તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:'જૂના અંજલિભાભી'ને સિરિયલ છોડે બે વર્ષ થયાં, હજી સુધી બાકી રહેલા રૂપિયા મળ્યાં નથી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નેહા મહેતાએ કહ્યું, મારી મહેનતના પૈસા મને મળવા જોઈએ

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં અંજલિભાભીનો રોલ પહેલાં નેહા મહેતા ભજવતી હતી. નેહાએ બે વર્ષ પહેલાં આ શો છોડી દીધો છે. આ શો છોડ્યા બાદ નેહા મહેતા અન્ય કોઈ ટીવી શોમાં જોવા મળી નથી. હવે આ સિરિયલમાં એક્ટ્રેસ સુનૈના ફોજદાર અંજલિભાભીના રોલમાં જોવા મળે છે. નેહાએ સિરિયલ છોડ્યાના આટલા સમય બાદ પોતાના પૈસા હજી સુધી ના મળ્યાની ફરિયાદ કરી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ નેહાએ એક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. નેહાની ગુજરાતી ફિલ્મ 'હલકી ફુલકી' ગયા વર્ષે રિલીઝ થઈ હતી.

'ઇ ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, નેહા મહેતાને 'તારક મહેતા..'માં કામ કર્યાના બાકી પૈસા હજી સુધી મળ્યા નથી. નેહાએ કહ્યું હતું કે તે ગૌરવપૂર્ણ જીવન જીવવામાં માને છે અને કોઈ પણ જાતની ફરિયાદ કરવી તેને પસંદ નથી. તેણે 'તારક મહેતા..'માં 12 વર્ષ સુધી કામ કર્યું છે અને પછી તેણે આ શો 2020માં છોડ્યો હતો. તેને છેલ્લાં છ મહિનાના પૈસા હજી સુધી મળ્યા નથી. શો છોડ્યા બાદ તેણે બાકી રહેલા પૈસા માટે ફોન કર્યા હતા. તેને આશા છે કે આ સમસ્યાનો જલ્દીથી ઉકેલ આવશે અને તેને તેની મહેનતના પૈસા મળી જશે.

સારી ઑફર્સની રાહ જુએ છે
નેહા હજી સુધી અન્ય શોમાં જોવા મળી નથી, આ અંગે એક્ટ્રેસે કહ્યું હતું કે તે સારી ઑફર્સની રાહ જુએ છે. ટીવી ઘણું જ સારું માધ્યમ છે અને આ માધ્યમે તેને ઘણું આપ્યું છે. તેણે 12 વર્ષ સુધી એક શોમાં કામ કર્યું હતું અને તે તરત જ બીજા શોમાં કામ કરવા તૈયાર નહોતી. તે નવા કોન્સેપ્ટ્સ તથા પોતાના પ્રોડક્શન હાઉસ પર ફોકસ કરે છે. તેને આશા છે કે તે ટૂંક સમયમાં વેબ શોમાં કામ કરશે.

વધુમાં નેહાએ કહ્યું હતું કે વેબ સારું માધ્યમ છે, પરંતુ તે ક્યારેય ટીવીની જગ્યા લઈ શકે નહીં. ટીવી માસ મીડિયમ છે અને ભારતના લોકોને ટીવી જોવામાં મજા આવે છે.

કેમ અચાનક શો છોડ્યો?
નેહા મેહતાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'સાચી વાત તો એ છે કે અહીં એક જ નિયમ છે, 'તમારે કામ કરવું હોય તો કરો, નહીંતર છોડીને જતા રહો.'

શો છોડવા અંગે નેહા મેહતાએ કહ્યું હતું, 'એક સમયે મને એવું લાગ્યું કે બસ મારે અહીં અટકવું જોઈએ. દરેક લોકો કહેતા હોય છે કે થોડી બાબતો ચલાવી લેવી જોઈએ, આખરે શો ટીમવર્કથી બને છે અને દરેકનો એમાં ફાળો હોય છે. જોકે આ વાત સિવાય એક્ટિંગના ફિલ્ડમાં મારું એક અલગ માન-સન્માન છે. મેં 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' પહેલાં પણ ઘણું જ કામ કર્યું છે. એવું નથી કે 'તારક મેહતા..'એ મને સેલિબ્રિટી બનાવી હોય, પરંતુ સાચી વાત એ હતી કે 'તારક મેહતા'માં એક સેલિબ્રિટી કામ કરતી હતી. એક ભણેલી-ગણેલી તથા ભાવુક વ્યક્તિ હોવાને નાતે મેં આ અંગે ઘણું જ વિચાર્યું હતું. આ શો મને નિયમિત રીતે કામ તથા પૈસા આપતો હતો. કેટલીક બાબતો દરેક જગ્યાએ બનતી હોય છે અને તમારે તમારી જાત સાથે શાંતિ રાખવી પડે છે. જોકે તેમ છતાંય મને લાગ્યું કે આ સમયે હવે મારે અટકવાની જરૂર છે અને મેં સાચો નિર્ણય લીધો હતો.'