'નટુકાકા'નો અંતિમ સમય:'બાઘા'એ ઘનશ્યામ નાયકના છેલ્લાં દિવસોની વ્યથા વ્યક્ત કરી, 'પાણી પણ પી શકતા નહોતા, ઘણી જ તકલીફમાં હતા'

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘનશ્યામ નાયકે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના એક્ટર ઘનશ્યામ નાયક એટલે કે નટુકાકાનું ત્રણ ઓક્ટોબરના રોજ 77 વર્ષની ઉંમરમાં અવસાન થયું છે. તેમના બીજા દિવસે એટલે કે 4 ઓક્ટોબરે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સિરિયલમાં બાઘાનું પાત્ર ભજવનાર તન્મય વેકરિયાએ ઘનશ્યામ નાયકના અંતિમ દિવસો અંગે વાત કરી હતી.

શું કહ્યું તન્મય વેકરિયાએ?
એક ઇન્ટરવ્યૂમાં તન્મય વેકરિયાએ કહ્યું હતું, 'તેઓ છેલ્લાં 2-3 મહિનાથી ઘણાં જ બીમાર હતા અને તેમને ઘણી જ તકલીફ થતી હતી. મને લાગે છે કે હવે તેઓ સારી જગ્યા પર છે અને ભગવાનના હાથમાં સલામત છે. હું અવારનવાર તેમના દીકરા સાથે વાત કરતો હતો. તેણે કહ્યું હતું કે તેમની તબિયત સારી નથી. સતત તબિયત ખરાબ હોવાને કારણે તેમનો સ્વભાવ થોડો ચિડચિડિયો થઈ ગયો હતો.'

કંઈ જ જમી કે પી શકતા નહોતા
વધુમાં તન્મય વેકરિયાએ કહ્યું હતું, 'તેઓ ના કંઈ પી શકતા હતા કે ના કંઈ જમી શકતા હતા. પાણી સુદ્ધા પી શકતા નહોતા. તેમની તબિયત વધુ પડતી બગડી ગઈ હતી. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.'

હંમેશાં પોઝિટિવ રહેતા
તન્મયે આગળ વાત કરતાં કહ્યું હતું, 'હું ઘનશ્યામજીને હંમેશાં એક શુદ્ધ આત્મા તરીકે યાદ કરીશ. મને નથી લાગતું હતું કે હું જીવનમાં ક્યારેય તેમના જેવી વ્યક્તિને બીજીવાર મળી શકીશ. તેઓ ઘણાં જ સરળ હતા અને ક્યારેય કોઈની વિશે ખરાબ બોલતા નહીં. હંમેશાં પોઝિટિવ રહેતા. કામ પ્રત્યે ઘણી જ લગન હતી. મને લાગે છે કે ભગવાનની પાસે તેમના માટે કંઈક અલગ જ પ્લાન છે. હું તથા સિરિયલ 'તારક મહેતા..'નો પૂરો પરિવાર તેમને રોજ યાદ કરીશું.'

નટુકાકાએ જ બાઘાને જન્મ આપ્યો : તન્મય વેકરિયા
આ પહેલાં દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં તન્મય વેકરિયાએ જણાવ્યું હતું, 'સાંજે ઘનશ્યામભાઈના દીકરા વિકાસનો મને ફોન આવ્યો અને મારું મગજ સુન્ન થઇ ગયું. હું સાચું માનવા તૈયાર જ નહોતો કે નટુકાકા આપણને છોડીને ચાલ્યા ગયા છે. હું ત્રણ દિવસ રાજકોટ હતો. પછી નાથદ્વારા ગયો અને હજુ ગઈકાલે જ મુંબઈ પહોંચ્યો પણ મને મલેરિયા થઈ ગયો છે. અતિશય નબળાઈ છે.'

તન્મય વેકરિયા વાત આગળ વધારતાં કહે છે, 'મને તો બહુ જ મોટી ખોટ સાલશે. અમારી જોડી તૂટી ગઈ. સાથે કામ તો કરતા જ, પણ શૂટિંગમાં સાથે જમતા. તેઓ ટિફિન લઇ આવે. નટુકાકા ભાખરી-શાક કે રોટલી-શાકનું સાદું ભોજન જ લેતા. અમે ક્યારેક નબળા પર્ફોર્મન્સને કારણે નિરાશ થઇ જઈએ તો એ કાયમ મોટિવેટ કરતા. તેમનો સરળ, સાલસ અને નિર્દોષ સ્વભાવ કાયમ યાદ આવશે. 2009માં ઘનશ્યામભાઈને હાર્ટ-એટેક આવ્યો અને તેમનું ઓપરેશન હતું. ગડા ઇલેક્ટ્રોનિક્સમાં નટુકાકા પાછા ના આવે ત્યાં સુધી કોણ? એટલે મને નટુકાકાના ભત્રીજા બાઘા તરીકે એન્ટ્રી મળી. પછી જ્યારે તેઓ પરત સેટ પર આવ્યા ત્યારે બાઘાના જવાનો સમય થઈ ગયો, પણ નટુકાકા અને બાઘાની જોડીને લોકોએ પસંદ કરી હતી. આમ જુઓ તો નટુકાકાની ગેરહાજરીને કારણે બાઘાનો પ્રવેશ થયો.'

ગયા વર્ષે કેન્સર થયું હતું
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઘનશ્યામ નાયકને ગળાના ભાગમાં સાતથી આઠ કેન્સરની ગાંઠો નીકળી હતી. ત્યારબાદ તેમણે રેડિએશન તથા કિમોથેરપી કરાવી હતી. તે સમયે ઘનશ્યામ નાયક કેન્સર ફ્રી થઈ ગયા હતા, પરંતુ છ મહિના બાદ જ કેન્સરે ઊથલો માર્યો હતો અને તેમણે ફરીવાર કિમોથેરપી લીધી હતી. મૃત્યુના બે દિવસ પહેલાં જ તેમની તબિયત ખરાબ થઈ હતી અને પરિવારે તેમણે ઘરની નજીક આવેલી સૂચક હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. તેમણે 3 ઓક્ટોબરે સાંજે સાડા પાંચ વાગે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.