તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:'ચંપક ચાચા'એ વીડિયો શૅર કરીને કેવી રીતે સેટ પર ઈજા થઈ ને તબિયત અંગે વાત કરી

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

થોડા દિવસ પહેલા જ કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ચંપકચાચાનો રોલ પ્લે કરતા અમિત ભટ્ટ સેટ પર ઘાયલ થયા હોવાના સમાચાર આવ્યા હતા. અમિત ભટ્ટના આ સમાચાર સામે આવતા જ ચાહકો ચિંતામાં મૂકાઈ ગયા હતા અને અમિત ભટ્ટ જલ્દીથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી. હવે અમિત ભટ્ટ સો.મીડિયામાં વીડિયો શૅર કરીને પોતાની હેલ્થ અપડેટ આપી હતી.

તબિયતમાં સુધારો
અમિત ભટ્ટે સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં અમિત ભટ્ટે પોતાની તબિયત તથા કયા સીનને કારણે તેમને ઈજા થઈ તે અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, 'થોડાં દિવસથી સો.મીડિયામાં એવી ચર્ચા થઈ રહી છે કે 'ચંપક ચાચા' એટલે કે અમિત ભટ્ટનો ભયંકર અકસ્માત થયો છે. તે કહેવા માગે છે કે આ સમાચાર સાચા નથી. એવું કંઈ જ નથી. સાવ સામાન્ય ઈજા થઈ છે અને તે સંપૂર્ણ રીતે ઠીક છે અને તમારી સામે છે.

આ સીન દરમિયાન ઈજા થઈ
અમિત ભટ્ટે કહ્યું હતું કે સિરિયલના સેટ પર એક સીનનું શૂટિંગ ચાલતું હતું. આ સીનમાં સોઢીનું કારનું ટાયર હાથમાં છટકી જાય છે અને તે ટાયર પાછળ ભાગે છે. શૂટિંગ દરમિયાન ટાયર એક ઓટોને ભટકાઈને પાછું ફરે છે અને આ દરમિયાન તેમને ઘૂંટણમાં વાગે છે. ડૉક્ટરે 10-12 દિવસનો આરામ કરવાની સલાહ આપી હતી.

શૂટિંગ પર ક્યારે પરત ફરશે?
અમિત ભટ્ટે કહ્યું હતું કે તેઓ ગોકુલધામ તથા 'તારક મહેતા..'ના પરિવારને યાદ કરે છે. તે જલ્દીથી ઠીક થઈને શૂટ પર જવા માગે છે. અમિત ભટ્ટે ચાહકોની શુભેચ્છા માટે આભાર માન્યો હતો અને તેમની તબિયતની ચિંતા ના કરવાનું કહ્યું હતું.'

કઈ કઈ સિરિયલમાં કામ કર્યું છે?
19 ઓક્ટોબર, 1972ના રોજ જન્મેલા અમિત ભટ્ટ પત્ની કૃતિ તથા બે જોડિયા દીકરા દેવ-દીપ સાથે મુંબઈમાં રહે છે. અમિત ભટ્ટ વર્ષ 2008થી 'તારક મહેતા...'માં ચંપકચાચાનો રોલ પ્લે કરે છે. આ પહેલાં અમિત ભટ્ટે 'ખિચડી', 'યસ બોસ', 'ચુપકે ચુપકે', 'ફન્ની ફેમિલી.કોમ', 'ગપશપ કૉફી શોપ', 'FIR' જેવી સિરિયલમાં કામ કર્યું છે. સલમાન ખાનની ફિલ્મ 'લવયાત્રી'માં અમિત ભટ્ટે બંને દીકરા સાથે કેમિયો કર્યો હતો.

સિરિયલને જુલાઈમાં 14 વર્ષ પૂરા થયા
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને જુલાઈમાં 14 વર્ષ પૂરા થયા હતા. સિરિયલને 14 વર્ષ પૂરા થતાં સેટ પર કેક કટિંગ પણ કરવામાં આવ્યું હતું. થોડાં સમય પહેલાં જ સિરિયલમાં તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાના સ્થાને એક્ટર સચિન શ્રોફ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...