લોકપ્રિય ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ટૂંક સમયમાં દયાભાભી પરત ફરશે. સિરિયલના પ્રોડ્યૂસર અસિત મોદીએ પણ કન્ફર્મ કર્યું હતું કે શોમાં દિશા વાકાણી પરત ફરશે નહીં. નવાં જ દયાભાભી જોવા મળશે. દયાભાભીના રોલ માટે ઓડિશન પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. હવે ચર્ચા છે કે નવાં દયાભાભી ફાઇનલ કરી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી 2017થી સિરિયલમાં જોવા મળતી નથી.
કોણ છે નવાં દયાભાભી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 90ના દાયકાની લોકપ્રિય સિરિયલ 'હમ પાંચ'માં સ્વીટી માથુરનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસ રાખી વિજનને દયાભાભી તરીકે ફાઇનલ કરી હોવાનું માનવામાં આવે છે.
રાખી વિજને 1993માં ટીવી સિરિયલ 'દેખ ભાઈ દેખ'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે વિવિધ સિરિયલમાં જોવા મળી હતી. જોકે, તેને ખરી ઓળખ 'હમ પાંચ'થી મળી હતી. રાખી છેલ્લે 2019માં આવેલી સિરિયલ 'તેરા ક્યા હોગા આલિયા'માં જોવા મળી હતી. રાખી રિયાલિટી શો 'બિગ બોસ'ની બીજી સિઝનમાં સ્પર્ધક તરીકે જોવા મળી હતી.
રાખીએ આ ફિલ્મમાં કામ કર્યું છે
રાખીએ 1997માં ટેલિવિઝન મૂવી 'હમ કો ઇશ્ક ને મારા'માં કામ કર્યું હતું. આ ઉપરાંત તે 'મની હૈ તો હની હૈ', 'ગોલમાલ રિટર્ન્સ', 'થેંક્યૂ', 'ક્રિશ 3' જેવી ફિલ્મમાં જોવા મળી છે.
રવીના ટંડનના ભાઈ સાથે લગ્ન
રાખીએ 2004માં બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડનના ભાઈ રાજીવ ટંડન સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, બંને વચ્ચે વિખવાદ થતાં 2010માં બંનેએ ડિવોર્સ લઈ લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.