'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નટુકાકાનો રોલ ભજવતા ઘનશ્યામ નાયકનું 3 ઓક્ટોબરના રોજ અવસાન થયું હતું. તેમના અવસાન બાદથી સિરિયલમાં રિપ્લેસમેન્ટ અંગેની ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં જ અસિત મોદીએ એક ઇન્ટરવ્યૂમાં આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે નટુકાકાનું પાત્ર રિપ્લેસમેન્ટ કરવામાં આવશે નહીં. ખરી રીતે થોડાં દિવસ પહેલાં નટુકાકાના સ્થાને નવા કલાકાર લેવામાં આવ્યા હોવાના સમાચાર વહેતા થયા હતા.
શોમાં નટુકાકાને રિપ્લેસ કરવામાં આવશે નહીં
અસિત મોદીએ કહ્યું હતું, 'સીનિયર એક્ટરના અવસાનને હજી માંડ મહિનો થયો છે. ઘનશ્યામ નાયક ઉર્ફે નટુકાકા મારા સારા મિત્ર પણ રહ્યા છે અને મેં તેમની સાથે ઘણાં વર્ષો સુધી કામ કર્યું છે. શોમાં તેમને જે યોગદાન આપ્યું તેમને અમે માન આપીએ છીએ. હજી સુધી તેમના કેરેક્ટરને રિપ્લેસમેન્ટ કરવા અંગે કંઈ જ વિચાર્યું નથી.'
અસિત મોદીએ કહ્યું, અફવા પર ધ્યાન ના આપો
અસિત મોદીએ આગળ કહ્યું હતું, 'બહુ બધી અફવા ચાલી રહી છે. જોકે, ઓડિયન્સને પ્રાર્થના કરું છું કે તેના પર ધ્યાન ના આપો.' ઉલ્લેખનીય છે કે 2017થી દયાભાભીનું પાત્ર ભજવતી દિશા વાકાણી પણ મેટરનિટી લીવ બાદથી શોમાં પરત ફરી નથી. મેકર્સે દયાભાભીના પાત્રનું પણ રિપ્લેસમેન્ટ શોધ્યું નથી.
પ્રોડક્શન હાઉસે કહ્યું, રિપ્લેસમેન્ટ મળ્યું નથી
પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું હતું, 'ગડા ઇલેક્ટ્રોનિક્સની અંદર ખુરશીમાં જે દાદા બેઠાં છે તે એક્ટર નથી. તે દુકાનના અસલી માલિકના પિતા છે અને તેમની આ દુકાન છે. હજી સુધી નટુકાકાનું રિપ્લેસમેન્ટ મળ્યું નથી. લોકોએ આવી ખોટી વાતો ફેલાવવી જોઈએ નહીં.'
સો.મીડિયામાં તસવીર વાઇરલ થઈ હતી
સો.મીડિયામાં નવા નટુકાકાને બતાવતી તસવીર વાઇરલ થઈ હતી. તસવીર શૅર કરીને કહેવામાં આવ્યું હતું કે તમે શું વિચારો છો? આ તસવીરમાં નવા નટુકાકા ગડા ઇલેક્ટ્રોનિક્સમાં નટુકાકાની ખુરશીમાં બેઠા છે. આ તસવીરમાં ઘનશ્યામ નાયકની તસવીર પણ શૅર કરવામાં આવી છે, આથી જ એવી ચર્ચા થઈ હતી કે આ જ કલાકાર હવે નટુકાકાનું પાત્ર ભજવશે.
વાઇરલ થયેલી તસવીર ગડા ઇલેક્ટ્રોનિક્સના રિયલ માલિક
સૌથી નવાઈની વાત એ છે કે જે વ્યક્તિની તસવીર વાઇરલ થઈ છે તે બીજું કોઈ નહીં, પરંતુ ગડા ઇલેક્ટ્રોનિક્સના અસલી માલિક છે. શોમાં બતાવ્યા પ્રમાણે, લીડ પાત્ર જેઠલાલ ગડા ઇલેક્ટ્રોનિક્સના માલિક છે. આ દુકાન કોઈ શૂટિંગનો સેટ નથી, પરંતુ રિયલમાં ઇલેક્ટ્રોનિકની દુકાન છે.
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં શોરૂમના માલિક શેખર ગડિયારે કહ્યું હતું, 'સો.મીડિયામાં લાઇક્સ વધારવા માટે કેટલાક લોકો ખોટા સમાચાર લખતા હોય છે. નટુકાકાના રિપ્લેસમેન્ટની વાત પણ આમાંની જ એક છે. જે તસવીર વાઇરલ થઈ છે તે મારા પિતાની છે. તે આ દુકાનના અસલી માલિક છે. મારા કોઈ વીડિયોમાં તેમની એક ઝલક હતી. કોઈએ સ્ક્રીનશોટ લઈને નવા નટુકાકા કહીને તસવીર વાઇરલ કરી હતી.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.