તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:નટુકાકાએ આર્થિક કટોકટીમાં હોવાની વાતને ખોટી ગણાવી, કહ્યું- હું બેકાર નથી, મારાં બાળકો જરૂરિયાતમંદને મદદ કરે છે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નટુકાકાએ કહ્યું, મેં સિરિયલમાંથી બ્રેક લીધો નથી, કોરોના પ્રોટોકોલનું પાલન કરું છું
  • ટીમ મુંબઈ પરત ફરશે, એટલે નટુકાકા શૂટિંગ ફરી શરૂ કરશે, એમ માનવામાં આવે છે

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નટુકાકાનો રોલ પ્લે કરનાર ઘનશ્યામ નાયક આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે, એવી ચર્ચા ચાલતી હતી, જોકે હવે ઘનશ્યામ નાયકે આ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, 'હું અત્યારે મારાં સંતાનો તથા પૌત્ર-પૌત્રીઓ સાથે સમય પસાર કરું છું. મારાં બાળકો જરૂરિયાતમંદોને શક્ય તેટલી મદદ કરી રહ્યાં છે. હું બેકાર નથી અને કોઈ આર્થિક સંકટનો સામનો કરતો નથી.'

'મેં શોમાંથી કોઈ બ્રેક લીધો નથી'
હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં ઘનશ્યામ નાયકે કહ્યું હતું, 'મને ખબર નથી પડતી કે લોકો આ રીતની નકારાત્મકતા કેમ ફેલાવે છે. મેં શોમાંથી બ્રેક લીધો નથી. પરિસ્થિતિ એવી છે કે સિનિયર એક્ટર્સ મહરાષ્ટ્ર બહાર અન્ય રાજ્યમાં શૂટિંગ માટે જઈ શકે તેમ નથી. અમે કોરોના પ્રોટોકોલનું પાલન કરીએ છીએ. પ્રોડ્યુસર્સે જે નિર્ણય લીધો છે એ અમારા હિતમાં છે. હું બેરોજગાર થયો નથી. અમારી ટીમ અમારું ધ્યાન રાખે છે. આશા છે કે જ્યારે તેઓ મુંબઈ આવશે ત્યારે અમે ફરીથી શૂટિંગ શરૂ કરીશું.'

જેઠાલાલ સાથે નટુકાકા.
જેઠાલાલ સાથે નટુકાકા.

ગયા વર્ષે ગળાની સર્જરી કરાવી હતી
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 76 વર્ષીય ઘનશ્યામ નાયકે ગળાનું ઓપરેશન કરાવ્યું હતું અને 8 ગાંઠ કાઢવામાં આવી હતી. ત્રણ મહિના સુધી કેન્સરની સારવાર કરવામાં આવી હતી. તબિયતમાં સુધારો થયો હતો. આ વર્ષે તેમણે સેટ પર આવવાનું શરૂ કર્યું હતું. તેમણે માંડ ચારેક એપિસોડ શૂટ કર્યા અને કોરોનાની બીજી લહેર આવી ગઈ હતી. આ કારણે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં લૉકડાઉનની જાહેરાત કરી હતી, જેને કારણે ફિલ્મ તથા ટીવીના શૂટિંગ બંધ થઈ ગયાં હતાં. સિરિયલના મેકર્સ ગુજરાતમાં રહીને શૂટિંગ કરી રહ્યા છે. સિનિયર એક્ટર હોવાને કારણે ટીમે ઘનશ્યામ નાયકને બહાર ના લઈ જવાનો નિર્ણય કર્યો છે.

કામ કરે કે ના કરે, દર મહિને અકાઉન્ટમાં પૈસા આવે છે
મે મહિનાની શરૂઆતમાં દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ઘનશ્યામ નાયકે કહ્યું હતું, 'હું અંતિમ શ્વાસ સુધી કામ કરવા માગું છું, પરંતુ છેલ્લા કેટલાંક સમયથી પરિસ્થિતિ સાથ આપતી નથી. પહેલાં લૉકડાઉનમાં સરકારે 65 વર્ષથી ઉપરના એક્ટર્સને શૂટિંગની પરવાનગી આપી નહોતી. પછી મારી તબિયત સારી નહોતી. આ તમામ પરિસ્થિતિમાં સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદીએ મને ઘણી જ મદદ કરી હતી. હું કામ કરું કે ના કરું, દર મહિને મારા અકાઉન્ટમાં પૈસા જમા થઈ જાય છે.'

પત્ની બે દીકરી, પુત્ર-પુત્રવધૂ, પૌત્ર-પૌત્રી સાથે નટુકાકા.
પત્ની બે દીકરી, પુત્ર-પુત્રવધૂ, પૌત્ર-પૌત્રી સાથે નટુકાકા.

કામ કરે કે ના કરે, કલાકારોને દર મહિને પગાર મળે છે
ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના એક્ટર્સ જ્યાં સુધી શો સાથે જોડાયેલા હોય છે ત્યાં સુધી પ્રોડ્યુસર અસિત મોદી કલાકારો કામ કરે કે ના કરે, દર મહિને બેઝિક પગાર આપે છે. દરેક એક્ટરના અનુભવના હિસાબે બેઝિક સેલરી નક્કી કરેલી છે. બેઝિક સેલરી ઉપરાંત મહિનામાં જે-તે એક્ટર કેટલા દિવસ શૂટિંગ કરે છે એ પ્રમાણે ફી મળે છે. આ ફી દર ત્રણ મહિને આપવામાં આવે છે, જ્યારે બેઝિક સેલરી દર મહિને મળે છે. ઘનશ્યામ નાયકને દર મહિને એક લાખ રૂપિયાનો બેઝિક પગાર મળે છે.

મે એન્ડમાં ટીમ મુંબઈ પરત ફરશે
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં માલવ રાજડાએ કહ્યું હતું કે તેઓ મે એન્ડ સુધીમાં ગુજરાતમાં શૂટિંગ પૂરું કરી લેશે અને પછી મુંબઈ પરત ફરશે. એક ચર્ચા પ્રમાણે, મહારાષ્ટ્રમાં કેસ ઘટતાં રાજ્ય સરકાર અનલૉકની જાહેરાત કરશે અને એમાં શૂટિંગની પરવાનગી આપે એવી શક્યતા છે.