'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતાનો રોલ પ્લે કરતી મુનમુન દત્તા રીલ તથા રિયલ લાઇફમાં પોતાની ફિટનેસ ને ગ્લોઇંગ સ્કીન માટે જાણીતી છે. હાલમાં જ મુનમુન દત્તાએ પોતાના ડાયટ પ્લાન અંગે વાત કરી હતી. એક્ટ્રેસે સવારથી ઊઠીને રાત સુધી તે શું ખાય છે એ જણાવ્યું હતું. મુનમુન દત્તાએ કહ્યું હતું કે તે ઇન્ટરમીડિયટ ડાયટ કરવાનું પસંદ કરે છે. આ ઉપરાંત તે એકસામટું જમી લેવાને બદલે દિવસમાં થોડા થોડા કલાકોના અંતરે જમે છે.
રોજ સવારે સાડાપાંચ વાગે ઊઠી જાય
મુનમુન દત્તાએ કહ્યું હતું, 'હું સવારે સાડાપાંચ વાગ્યાની આસપાસ ઊઠી જાઉં છે. ઊઠીને તે પુષ્કળ પાણી પીએ છે. ત્યાર બાદ તે જિમમાં જાય છે. જિમમાં જતાં પહેલાં હું એક કેળું તથા પલાળેલી બદામ અથવા તો ડ્રાયફ્રૂટ્સ ખાઉં છું. જિમમાંથી આવ્યા બાદ બ્રેકફાસ્ટ લઉં છું, જેમાં ઢોસા, ઉપમા, પૌંઆ, દૂધ વગેરે હોય છે. બ્રેકફાસ્ટમાં અચૂકથી ફ્રૂટ્સ લઉં જ છું.'
લંચ પહેલાં આ વસ્તુ ખાસ લે છે
એક્ટ્રેસે આગળ કહ્યું હતું, 'હું લંચ લઉં તેની 30 મિનિટ પહેલાં એપલ વિનેગર લે છે. સામાન્ય રીતે લોકો લંચ સમયે કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય છે, પરંતુ એમાં છ ચમચી જેટલી ખાંડ હોય છે અને એ ઘણું જ નુકસાન કરે છે. લોકોને ખ્યાલ જ નથી કે હેલ્થની સમસ્યા ખાંડને કારણે થતી હોય છે. સામાન્ય રીતે શૂટિંગ ના હોય તો હું બપોરે ઘરનું જ ભોજન જમું છું, જેમાં દાળ-ભાત, શાક, સલાડ, ઘી તથા કોઈપણ જાતની ભાજી (શિયાળામાં ખાસ) હોય છે. બંગાળી હોવાને કારણે મને રોટલી બહુ ભાવતી નથી, ભાત વધુ ભાવે છે. આ ઉપરાંત હું ઘરે બનાવેલું જ ઘી ખાઉં છું. હું ઘરે દૂધમાંથી મલાઈ કાઢીને ઘી બનાવું છું.'
બંગાળી સ્ટાઇલમાં બનાવે છે
મુનમુન દત્તાએ વધુમાં કહ્યું હતું, 'મારા ઘરમાં મારી કૂકને સ્પષ્ટપણે સૂચના આપી રાખી છે કે તે બંગાળી સ્ટાઇલમાં જ ભોજન બનાવે. જો તેને કોઈક વસ્તુ ના આવડે બનાવતા તો જ્યારે મારી મમ્મી મારા ઘરે રોકાવા આવે ત્યારે તે શીખી લેતી હોય છે. આમ તો મારી કૂક બંગાળી જ છે, પણ તેને ઘણી આઇટમ બનાવતા આવડતી નથી. મારી મમ્મી ના હોય તો હું તેને કહી દેતી હોઉં છું. મને તમામ પ્રકારની રસોઈ બનાવતા આવડે છે.'
સાંજના નાસ્તમાં શું લે છે?
લંચ બાદ મુનમુન દત્તા સાંજે નાસ્તો કરે છે. આ અંગે એક્ટ્રેસે કહ્યું હતું, 'ઇવનિંગ સ્નેક્સમાં હું ફ્રૂટ્સ, કિનોઆ અથવા હળવો નાસ્તો લે છે. નાસ્તા બાદ હું ચા પીવાનું પસંદ કરું છું. ચામાં હું લેમન ગ્રાસ, આદુ નાખું છું. આ ઉપરાંત હું રિફાઇન શુગરને બદલે રૉ શુગરનો ઉપયોગ કરું છું.'
ડિનરમાં શું હોય છે?
સામાન્ય રીતે મુનમુન દત્તા લંચમાં જે લેતી હોય છે એ જ ડિનરમાં લે છે. ક્યારેય દાલ-ખીચડી, એગ્સ ટોસ્ટ પણ લેતી હોય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.