નટુકાકાની અંતિમ ઈચ્છા પૂરી:ઘનશ્યામ નાયકને ચહેરા પર મેકઅપ કરીને અંતિમ વિદાય આપવામાં આવી, કોણે છેલ્લીવાર કર્યો મેકઅપ?

મુંબઈ12 દિવસ પહેલાલેખક: કિરણ જૈન
  • ઘનશ્યામ નાયકની ઈચ્છા હતી કે તેઓ મેકઅપ સાથે મરે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકના આજે (ચાર ઓક્ટોબર) કાંદિવલી સ્થિત ઇલેક્ટ્રિક સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એક્ટરને અંતિમ વિદાય આપવા માટે સિરિયલના કલાકારો તથા પ્રોડ્યૂસર અસિત મોદી હાજર રહ્યા હતા. ખાસ વાત એ છે કે ઘનશ્યામ નાયકને અંતિમ સમયે તેમના ચહેરા પર મેકઅપ કરવામાં આવ્યો હતો.

કોણે નટુકાકાને અંતિમ સમયે મેકઅપ કરી આપ્યો?
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં એક્ટર કાંતિ જોષી (સિરિયલમાં બાકાનો રોલ પ્લે કરે છે, ઘણીવાર સુંદર (મયૂર વાકાણી) સાથે જોવા મળે છે)એ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'ઘનશ્યામજી ઈચ્છતા હતા કે તે સ્ટેજ પર અથવા સિરિયલ 'તારક મહેતા..'ના ટીમ મેમ્બર્સ સાથે સેટ પર અંતિમ શ્વાસ લે. તેઓ હંમેશાં કહેતા કે તમે લોકો ભગવાનને પ્રાર્થના કરજો કે 'હું એક્ટિંગ કરતાં કરતાં મરું.' તેઓ એક્ટિંગને ઘણો જ પ્રેમ કરતા હતા. અમે હંમેશાં તેમને સાંત્વના આપતા કે આવું ના બોલે અને તેમને હિંમત આપતા હતા. જોકે, છેલ્લાં ત્રણ મહિનાથી તેમની તબિયત ઘણી જ બગડી ગઈ હતી. અમને ખ્યાલ હતો કે તેઓ સેટ પર જલદીથી પાછા ફરશે નહીં. આથી જ અમે ઈચ્છતા હતા કે જો તેમને કંઈ થઈ જાય તો અમે તેમને મેકઅપ કરીને જ વિદાય આપીશું. તેઓ મેકઅપ સાથે દુનિયામાંથી વિદાય થવા માગતા હતા. આજે સવારે મેં તેમની આ અંતિમ ઈચ્છા પૂરી કરી હતી.'

કાંતિ જોષી સાથે ઘનશ્યામ નાયક (ફાઇલ તસવીર)
કાંતિ જોષી સાથે ઘનશ્યામ નાયક (ફાઇલ તસવીર)

શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હતી
વધુમાં કાંતિએ કહ્યું હતું, '3 ઓક્ટોબરની સાંજે તેમની તબિયત વધુ લથડી ગઈ હતી. કેન્સરની સારવાર ચાલતી હતી. જોકે, તેમને બ્લડ પ્રેશર તથા શ્વાસ લેવામાં તકલીફ હતી. 2 દિવસ પહેલાં જ પરિવારે ઘરની નજીક આવેલી સૂચક હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. સાંજના તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લાં એક વર્ષથી શારીરિક તકલીફ હતી, પરંતુ હંમેશાં પોઝિટિવ રહ્યા હતા. તેમને આશા હતી કે તેઓ સેટ પર પરત આવશે અને કામ કરશે. જોકે, તેમણે જેવું વિચાર્યું હતું, તેવું થઈ શક્યું નહીં.'

અંતિમ યાત્રા તસવીરોમાં...

40 વર્ષથી ચાલીમાં રહેતા હતા
ઉલ્લેખનીય છે કે ઘનશ્યામ નાયક મુંબઈની એક ચાલમાં 40 વર્ષથી રહેતા હતા. ફ્લેટ હોવા છતાંય તેઓ ભાગ્યે જ ત્યાં જતા હતા. કાંતિએ કહ્યું હતું, 'મલાડના ભાદરણ નગરમાં ઘનશ્યામજી છેલ્લાં 40 વર્ષથી રહેતા હતા. તેમણે ઘણાં સમય પહેલાં ફ્લેટ લીધો હતો, પરંતુ ત્યાં રહેવા ગયા નહોતા. તેઓ કહેતા કે 'જીના યહાં, મરના યહાં, ભાદરણ નગર કી ચાલી કે સિવા જાના કહા.'

આ ચાલીમાં નટુકાકા રહેતા હતા
આ ચાલીમાં નટુકાકા રહેતા હતા

1960થી કરિયરની શરૂઆત કરી
ઘનશ્યામ નાયક એટલે કે 'નટુ કાકા' એ 1960 માં આવેલી ફિલ્મ 'માસૂમ'થી બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારથી, તે સતત અભિનયમાં સક્રિય રહ્યાં હતાં. લગભગ 60 વર્ષની કારકિર્દીમાં ઘનશ્યામ નાયકે હિન્દી ફિલ્મો અને ટીવીથી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. નટુકાકાએ લગભગ 200 ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. બોલિવૂડમાં, તે 'બરસાત', 'ઘાતક', 'ચાઇના ગેટ', 'હમ દિલ દે ચુકે સનમ', 'તેરા જાદુ ચલ ગયા', 'લજ્જા', 'તેરે નામ', 'ચોરી ચોરી' અને 'ખાકી જૈસા' જેવી ફિલ્મમાં જોવા મળ્યા હતા.

ઐશ્વર્યાને ભવાઈ શીખવી હતી
'હમ દિલ દે ચૂકે સનમ'માં ઘનશ્યામ નાયકે પણ હતા. સંજય લીલા ભણશાલીની આ ફિલ્મમાં ઘનશ્યામ નાયકે ઐશઅવર્યા રાયને ભવાઈ શીખવી હતી. સેટ પર જ્યારે ઐશ્વર્યા રાય આવતી ત્યારે તે ઘનશ્યામ નાયકને પગે લાગતી અને પછી જ ભવાઈ શીખતી હતી. ઐશ્વર્યા ઘનશ્યામ નાયકને પોતાના ગુરુ માનતી હતી.