તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:'બબીતા'એ મુંબઈમાં નવું ઘર ખરીદ્યું, તસવીરો શૅર કરીને કહ્યું- 'શૂન્યથી શરૂઆત કરીને આજે અહીંયા છું, મારી જાત પર ગર્વ છે'

મુંબઈ2 મહિનો પહેલા
  • મુનમુન દત્તાએ નવા ઘરમાં દિવાળી સેલિબ્રેટ કરી હતી

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતાનો રોલ પ્લે કરનાર મુનમુન દત્તા માટે આ વર્ષે દિવાળી ખાસ રહી. મુનમુન દત્તાએ નવા ઘરમાં દિવાળી સેલિબ્રેટ કરી છે. એક્ટ્રેસે સો.મીડિયામાં આ તસવીરો શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી.

ઇમોશનલ પોસ્ટ શૅર કરી
મુનમુન દત્તાએ પોતાના નવા ઘરની તસવીરો શૅર કરીને એક ઇમોશનલ પોસ્ટ શૅર કરી હતી. મુનમુને કહ્યું હતું, 'નવું ઘર, નવી શરૂઆત. આ દિવાળી પોસ્ટ મોડી છે. બિઝી શૂટિંગ શિડ્યૂઅલ તથા તબિયત ખરાબ હોવા છતાં હું નવા ઘરમાં શિફ્ટ થઈ, પરંતુ મારા નવા ઘરમાં નવી શરૂઆત કરવા અંગે ઘણી જ ઉત્સાહી છું. મારું સપનું સાચું પડ્યું. મેં સો.મીડિયામાંથી બ્રેક લીધો અને મમ્મી તથા નિકટના લોકો સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કર્યો હતો. કોઈની મદદ વગર ગ્રાઉન્ડ ઝીરોથી શરૂઆત કરીને આજે હું અહીંયા આવી છું. મને મારી જાત પર ગર્વ છે. કઠોર પરિશ્રમ તથા લગનનું મને આજે ફળ મળ્યું. ભગવાનનો આભાર.'

મુનમુન 2008થી સિરિયલમાં
મુનમુન દત્તા મૂળ પૂણેની છે અને તે કરિયર માટે મુંબઈ આવી હતી. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. 2004માં તેણે ઝી ટીવીની સિરિયલ 'હમ સબ બારાતી'થી ટીવી ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તે 2005માં આવેલી ફિલ્મ 'મુંબઈ એક્સપ્રેસ', 2006માં 'હોલિડે' તથા 2015માં આવેલી ફિલ્મ 'ઢિંચાક એન્ટરપ્રાઈઝ'માં જોવા મળી હતી. મુનમુનના પપ્પાનું અવસાન થઈ ચૂક્યું છે. તે પોતાનાં મમ્મી, ભાઈ-ભાભી તથા ભત્રીજી સાથે મુંબઈમાં રહે છે.

સિરિયલમાં ટપુનો રોલ ભજવતા રાજ સાથે અફેર હોવાની ચર્ચા
શોમાં ટપુનો રોલ પ્લે કરતો રાજ અનડકટ તથા બબીતા બનતી મુનમુન દત્તા વચ્ચે અફેર હોવાની ચર્ચા છે. મુનમુન તથા રાજે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને ડેટિંગની વાત નકારી કાઢી હતી. જોકે, મુનમુને પછી બંને પોસ્ટ ડિલિટ કરી હતી.