'તારક મહેતા..'માં નવા જેઠાલાલ આવશે?:દિલીપ જોષીને બદલે સૌરભ ઘાડગે હવે જેઠાલાલ તરીકે જોવા મળશે? જાણો શું છે સચ્ચાઈ?

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલીપ જોષી વર્ષ 2008થી સિરિયલ સાથે જોડાયેલા છે

અસિત કુમાર મોદીની સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો ચાહકોમાં જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. છેલ્લાં 13 વર્ષમાં ઘણાં કલાકારોએ આ સિરિયલ છોડી છે અને તેમના સ્થાને નવા કલાકારો આવ્યા છે. જોકે, હાલમાં જ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાઇરલ થઈ હતી. આ પોસ્ટ પ્રમાણે, અસિત મોદીએ દિલીપ જોષી એટલે કે જેઠાલાલના રોલ માટે નવા કલાકારની પસંદગી કરી છે.

કઈ પોસ્ટ વાઇરલ થઈ?
'ધ સેન્સીબલ ટાઇમ્સ' નામના સોશિયલ મીડિયા પેજે એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું, 'તારક મહેતા..'ના મેકર્સ પોતાનું મેટાવર્સઃ મહેતાવર્સ લૉન્ચ કરવાનું વિચારી રહ્યાં છે. તેઓ જેઠાલાલના પાત્ર માટે સૌરભ ઘાડગેને કાસ્ટ કરવાનું વિચારે છે.'

આ પોસ્ટ વાઇરલ થતાં જ અનેક યુઝર્સે કમેન્ટ્સ કરી હતી. એકે કહ્યું હતું, 'જો આમ થયું તો અત્યારે જેટલો ડાઉનફૉલ ચાલી રહ્યો છે, તેનાથી દસ ગણો ડાઉનફૉલ જોવા મળશે.' અન્ય એકે કહ્યુ હતું, 'સર એકવાર નોનસેન્સ કહી દો.' બીજા એકે કહ્યું હતું, 'શું આ સાચું છે?' અન્ય એકે એવી કમેન્ટ કરી હતી, 'જો આમ થયું તો શો અઠવાડિયામાં જ બંધ થઈ જશે.'

શું છે સચ્ચાઈ?
સૌરભ ઘાડગે ડિજિટલ ક્રિએટર તથા યુ ટ્યૂબર છે. તે ફન્ની વીડિયો બનાવવા માટે જાણીતો છે. સૌરભને જ્યારે આ અંગે જાણ થઈ તો તેણે આ વાતને અફવા ગણાવી હતી. સૌરભે કહ્યું હતું, 'આ બધી મસ્તી મજાક હતી.'

ચાહકો દયાભાભીની રાહ જોઈ રહ્યા છે
ઉલ્લેખનીય છે કે સિરિયલમાં દયાભાભીનુ પાત્ર ભજવતી દિશા વાકાણી 2017થી શોમાં પરત ફરી નથી. ચાહકો આતુરતાથી દિશા વાકાણી ક્યારે દયાભાભીના રોલમાં જોવા મળે તેની રાહ જોઈ રહ્યાં છે.

દિલીપ જોષીએ શો છોડવા અંગે શું કહ્યું હતું?
એક ઇન્ટરવ્યૂમાં દિલીપ જોષીને પૂછવામાં આવ્યું હતું કે આટલા વર્ષોથી તે એક જ પ્રકારનો રોલ કરીને કંટાળી નથી ગયા? તો તેમણે કહ્યું હતું કે તેમનો શો કોમેડી છે અને તે શોમાં કામ કરીને ખુશ છે. જે દિવસે તેમને આ શોમાં કામ કરવાનો કંટાળો આવશે તે દિવસે આ શો છોડી દેશે. આ શોમાં કામ કરવાની તેમને ઘણી જ મજા આવે છે. જે દિવસે તેમને આ શોમાં કામ કરવાની મજા નહીં આવે તે દિવસે તે આ શો છોડી દેશે. ઉલ્લેખનીય છે કે દિલીપ જોષી 2008થી આ સિરિયલમાં જેઠાલાલનું પાત્ર ભજવે છે.