે. ખબર નહિ તેને જોઈ આ લોકો કેવાં રિએક્શન આપશે. શૉનો સેટ બનાવવાનું કામ હંમેશાં પડકારજનક રહ્યું છે. આ વખતે પણ ઘણા પડકાર હતા. દર વખતે ઘરમાં ગાર્ડન બનતું હતું પરંતુ આ વખતે જંગલ બનાવ્યું છે. જંગલ કેટલી હદે કન્ટેસ્ટન્ટ્સ સહન કરી શકશે તેને ધ્યાનમાં રાખી ઘર ડિઝાઈન કરવામાં આવ્યું છે. એવું ન થાય કે તેઓ એમ વિચારી લે કે અરે મેં આ શું બનાવી દીધું! દિવસ રાત જોયા વગર આ સેટ તૈયાર કરવામાં આવ્યો છે.'
વિશ્વસુંદરીના વૃક્ષમાંથી રેખાનો અવાજ સંભળાશે
ઓમુંગ જણાવે છે કે, 'ઘરમાં વિશ્વસુંદરીનું વૃક્ષ મારું ફેવરિટ છે. આ વૃક્ષમાંથી રેખાનો અવાજ સંભળાશે. સાથે સુંદર ફૂલોથી સજાવટ કરેલો એક પૂલ પણ બનાવાયો છે. આ સેટ રાતે ઘણો સુંદર લાગશે. 'બિગ બોસ' અને 'બિગ બ્રધર' શૉના ઈતિહાસમાં આવો સેટ ક્યારેય કોઈએ નહિ જોયો હોય. બિગ બોસનો સેટ ડિઝાઈન કરવો એ પડકારજનક કામ છે. આ જગ્યા પર કન્ટેસ્ટન્ટ્સ નજર કેદ રહે છે. આ સિઝનમાં ઘણું નવું કરવામાં આવ્યું છે. જંગલને ઘર બનાવવાની સાથે તેના દરેક ખૂણાને જીવંત રાખવામાં આવે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ઘરની ડિઝાઈન ઘણી ઈન્ટરેસ્ટિંગ છે મને આશા છે કે તે કન્ટેસ્ટન્ટ્સ અને ઓડિયન્સને પસંદ આવશે.'
આ વખતે જંગલમાં દંગલ થશે
ઓમુંગ જણાવે છે કે, 'ગાર્ડન એરિયા જંગલમાં કન્વર્ટ થતાં દંગલ અને નાટક થશે તે નક્કી જ છે. લીલાંછમ વૃક્ષો, સુંદર ઝરૂખા, હીંચકા અને ગુપ્ત દરવાજાવાળું આ જંગલ રોમાંચનો અનુભવ કરાવશે. તળાવ અનુરુપ એક કુંડ કમળથી સજાવાયો છે. જંગલની સુંદરતામાં ચાર ચાંદ લાગે તે માટે બોલતું વૃક્ષ- વિશ્વસુંદરી લગાવવામાં આવ્યું છે. જંગલના કેટલાક ભાગને લિવિંગ અને કેટલાક ભાગને કિચન બનાવાયું છે.'
લિવિંગ રૂમમાં રાજહંસ શોભા વધારશે
જંગલ પાર કર્યા બાદ કન્ટેસ્ટન્ટ્સ મુખ્ય દરવાજા તરફ આગળ વધશે ત્યારે ઘરનો નજારો અલગ જ હશે. પશુઓના પ્રિન્ટ્સ, ફોટોઝ અને ફૂલોના વોલપેપર સાથેના જંગલ વિનાનો ભાગ પણ સુંદર છે. લિવિંગ રૂમની વચ્ચે રાજહંસ પણ શોભા વધારે છે. આ શૉ લોકોના સપનાની ઉડાન આપવા માટે જાણીતો છે અને 'કમ ફ્લાય વિથ મી' ટાઈપોગ્રાફી તેનું પ્રમાણ છે. ગોલ્ડન અને યલો થીમ સાથે બેડરૂમ એરિયા રહસ્યમય બનાવાયો છે.
ઘરનો કન્ફેશન રૂમ રાજમહેલ જેવો
કન્ફેશન રૂમમાં તમારા દરેક શબ્દનું મૂલ્ય વધી જાય છે. આ જગ્યા ઘણા રહસ્યોને પોતાનામાં સમાવી લે છે. આ સિઝનમાં કન્ટેસ્ટન્ટ્સને પર્પલ અને મરૂન રંગના આલીશાન સોફા અને ખુરશી મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.