તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:તો શું બિટ્ટુ લેશે ટપુની જગ્યા? રાજ અનડકટે શો છોડ્યો હોવાની ચર્ચા છે

મુંબઈ5 મહિનો પહેલા

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આબાલ-વૃદ્ધોમાં લોકપ્રિય છે. જોકે એક પછી એક કલાકારો આ સિરિયલ છોડી રહ્યા છે. આ જ કારણે મેકર્સ શોમાં નવા-નવા કલાકારો લાવી રહ્યા છે. હાલમાં જ શોમાં નવા નટુકાકા (કિરણ ભટ્ટ)ની એન્ટ્રી થઈ હતી. હવે શોમાં વધુ એક નવું પાત્ર આવ્યું છે. આ પાત્રનું નામ બિટ્ટુ છે. બિટ્ટુની એન્ટ્રી થતાં જ એવી ચર્ચા થવા લાગી કે બિટ્ટુએ ટપુની જગ્યા લીધી છે.

ગોકુલધામમાં નવી વ્યક્તિની એન્ટ્રી
હાલમાં જ એપિસોડમાં જોવા મળ્યું હતું કે ગોકુલધામમાં એક નવી વ્યક્તિની એન્ટ્રી થાય છે. આ નવી વ્યક્તિ એટલે જ બિટ્ટુ. ખરી રીતે તો બિટ્ટુ સોઢીના મિત્રનો દીકરો હોય છે. તે હવે સોસાયટીમાં રહેવાનો છે. બિટ્ટની ઉંમર પણ ટપુ (રાજ અનડકટ) જેટલી જ છે, આથી જ એમ માનવામાં આવે છે કે શોમાં હવે ટપુના સ્થાને બિટ્ટુ જોવા મળી શકે છે.

રાજ અનડકટે શો છોડ્યો હોવાની ચર્ચા
શોમાં એવું બતાવવામાં આવ્યું છે કે ટપુ વધુ અભ્યાસ અર્થે મુંબઈની બહાર છે. ખરી રીતે તો રાજ અનડકટ લાંબા સમયથી આ શોમાં જોવા મળ્યો નથી, આથી જ માનવામાં આવે છે કે રાજે સિરિયલ છોડી દીધી છે. રાજે થોડા સમય પહેલાં દુબઈમાં મ્યુઝિક વીડિયોનું શૂટિંગ કર્યું હતું. આ ઉપરાંત તેણે રણવીર સિંહ સાથે એક પ્રોજેક્ટમાં કામ કર્યું છે. હાલમાં રાજ અનડકટ બહેન સોનુ સાથે દુબઈમાં વેકેશન મનાવી રહ્યો છે.

હાલમાં જ ભીડેએ રાજ અંગે વાત કરી હતી
મંદાર ચાંદવડકરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તે એક આર્ટિસ્ટ તરીકે વાત કરે તો તેને ખ્યાલ નથી કે રાજે શો છોડ્યો છે કે નહીં. જોકે તેને હેલ્થ ઇસ્યુ છે અને આથી જ તે સેટ પર આવતો નથી. તે છેલ્લા ઘણા દિવસોથી સેટ પર આવ્યો નથી.

રાજ 2017માં શોમાં જોડાયો હતો
આ શોમાં 2008થી ભવ્ય ગાંધી ટપુનો રોલ પ્લે કરતો હતો. 2017માં ભવ્યે આ સિરિયલ છોડી દીધી હતી. ત્યાર બાદ 2017માં ટપુના રોલ માટે રાજ અનડકટને લેવામાં આવ્યો હતો.

આ કલાકારોએ અત્યારસુધી સિરિયલ છોડી
આ પહેલાં સિરિયલને દિશા વાકાણી (દયાભાભી), ઝીલ મહેતા (સોનુ), નિધિ ભાનુશાલી (સોનુ), ભવ્ય ગાંધી (ટપુ), મોનિકા ભદોરિયા (બાંવરી), ગુરુચરણ સિંહ (સોઢી), લાલ સિંહ માન (સોઢી), દિલખુશ રિપોર્ટર (રોશન સોઢી), નેહા મહેતા (અંજલિભાભી)એ અલવિદા કહ્યું છે. કવિ કુમાર આઝાદ (ડૉ. હાથી)નું વર્ષ 2018માં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. ગયા વર્ષે ઘનશ્યામ નાયક (નટુકાકા)નું નિધન થયું હતું અને હવે કિરણ ભટ્ટ આ પાત્ર ભજવે છે.

અન્ય સમાચારો પણ છે...