'ટપુ' સિરિયલ નહીં છોડે:રાજ અનડકટ હવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં યથાવત્ રહેશે, કેટલાક વિવાદોનો સુખદ ઉકેલ આવ્યો!

મુંબઈએક મહિનો પહેલા
  • પહેલાં એવી વાત હતી કે રાજ અનડકટ 20 ડિસેમ્બર પછી શોનું શૂટિંગ કરવાનો નહોતો

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' અંગે થોડા સમય પહેલાં એવી વાત વહેતી થઈ હતી કે ટપુનો રોલ ભજવતો રાજ અનડકટ શો છોડી રહ્યો છે. પ્રોડક્શન હાઉસ સાથેના મતભેદને કારણે હવે તે આ સિરિયલમાં કામ કરવા માગતો નથી. રાજ 20 ડિસેમ્બર પછી શૂટિંગ પણ કરવાનો નહોતો. જોકે હવે એમ માનવામાં આવે છે કે રાજ શો છોડવાનો નથી. પ્રોડક્શન હાઉસના મતે રાજ કેટલીક બાબતોને કારણે નાખુશ હતો અને તેથી જ તે આ શો છોડવાનો હતો. જોકે પ્રોડક્શન હાઉસે રાજ સાથેના મતભેદનો ઉકેલ લાવી દીધો છે અને તે આ શોમાં કામ કરવાનું ચાલુ રાખશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 'થોડા મહિના પહેલાં અફવા ઊડી હતી કે મુનમુન દત્તા શો છોડવાની છે. મુનમુન દત્તાએ સો.મીડિયામાં શૅર કરેલા એક વીડિયોમાં જાતિગત શબ્દ બોલીને વિવાદ ઊભો કર્યો હતો, પરંતુ તેણે શૂટિંગ ચાલુ રાખ્યું હતું. થોડા સમય પહેલાં મુનમુન તથા રાજ વચ્ચેના અફેરની વાતો આવી હતી. આ વાતથી રાજને ઘણી જ અસર થઈ હતી. આ ઉપરાંત કેટલીક બાબતોને કારણે રાજે શો છોડવાનું નક્કી કર્યું હતું. તેણે આ વાત પ્રોડક્શન હાઉસને કહી હતી. જોકે હવે તે આ શો છોડવાનો નથી. દરેક એક્ટર્સના જીવનમાં અપ એન્ડ ડાઉન આવતાં રહે છે. રાજનું પાત્ર ટપુ ચાહકોને ઘણું જ પસંદ આવ્યું છે અને આ શો છોડી દેવો એ મજાક નથી. રાજને હજી પણ કેટલાક વાંધા છે, પરંતુ એનો પણ ટૂંક સમયમાં ઉકેલ લાવી દેવામાં આવશે.'

રાજને પ્રોડક્શન હાઉસ સામે કયા કયા વાંધા છે?
'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે, થોડા મહિના પહેલાં મુનમુન દત્તાએ જાતિગત શબ્દ બોલીને વિવાદ ઊભો કર્યો હતો. આ વિવાદ બાદ પ્રોડક્શન હાઉસે સિરિયલના તમામ કલાકારો પાસે એક લેટર સાઇન કરાવ્યો હતો. આ લેટર પ્રમાણે, સિરિયલના કોઈપણ કલાકારો ક્યારેય જાતિગત, ધાર્મિક લાગણી દુભાય એ રીતની ભાષાનો ઉપયોગ કરશે નહીં. તમામ કલાકારે આ લેટર પર સાઇન કરી હતી, પરંતુ એક કલાકારે આજદિન સુધી આ લેટર પર સાઇન કરી નથી. આ કલાકાર એટલે રાજ અનડકટ.

અન્ય એક બાબતમાં રાજ તથા અસિત મોદી વચ્ચે ચડભડ થઈ હતી. રાજે પોતાની યુટ્યૂબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને આ વીડિયોના ચોક્કસ પાર્ટમાં તે 'ટપુ' તરીકે જોવા મળ્યો હતો. અસિત મોદીએ 'તારક મહેતા..'ના તમામ કલાકારોને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ સો.મીડિયા તથા યુટ્યૂબમાં ક્યાંય સિરિયલના પાત્રને રિપ્રેઝન્ટ કરી શકશે નહીં. તેઓ સો.મીડિયામાં સિરિયલ અંગેની કોઈ માહિતી પણ આપી શકશે નહીં. અસિત મોદી ઈચ્છતા હતા કે રાજ તે વીડિયોના પોર્શનમાંથી ટપુનો ભાગ એડિટ કરી નાખે.

ત્રીજી વાત એવી બની કે પ્રોડક્શન ટીમના AD (આસિસ્ટન્ટ ડિરેક્ટર)એ રાજની ટી શર્ટ પહેરીને દિલીપ જોષી સાથે શૂટિંગ કર્યું હતું. રાજ પોતાના કૉલ ટાઇમ પ્રમાણે જ આવવાનો હતો. જોકે ડિરેક્ટરે અચાનક જ સેટ પર નક્કી કર્યું કે તે સીનમાં ટપુ (રાજ અનડકટ)ને બદલે ADની મદદથી જ શૂટિંગ પૂરું કરી લેવામાં આવે. તે સીનમાં ટપુની પીઠ બતાવવામાં આવે છે અને તે જેઠાલાલ (દિલીપ જોષી) સાથે વાત કરતો હોય છે. આ સીનમાં ADએ રાજની ટી શર્ટ પહેરીને શૂટિંગ કરી નાખ્યું હતું. રાજ જ્યારે પોતાના સમયે સેટ પર આવ્યો ત્યારે ADને પોતાની ટી શર્ટમાં જોઈને નવાઈમાં મુકાઈ ગયો હતો. પછીથી ADની હકાલપટ્ટી કરી નાખવામાં આવી હતી, પરંતુ ડિરેક્ટર્સની ટીમે ભેગા થઈને ADને પાછો સેટ પર બોલાવી લીધો હતો. આ ઘટના ગયા મહિને જ બની હતી.

આ ઉપરાંત એવી પણ વાતો થઈ રહી હતી કે સિરિયલના મોટા ભાગના કલાકારોને મહિનામાં ત્રણથી ચાર વાર શૂટિંગ માટે બોલાવવામાં આવે છે અને તેમના ટ્રેકનું શૂટિંગ પૂરું કરી દેવામાં આવે છે. જોકે તેઓ બાકીના દિવસોમાં અન્ય કામ કરી શકતા નથી. તેઓ 'તારક મહેતા..' સિરિયલને કમિટેડ રહે છે. આ જ કારણે તેમની મહિનાની આવકમાં ઘટ પડે છે. રાજને વેબ શો તથા અન્ય પ્રોજેક્ટ્સ મળ્યા હતા. તેણે આ શો સાઇન કરી લીધા હોવાની ચર્ચા છે.

રાજ 2017થી શોમાં જોડાયેલો છે
રાજ અનડકટ 2017થી ટપુડાનું પાત્ર ભજવી રહ્યો છે. આ પહેલાં ભવ્ય ગાંધી આ પાત્ર ભજવતો હતો. મુનમુન દત્તાના અફેરની વાત સામે આવી ત્યારે રાજે સો.મીડિયામાં લાંબી પોસ્ટ શૅર કરીને આ વાતને ખોટી ગણાવી હતી.