તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:'ટપુ' ને 'તારક મહેતા..'એ સિરિયલનો સાથ છોડ્યો, પ્રોડ્યુસરની આ વાતથી નારાજ છે

મુંબઈ15 દિવસ પહેલા

ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લાં 14 વર્ષથી ચાહકોનું મનોરંજન કરી રહી છે. પ્રોડ્યુસર અસિત મોદીએ સિરિયલના કલાકારો માટે એક નિયમ રાખ્યો છે. આ નિયમ હવે કલાકારોને અકળાવી રહ્યો છે. આ જ નિયમને કારણે સિરિયલના બે કલાકારે શો છોડી દીધો છે. થોડા સમય પહેલાં જ ચર્ચા હતી કે સિરિયલમાં તારક મહેતાનો રોલ પ્લે કરતાં શૈલેષ લોઢા આ શોમાં જોવા મળશે નહીં. જોકે હજી સુધી પ્રોડ્યુસર કે એક્ટરે આ અંગે કંઈ જ કહ્યું નહોતું. હવે એવી વાત સામે આવી છે કે સિરિયલમાં તારક મહેતાના રોલમાં શૈલેષ લોઢા હવે ક્યારેય જોવા મળશે નહીં.

અસિત મોદી-શૈલેષ લોઢા વચ્ચે સમાધાન ના થયું
'ઇ ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, અસિત મોદીએ શૈલેષ લોઢાને પાછા ફરવા માટે ઘણા જ મનાવ્યા હતા. તેમણે આ અઠવાડિયા સુધી મનાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તમામ મહેનત પર પાણી ફરી વળ્યું હતું. લોઢા હવે આ શોમાં ક્યારેય પરત ફરશે નહીં, પરંતુ સિરિયલના અંતે તેમનો એક મોનોલોગ આવે છે, એ આવતો રહેશે. શૈલેષ લોઢા ઘરે હોય તો ઘરેથી, નહીંતર બહાર હોય તો ત્યાંથી આ મોનોલોગ શૂટ કરે છે.

આ નિયમ વચ્ચે આવ્યો
અસિત મોદી મહિનામાં શૈલેષ લોઢાને 15 દિવસથી વધુ દિવસ સેટ પર બોલાવતા નથી, આથી જ શૈલેષ લોઢાએ બાકીના સમયમાં અન્ય પ્લેટફોર્મ પર આવતાં કવિતા બેઝ શોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અસિત મોદીએ શૈલેષ લોઢાને વિનંતી કરી હતી કે તે કોન્ટ્રેક્ટ તોડીને બીજા શોમાં કામ કરી શકે નહીં. તે આ રીતની પરવાનગી પણ આપી શકે નહીં. જો તે એકને મંજૂરી આપશે તો બાકીના કલાકારો પણ કોન્ટ્રેક્ટ તોડશે. અસિત મોદીએ સિરિયલમાં કામ કરતા તમામ કલાકારો સાથે એક ખાસ કોન્ટ્રેક્ટ કર્યો છે. આ કોન્ટ્રેક્ટ પ્રમાણે, સિરિયલમાં કામ કરતા કલાકારો અન્ય બીજું કોઈ કામ કરી શકે નહીં. પછી ભલે તેમને મહિનામાં 15 દિવસ ઘરે જ કેમ ના બેસવાનું હોય.

રાજ અનડકટે પણ આ જ કારણે શો છોડ્યો
માત્ર શૈલેષ લોઢાએ જ નહીં, પરંતુ રાજ અનડકટ (સિરિયલમાં ટપુનો રોલ પ્લે કરે છે)એ પણ આ જ કારણે શો છોડી દીધો છે. રાજ એક મ્યુઝિક વીડિયોમાં કામ કરવા માગતો હતો, પરંતુ તે સિરિયલમાં કામ કરતો હોય તો તે મ્યુઝિક વીડિયો કરી શકે નહીં, આથી જ રાજે આ સિરિયલ છોડી દીધી છે. ટૂંક સમયમાં રાજ ફિલ્મમાં પણ જોવા મળશે. રાજને પણ શોમાં પરત લાવવાના પ્રયાસો થયા હતા, પરંતુ એ પ્રયાસો કામ લાગ્યા નહીં.