તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:જૂની સોનુએ બૉડી શેમિંગનું દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- લોકો મારા લાંબા દાંત ને ખીલ અંગે મેણા મારતા હતા

મુંબઈ3 મહિનો પહેલા
  • ઝીલ મહેતાએ 2008થી 2012 સુધી સિરિયલમાં કામ કર્યું હતું.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ઝીલ મહેતાને આપણે 'જૂની સોનુ' તરીકે ઓળખીએ છીએ. ઝીલ મહેતા સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. હાલમાં જ ઝીલ મહેતાએ પ્રેરણાદાયી સો.મીડિયા પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં તેણે 'બૉડી શેમિંગ'નો મુદ્દો ઉઠાવ્યો હતો. તેણે કહ્યું હતું કે સો.મીડિયામાં આ મુદ્દે વધુને વધુ ચર્ચા કરવાની જરૂર છે.

શું છે વીડિયોમાં?
વીડિયોમાં 'બીફોર આફ્ટર' ટેમ્પ્લેટ છે. વીડિયોમાં અવંતી નાગરાલ તથા કેવિન ફર્નાન્ડોનું ગીત 'ઇમ્પર્ફેક્ટ' વાગે છે. 'બીફોર'વાળા વીડિયો પાર્ટમાં વિવિધ કમેન્ટ્સ લખવામાં આવી છે, જેમ કે 'તું બહું જ ઊંચી છે', 'તારા દાંત બહુ લાંબા છે', 'તું પાતળી નથી', 'તારે ખીલ અંગે કંઈક કરવું જોઈએ', 'તું બહુ જ મેકઅપ કરે છે.' 'આફ્ટર'વાળા વીડિયો પાર્ટમાં ઝીલ પોતાને ફન્ની, સુંદર, દયાળું, ખુશ છે તે વિચારે છે. તે કહે છે કે લોકો શું કહે છે, તેનાથી તેને કોઈ ફેર પડતો નથી.

વીડિયો શૅર કરીને શું કહ્યું?
ઝીલ મહેતાએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'કાશ, મેં પહેલાં અવંતી નાગરાલનું ગીત ટીનેજમાં સાંભળ્યું હોત. મને મારી જાતનો સ્વીકાર કરવામાં તથા મારી જાત પર વિશ્વાસ મૂકવામાં ખાસ્સી એવી વાર લાગી. મને આજે એ વાતનો અહેસાસ થાય છે કે હું જેવી છું, તેવી જ મારી જાતને સ્વીકારી લેત તો મારા માટે એ વાત ક્યારેય મહત્ત્વની રહી નથી કે લોકો મારા વિશે શું કહે છે અને મારા વિશે શું વિચારે છે.

વધુમાં ઝીલે કહ્યું હતું, 'જો તમે આ કેપ્શન તેમ વાંચો છો, તો જાવ અને પોતાના મિત્રને કહો કે તે સુંદર છે, સ્માર્ટ તથા સારા છે. મારો વિશ્વાસ કરો કે તમને જરૂર સારું રહેશે. લોકો શું કહે છે, તેનાથી કોઈ ફરક પડતો નથી. તમે શું વિચારો છો, તેનાથી ફેર પડે છે. પર્ફેક્ટનો અર્થ થાય છે કે હું પર્ફેક્ટ છું, જેમાં 'હું' ક્યાંક છુપાઈ જાય છે.'

2008થી 2012 સુધી શોમાં કામ કર્યું હતું
ઝીલ મહેતાએ નવ વર્ષની ઉંમરે 'તારક મહેતા..'માં કામ કરવાની શરૂઆત કરી હતી. ઝીલ આ શોમાં ‘સોનુ ભીડે’નું પાત્ર ભજવતી હતી. ઝીલે લગભગ ચાર-સાડા ચાર વર્ષ સુધી આ શોમાં કામ કર્યું હતું. ત્યારબાદ અભ્યાસને કારણે તેણે આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. ઝીલ મહેતા હાલમાં મમ્મી લતાબેનના બ્યૂટીપાર્લરમાં મદદ કરે છે. આ ઉપરાંત તે જાહેરાતમાં પણ જોવા મળતી હોય છે. સિરિયલ છોડ્યા બાદ ઝીલ અન્ય કોઈ સિરિયલમાં જોવા મળી નથી.

સોનુના પાત્રમાં પલક સિધવાણી
ઝીલ મહેતા બાદ સિરિયલમાં નિધિ ભાનુશાલી આવી હતી. નિધિએ પણ 2019માં આ શો છોડ્યો હતો. હવે સિરિયલમાં પલક સિધવાણી, સોનુના રોલમાં જોવા મળે છે.

ઝીલે સો.મીડિયામાં શૅર કરેલો વીડિયો