લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લાં 13 વર્ષથી ચાહકોનું મનોરંજન કરે છે. સિરિયલમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોષીનો હાલમાં જ એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો સિરિયલના શૂટિંગ દરમિયાનનો છે.
શું છે વીડિયોમાં?
વીડિયોમાં જોવા મળે છે કે ઘરની અંદર જેઠાલાલ જોવા મળે છે. તે કહે છે, 'એ રૂક, ભાગતી કિધર હૈ?' ત્યારબાદ બાપુજી (અમિત ભટ્ટ)નો સીન આવે છે અને તે પણ ક્યાંક જવાની તૈયારી કરતા હોય તેમ જોવા મળે છે. આ વીડિયો ચાહકોને ઘણો જ ફની લાગ્યો હતો. આ વીડિયો ક્લિપ ઘણી જ નાની છે. જોકે, વીડિયો વાઇરલ થતાં જ ચાહકો ચર્ચા કરવા લાગ્યા કે જેઠાલાલ જ્યારે આ રીતે કોઈની પાછળ ભાગે છે તો તે દયાભાભી જ હોય છે.
વીડિયો જોઈ ચાહકો કન્ફ્યૂઝ
'તારક મહેતા...'માં દિશા વાકાણી 2017થી જોવા મળતી નથી. દિશા વાકાણી સિરિયલમાં દયાભાભીનો રોલ પ્લે કરે છે. જેઠાલાલ તથા દયાભાભીની કેમિસ્ટ્રી ચાહકોને ઘણી જ પસંદ આવતી હતી. બંને વચ્ચેનો મીઠો ઝઘડો અને ગુસ્સો ચાહકોને ગમતો હતો. હાલમાં જ શોની બિહાઇન્ડ ધ સીન વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો જોઈને ચાહકોમાં ચર્ચા થવા લાગી કે સિરિયલમાં દયાભાભી પરત ફરશે?
ડાન્સ રિહર્સલનો વીડિયો વાઇરલ થયો હતો
વાઇરલ વીડિયોમાં દિલીપ જોષી તથા દિશા વાકાણી બંને કોરિયોગ્રાફરની સાથે ડાન્સ સ્ટેપનું રિહર્સલ કરતા જોવા મળ્યા હતા.
હાલમાં જ દિશાની તસવીરો વાઇરલ થઈ
દિશા વાકાણીએ 2017માં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. હાલમાં જ દિશાની બેબી બમ્પ દેખાતો હોય તેવી તસવીરો વાઇરલ થઈ હતી. આ તસવીરો જોઈને ચાહકો અટકળ કરવા લાગ્યા કે દિશા વાકાણી બીજીવાર પ્રેગ્નન્ટ છે. જોકે, દિશાએ આ અંગે હજી સુધી કંઈ જ કહ્યું નથી.
દિશા વાકાણી 2008થી જોડાયેલી છે
દિશા વાકાણી 'તારક મહેતા..'માં 2008થી જોડાયેલી છે, જોકે સપ્ટેમ્બર, 2017થી તે શોમાં આવી નથી. એવી ચર્ચા છે કે દિશા વાકાણીએ શો છોડી દીધો છે. જોકે સિરિયલના મેકર તથા દિશા વાકાણીએ આ અંગે કંઈ જ કહ્યું નથી. સિરિયલના મેકર્સે હજી સુધી નવાં દયાભાભી અંગે કોઈ જ વાત કરી નથી.
પતિને કારણે શોમાં પરત ફરી નથી
સૂત્રોના મતે, દિશા શોમાં પરત આવશે કે નહીં એનો નિર્ણય તેના પતિ પર નિર્ભર છે. સૂત્રોના મતે, 'દિશા પોતાના જીવનમાં કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં ઘણી જ નબળી છે. લગ્ન પહેલાં તે પોતાના પિતા પર નિર્ભર હતી. પછી ભાઈ અને હવે પતિ પર. તે પોતાના નિર્ણયો ક્યારેય જાતે લેતી નથી. શોમાં જ્યારે કમબેક કરવાની વાત આવી ત્યારે તેના પરિવાર તરફથી કેટલીક ડિમાન્ડ આવી હતી, જેમ કે નાઈટ શૂટ નહીં, શનિ-રવિ રજા, મહિનામાં 15 દિવસ જ શૂટિંગ, દીકરી માટે અલાયદો રૂમ અને ફીમાં વધારો. જોકે આ શરતો માનવી શક્ય નહોતી.
ગયા વર્ષે દિશા શોમાં પરત ફરશે એવી ચર્ચા હતી. જોકે પછી કોઈક મુદ્દે સમાધાન ના થતાં દિશાએ શોમાં આવવાની ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલાં શોમાં દયાભાભીનો પત્ર આવે છે અને પત્રમાં તે જેઠાલાલને ટૂંક સમયમાં અમદાવાદથી મુંબઈ પરત ફરશે, તેવી વાત કરે છે. આ સીન આવ્યા બાદ ફરીથી દિશા વાકાણી શોમાં આવશે કે નહીં, એની ચર્ચા થવા લાગી હતી. જોકે પછીથી દિશા વાકાણી શોમાં પરત ફરી નહોતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.