સોશિયલ મીડિયા સેન્સેશનલ:'તારક મહેતા...'ના જેઠાલાલ ને દયાભાભીનો ડાન્સ રિહર્સલ કરતો વીડિયો વાઇરલ થયો

મુંબઈ23 દિવસ પહેલા
  • દિશા વાકાણી હાલમાં જ સેકન્ડ પ્રેગ્નન્સીને કારણે ચર્ચામાં આવી હતી

લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. આ સિરિયલના તમામ કલાકારો ઘેર-ઘેર જાણીતા છે. સિરિયલમાં જેઠાલાલનું પાત્ર દિલીપ જોષીએ ભજવ્યું છે, જ્યારે દયાના રોલમાં દિશા વાકાણી છે. જોકે, દિશા વાકાણી છેલ્લે 2017માં જોવા મળી હતી. હાલમાં જ સોશિયલ મીડિયામાં સિરિયલનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં દિશા વાકાણી તથા દિલીપ જોષી ડાન્સ રિહર્સલ કરતા જોવા મળે છે.

સિરિયલના ડાન્સનું રિહર્સલ કર્યું
વાઇરલ વીડિયોમાં દિલીપ જોષી તથા દિશા વાકાણી બંને કોરિયોગ્રાફરની સાથે ડાન્સ સ્ટેપનું રિહર્સલ કરે છે.

હાલમાં જ દિશાની તસવીરો વાઇરલ થઈ
દિશા વાકાણીએ 2017માં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. હાલમાં જ દિશાની બેબી બમ્પ દેખાતો હોય તેવી તસવીરો વાઇરલ થઈ હતી. આ તસવીરો જોઈને ચાહકો અટકળ કરવા લાગ્યા કે દિશા વાકાણી બીજીવાર પ્રેગ્નન્ટ છે. જોકે, દિશાએ આ અંગે હજી સુધી કંઈ જ કહ્યું નથી.

દિશા વાકાણી 2008થી જોડાયેલી
દિશા વાકાણી 'તારક મહેતા..'માં 2008થી જોડાયેલી છે, જોકે સપ્ટેમ્બર, 2017થી તે શોમાં આવી નથી. એવી ચર્ચા છે કે દિશા વાકાણીએ શો છોડી દીધો છે. જોકે સિરિયલના મેકર તથા દિશા વાકાણીએ આ અંગે કંઈ જ કહ્યું નથી. સિરિયલના મેકર્સે હજી સુધી નવાં દયાભાભી અંગે કોઈ જ વાત કરી નથી.

પતિને કારણે શોમાં પરત ફરી નથી
સૂત્રોના મતે, દિશા શોમાં પરત આવશે કે નહીં એનો નિર્ણય તેના પતિ પર નિર્ભર છે. સૂત્રોના મતે, 'દિશા પોતાના જીવનમાં કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં ઘણી જ નબળી છે. લગ્ન પહેલાં તે પોતાના પિતા પર નિર્ભર હતી. પછી ભાઈ અને હવે પતિ પર. તે પોતાના નિર્ણયો ક્યારેય જાતે લેતી નથી. શોમાં જ્યારે કમબેક કરવાની વાત આવી ત્યારે તેના પરિવાર તરફથી કેટલીક ડિમાન્ડ આવી હતી, જેમ કે નાઈટ શૂટ નહીં, શનિ-રવિ રજા, મહિનામાં 15 દિવસ જ શૂટિંગ, દીકરી માટે અલાયદો રૂમ અને ફીમાં વધારો. જોકે આ શરતો માનવી શક્ય નહોતી.

ગયા વર્ષે દિશા શોમાં પરત ફરશે એવી ચર્ચા હતી. જોકે પછી કોઈક મુદ્દે સમાધાન ના થતાં દિશાએ શોમાં આવવાની ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલાં શોમાં દયાભાભીનો પત્ર આવે છે અને પત્રમાં તે જેઠાલાલને ટૂંક સમયમાં અમદાવાદથી મુંબઈ પરત ફરશે, તેવી વાત કરે છે. આ સીન આવ્યા બાદ ફરીથી દિશા વાકાણી શોમાં આવશે કે નહીં, એની ચર્ચા થવા લાગી હતી. જોકે પછીથી દિશા વાકાણી શોમાં પરત ફરી નહોતી.