તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:'યે હૈ ચાહતેં' ફૅમ ઐશ્વર્યા નવાં દયાભાભી બનશે? મેકર્સ પર્ફોર્મન્સથી ખુશખુશાલ

મુંબઈ3 મહિનો પહેલા

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પાંચ-પાંચ વર્ષથી દયાભાભી જોવા મળ્યા નથી. સિરિયલના મેકર્સને આશા હતી કે દિશા વાકાણી આ શોમાં પરત ફરશે. જોકે, દિશાએ તાજેતરમાં બીજા બાળકને જન્મ આપ્યો છે અને હવે દિશા વાકાણી ક્યારે પરત ફરે તે એક સવાલ છે. 'તારક મહેતા..' સિરિયલમાં દયાભાભી ક્યારે આવશે તે જાણવા માટે ચાહકો ઉત્સુક છે. હાલમાં જ એવી ચર્ચા હતી કે મેકર્સે દયાભાભીના પાત્ર માટે ઓડિશન હોલ્ડ પર રાખ્યા છે. હવે વળી એવી વાત સામે આવી છે કે આ રોલ માટે ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા સખુજાનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો.

શું ઐશ્વર્યા બનશે દયાભાભી?
'ઝૂમ ટીવી ડિજિટલ'ના અહેવાલ પ્રમાણે, 'યે હૈ ચાહતે' ફૅમ ઐશ્વર્યા સખુજાનો આ રોલ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. દયાભાભીનો રોલ કઈ કઈ એક્ટ્રેસ સારી રીતે પ્લે કરી શકે છે તે લિસ્ટમાં ઐશ્વર્યાનું નામ સામેલ હતું.

લુક ટેસ્ટ પણ આપ્યો
ઐશ્વર્યાએ દયાભાભીના રોલ માટે લુક ટેસ્ટ પણ આપ્યો હતો. તેના દમદાર લુક ટેસ્ટથી મેકર્સ પણ ખુશ થઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જે એક્ટ્રેસ સહજતાથી દયાભાભીના પાત્રમાં ઢળી જાય તેવી એક્ટ્રેસને મેકર્સ લાવવા માગે છે. 'તારક મહેતા..' એક કલ્ટ શો છે અને ચાહકો દયાભાભીને મિસ કરી રહ્યા છે. મેકર્સને લાગે છે કે ઐશ્વર્યા આ રોલ માટે ફિટ છે.

ઐશ્વર્યા-દિલીપ જોષી વચ્ચે 19 વર્ષનું અંતર
ઉલ્લેખનીય છે કે જો ઐશ્વર્યા દયાભાભીનો રોલ ભજવે તો તે રિયલ લાઇફમાં દિલીપ જોષી એટલે કે જેઠાલાલ કરતાં 19 વર્ષ નાની છે. ઐશ્વર્યાની ઉંમર 35 વર્ષ છે અને જેઠાલાલ 54ના છે. જ્યારે દિશા વાકાણી, દિલીપ જોષી કરતાં 11 વર્ષ નાની હતી.

કોણ છે ઐશ્વર્યા સખુજા?
ઐશ્વર્યા સખુજા મોડલ તથા એક્ટ્રેસ છે. 2006માં મિસ ઇન્ડિયા ફાઇનાલિસ્ટમાં તે સામેલ હતી. 2010માં ઐશ્વર્યાએ ટીવી સિરિયલ 'સાસ બિના સસુરાલ'માં ટોસ્ટીનો રોલ પ્લે કર્યો હતો. ત્યારબાદ તે વિવિધ સિરિયલમાં જોવા મળી હતી, જેમાં 'મૈં ના ભૂલૂંગી', 'ત્રિદેવીયાં', 'રિશ્તા.કોમ' સામેલ છે. ઐશ્વર્યાએ 'નચ બલિયે 7' તથા 'ફિઅર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી 7'માં પણ ભાગ લીધો હતો. 2014માં ઐશ્વર્યાએ લોંગટાઇમ બોયફ્રેન્ડ રોહિત નાગ સાથે લગ્ન કર્યા હતા. ઐશ્વર્યાએ 2019માં ફિલ્મ 'ઉજડા ચમન'માં કામ કર્યું હતું. ઐશ્વર્યાએ છેલ્લે 2021માં ટીવી સિરિયલ 'યે હૈ ચાહતે'માં આહના ખુરાનાનો રોલ પ્લે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...