ગુડ ન્યૂઝ:'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને નવા તારક મહેતા મળ્યા, અસિત મોદીએ કહ્યું- મારે કોઈને તો લાવવાના જ હતા

મુંબઈ17 દિવસ પહેલા

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને શૈલેષ લોઢાનું રિપ્લેસમેન્ટ મળી ગયું છે. શૈલેષ લોઢાએ આ સિરિયલ છોડી દીધી હતી. તેઓ આ સિરિયલમાં તારક મહેતાનું પાત્ર ભજવતા હતા. હવે આ સિરિયલમાં ટીવી- એક્ટર સચિન શ્રોફ આ રોલ ભજવતો જોવા મળશે.

સચિન શ્રોફ 'તારક મહેતા'ના રોલમાં જોવા મળશે
છેલ્લા ઘણા સમયથી સિરિયલમાં તારક મહેતાનું પાત્ર જોવા મળતું નહોતું. શૈલેષ લોઢાએ ખાસ્સા સમયથી સિરિયલનું શૂટિંગ બંધ કરી દીધું હતું. દર્શકો તથા મેકર્સને આશા હતી કે શૈલેષ લોઢા શોમાં પરત ફરી શકે છે, પરંતુ હવે નવા તારક મહેતા આવતાં જ આ તમામ વાતો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે.

સચિને શૂટિંગ શરૂ કર્યું
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 42 વર્ષીય સચિન શ્રોફે સિરિયલનું શૂટિંગ શરૂ કરી દીધું છે. પ્રોડ્યુસર અસિત મોદીએ આ વાતને કન્ફર્મ પણ કરી છે. નોંધનીય છે કે શૈલેષ લોઢાની ઉંમર 52 વર્ષ છે અને દિલીપ જોષી (જેઠાલાલ) 54ના છે. હવે સચિન શ્રોફ નવા 'તારક મહેતા' તરીકે જોવા મળશે. સચિન અને દિલીપ જોષી વચ્ચે ઉંમરમાં 12 વર્ષનો તફાવત છે.

અસિત મોદીએ શું કહ્યું?
એક ઇન્ટરવ્યુમાં અસિત મોદીએ કહ્યું હતું કે તેમણે નવા તારક મહેતા તરીકે સચિન શ્રોફને કાસ્ટ કર્યા છે. સચિને શૂટિંગ શરૂ કરી દીધું છે. શૈલેષને મનાવવાનો પ્રયાસ કર્યો હતો અને વચ્ચેનો રસ્તો કાઢવાનું વિચાર્યું હતું, પરંતુ તેમણે શો છોડી દીધો. વ્યૂઅર્સ રોકાઈ શકે એમ નથી, તેથી તેઓ તારક મહેતા તરીકે કોઈકને તો શોમાં લાવવાના જ હતા.

તેમણે વધુમાં કહ્યું હતું કે ભગવાનને એ જ પ્રાર્થના છે કે સચિનને દર્શકો સ્વીકારી લે અને તેને પ્રેમ કરે. આ સિરિયલ છેલ્લાં 15 વર્ષથી ચાલે છે અને ઉતાર-ચઢાવ તો આવતા રહે. દર્શકો હંમેશાં પ્રાથમિકતા રહેશે અને તે દર્શકોને નિરાશ કરી શકાય નહીં. તેમની પાસે ડિરેક્ટર્સ તથા રાઇટર્સની સારી ટીમ છે અને આશા છે કે સચિનને તારક મહેતાના પાત્ર તરીકે દર્શકો સ્વીકાર કરશે.

કોણ છે સચિન શ્રોફ?
સચિન લોકપ્રિય એક્ટર તથા બિઝનેસમેન છે. સચિન વેબસિરીઝ 'આશ્રમ'માં પણ જોવા મળ્યા હતા. સચિને ફિલ્મ 'દસવી'માં પણ કામ કર્યું હતું. સચિને 2002માં સિરિયલ 'કમ્માલ'થી ટીવી ડેબ્યુ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...