તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:શેઠ જેઠાલાલની 'ગડા ઇલેક્ટ્રોનિક્સ'ની નવી દુકાનમાં શૂટિંગ કરવાનું નટુકાકાનું સપનું અધૂરૂં રહ્યું

મુંબઈ13 દિવસ પહેલા

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લાં ઘણાં સમયથી ચર્ચામાં છે. શોમાં થોડાં મહિના બાદ નવાં દયાભાભી જોવા મળશે. સિરિયલમાં તારક મહેતાનો રોલ પ્લે કરનારા શૈલેષ લોઢાએ શો છોડી દીધો હોવાની ચર્ચા છે. આ દરમિયાન સિરિયલમાં જેઠાલાલની નવી દુકાન બતાવવામાં આવી છે. આ દુકાનને કારણે ગડા પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. દર્શકોના મનમાં એ સવાલ હતો કે જેઠલાલાની આ દુકાન રિયલમાં કઈ જગ્યાએ આવેલી છે? નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક નવી દુકાનમાં શૂટિંગ કરવા માગતા હતા, પરંતુ તેમની આ ઈચ્છા અધૂરી રહી ગઈ.

નવી દુકાનની બહાર જેઠાલાલ.
નવી દુકાનની બહાર જેઠાલાલ.

ક્યાં છે જેઠાલાલની નવી દુકાન?
જેઠાલાલની નવી દુકાન હવે મુંબઈના ફિલ્મસિટીમાં જ બનાવવામાં આવી છે. નોંધનીય છે કે સિરિયલનો આખો સેટ અહીંયા જ બનાવવામાં આવ્યો છે. તેથી જ હવે દુકાન પણ અહીંયા શિફ્ટ કરી દેવામાં આવી છે, જેથી શૂટિંગમાં કોઈ અડચણ થાય નહીં.

જૂની દુકાન.
જૂની દુકાન.

જૂની દુકાન ક્યા હતી?
સિરિયલમાં પહેલાં 'ગડા ઇલેક્ટ્રોનિક્સ'ની દુકાન બતાવવામાં આવતી હતી, તે રિયલમાં મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી હતી. આ દુકાનના અસલી માલિકનું નામ શેખર ગડિયાર છે.

દુકાનના રિયલ માલિક શેખર.
દુકાનના રિયલ માલિક શેખર.

શા માટે દુકાન બદલવામાં આવી?
અસિત મોદીએ મીડિયા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે છેલ્લાં બે વર્ષનો સમય દરેક લોકો માટે મુશ્કેલભર્યો રહ્યો છે. આ સમયમાં કોરોના હતો. પહેલાં લૉકડાઉનમાં તો શૂટિંગ જ બંધ હતું અને જ્યારે અનલૉક થયું ત્યારે અનેક સાવચેતી સાથે શૂટિંગ કરવામાં આવતું હતું. જેઠલાલની દુકાન મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી હતી. આ વિસ્તાર ઘણો જ ભરચક છે. આથી શૂટિંગ દરમિયાન ઘણી જ તકલીફ પડતી હતી.

સિરિયલના એક સીનમાં જૂની દુકાન.
સિરિયલના એક સીનમાં જૂની દુકાન.

કોરોનાને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો
વધુમાં અસિત મોદીએ કહ્યું હતું કે કોરોના બાદ તેઓ જ્યારે પણ ટીમ સાથે શૂટિંગ માટે જતાં તો આસપાસના લોકો ઘણાં જ ડરી જતા હતા. તેમને ડર હતો કે ક્યાંક તેમને કારણે કોરોના ના ફેલાય. આથી તેમને શૂટિંગમાં મુશ્કેલી પડતી હતી. આ કારણે તેઓ લાંબા સમયથી ઈચ્છતા હતા કે દુકાન માટે નવો જ સેટ બનાવવામાં આવે.

નવી દુકાનમાં પ્રોડ્યૂસર અસિત મોદી.
નવી દુકાનમાં પ્રોડ્યૂસર અસિત મોદી.

દિલીપ જોષીએ નવી દુકાન અંગે શું કહ્યું હતું?
મીડિયા ઇન્ટરેક્શનમાં દિલીપ જોષીએ નટુકાકાને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે તેઓ ટીમ સાથે નવી દુકાનમાં એન્ટર થયા તો તરત જ બાઘા (તન્મય વેકેરિયા)એ નટુકાકાને સૌથી વધારે યાદ કર્યા હતા. નટુકાકા હંમેશાં કહેતા કે આ દુકાન (જૂની દુકાન, ખારમાં આવેલી છે તે) બહુ દુર પડે છે. આ દુકાનનો સેટ ફિલ્મસિટીમાં જ ક્યાંક બનાવી દેવામાં આવે તો બધા જ માટે સરળ થઈ પડશે. જોકે, તે સમયે મેકર્સ કે પ્રોડ્યૂસર્સે આ અંગે કંઈ જ વિચાર્યું નહોતું.

નવી દુકાનમાં અસિત મોદી તથા જેઠાલાલ.
નવી દુકાનમાં અસિત મોદી તથા જેઠાલાલ.

જ્યાં પણ હશે આશીર્વાદ આપતા હશે
વધુમાં દિલીપ જોષીએ કહ્યું હતું કે સિરિયલની આખી ટીમે નવી દુકાનમાં તેમને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે નટુકાકાના નસીબમાં અહીંયા શૂટિંગ કરવાનું લખાયેલું હશે નહીં. તેઓ જ્યાં પણ હશે ત્યાં ખુશ હશે અને ટીમને આશીર્વાદ આપતા હશે.

ફિલ્મસિટીમાં જ નવો સેટ બનાવવામાં આવ્યો
'તારક મહેતા..'નો સેટ ફિલ્મસિટીમાં જ બનાવવામાં આવ્યો છે. અહીંયા જ અબ્દુલની દુકાન, સોઢીનું ગેરેજ તથા તારક મહેતાની ઓફિસનો સેટ બનાવવામાં આવ્યો છે. હવે આ સેટ પર દુકાનનો સેટ પણ બનાવી દેવામાં આવ્યો છે. આથી શૂટિંગમાં સહેજ પણ અગવડતા પડતી નથી. દુકાન પહેલાં કરતાં ઘણી જ મોટી છે. દુકાનના માલિક જેઠાલાલ છે અને કર્મચારી તરીકે બાઘા તથા મગન છે. ઉલ્લેખનીય છે કે નટુકાકાનો રોલ પ્લે કરતાં ઘનશ્યામ નાયકનું ગયા વર્ષે અવસાન થયું હતું. અસિત મોદીએ ગયા વર્ષે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ નટુકાકાના રોલ માટે કોઈ નવા કલાકાર લાવશે નહીં.