'ઇશ્કબાઝ' ફૅમ નિશી સિંહનું અવસાન:જન્મદિવસના બે દિવસ બાદ જ 50 વર્ષીય એક્ટ્રેસે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, ચાર વર્ષથી પથારીવશ હતાં

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટીવી સિરિયલ 'કુબૂલ હૈ' અને 'ઇશ્કબાઝ' ફૅમ નિશી સિંહનું લાંબી બીમારી બાદ રવિવાર, 18 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું. નિશી છેલ્લાં ચાર વર્ષથી પેરાલિસિસનો ભોગ બન્યાં હતાં અને પથારીવશ હતાં. 17 સપ્ટેમ્બરની રાત્રે તબિયત વધુ બગડી હતી અને ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને 18 સપ્ટેમ્બરના રોજ 3 વાગે નિધન થયું હતું.

નિશીને ખાવામાં તકલીફ થતી હતી
નિશીના પતિ સંજય સિંહે હાલમાં જ 'ઇ ટાઇમ્સ'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'ફેબ્રુઆરી, 2020ના રોજ નિશીને બીજીવાર સ્ટ્રોક આવ્યો હતો. તે સમયે નિશીની તબિયત ઠીક થઈ રહી હતી. જોકે, આ વર્ષે મેમાં ફરી એકવાર તેને સ્ટ્રોક આવ્યો અને તબિયત લથડી હતી. તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી અને પછી રજા આપી દેવામાં આવી હતી. છેલ્લાં થોડાં અઠવાડિયાથી ગળામાં ઇન્ફેક્શન હોવાથી તે જમી શકતી નહોતી, આથી અમે માત્ર જ્યૂસ આપવાનું શરૂ કર્યું હતું. નિધનના બે દિવસ પહેલાં એટલે કે 16 સપ્ટેમ્બરના રોજ તેનો 50મો જન્મદિવસ હતો. તે વાત કરી શકતી નહોતી, પરંતુ ઘણી જ ખુશ દેખાતી હતી. મેં તેને તેના ફેવરિટ બેસનના લાડુ ખાવાનો આગ્રહ કર્યો હતો અને તેણે થોડોક જ ખાધો હતો.'

વધુમાં સંજય સિંહે કહ્યું હતું, '17 સપ્ટેમ્બરે તેની તબિયત બગડી હતી અને અમે તેને હોસ્પિટલ લઈ ગયા હતા. તે મોત સામે ઝઝૂમી હતી, પરંતુ બપોરના ત્રણ વાગે તેનું અવસાન થઈ ગયું. સૌથી મોટી તકલીફ એ છે કે અમે 32 વર્ષ સાથે રહ્યાં. તેની તબિયત સારી નહોતી, પરંતુ તે મારી સાથે હતી. હવે મારી પાસે મારા બાળકો સિવાય પરિવાર કહેવાય એવું કોઈ જ રહ્યું નથી.

દીકરીએ અભ્યાસ છોડ્યો
સંજય સિંહે ગળગળા સ્વરે કહ્યું હતું, 'મારે 21 વર્ષીય દીકરો અને 18 વર્ષની દીકરી છે. મારી દીકરીએ માતાની સારવાર માટે અભ્યાસ છોડી દીધો હતો. તેણે બોર્ડ એક્ઝામ પણ આપી નહોતી.'

સેલેબ્સે આર્થિક મદદ કરી
સંજયે કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીના અનેક મિત્રોએ આર્થિક મદદ કરી હતી, જેમાં રમેશ તૌરાણી, ગુલ ખાન, સુરભિ ચંદના, CINTAA સામેલ છે. નિશીની વાત કરીએ તો ટીવી સિરિયલ્સની સાથે ફિલ્મમાં પણ કામ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...