વાઇરલ પોસ્ટ:'તારક મહેતા..' સિરિયલ છોડવાની ચર્ચા વચ્ચે શૈલેષ લોઢાએ કહ્યું, 'ઝૂઠે ઈકઠ્ઠે હોં, તો સચ્ચા ટૂટ જાતા હૈ'

મુંબઈ3 મહિનો પહેલા
  • શૈલેષ લોઢા 'તારક મહેતા'નો રોલ પ્લે કરીને લોકપ્રિય બન્યા છે

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં તારક મહેતાનો રોલ પ્લે કરનારા શૈલેષ લોઢા આ શો છોડવાના હોવાની ચર્ચા ચાલી રહી છે. તેમણે છેલ્લાં એક મહિનાથી સિરિયલનું શૂટિંગ કર્યું નથી. સિરિયલ છોડવાની ચર્ચા વચ્ચે શૈલેષ લોઢાની સો.મીડિયા પોસ્ટ વાઇરલ થઈ છે.

શું છે પોસ્ટમાં?
શૈલેષ લોઢાએ પોતાની સાઇડ પ્રોફાઇલની તસવીર શૅર કરી છે. તસવીરમાં તેમના ચહેરા પર કોઈ સ્માઇલ જોવા મળતી નથી. તેમણે તસવીર શૅર કરીને કહ્યું હતું, 'હબીબ સોજ સાહેબનો શેર કમાલનો છે. યહાં મજબૂત સે મજબૂત લોહા ટૂટ જાતા હૈ, કઈ ઝૂઠે ઈકઠ્ઠે હોં, તો સચ્ચા ટૂટ જાતા હૈ'

યુઝર્સે કમેન્ટ્સ કરી
શૈલેષ લોઢાની આ પોસ્ટ પર યુઝર્સે કમેન્ટ્સ કરી હતી. અનેક યુઝર્સે શૈલેષ લોઢાને શો ના છોડવાની અપીલ કરી હતી. એકે કમેન્ટ કરી હતી કે પ્રિય લોઢાજી નમસ્કાર. અત્યારે જ જાણવા મળ્યું કે તમે 'તારક મહેતા..' છોડી રહ્યા છો? કેમ સર. તમારા જેવા સારા કલાકાર જીવનમાં ક્યારેય જોયા નથી. આ અંગે બીજીવાર વિચાર કરો.' ઘણાં યુઝર્સે રડતી ઇમોજી પોસ્ટ કરી હતી.

એક મહિનાથી સેટ પર આવ્યા નથી
શૈલેષ લોઢા સિરિયલમાં 'તારક મહેતા'નું પાત્ર ભજવે છે. સિરિયલમાં તારક તથા જેઠાલાલની પાક્કી મિત્રતા બતાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શૈલેષ લોઢા છેલ્લા એક મહિનાથી સેટ પર આવ્યા નથી. તેમણે આ શોમાં પરત ના ફરવાનો નિર્ણય લઈ લીધો છે. તે સિરિયલ છોડવાના મૂડમાં છે. શૈલેષ લોઢાને આ સિરિયલને કારણે અન્ય તકો જતી કરવી પડે છે. ભૂતકાળમાં શૈલેષે સારી સારી ઑફર્સ જતી કરી હતી. જોકે હવે તે સારી તકો ગુમાવવા માગતા નથી.

મેકર્સ પર નારાજ
સૂત્રોએ દાવો કર્યો હતો કે શૈલેષ લોઢા મેકર્સ પર નારાજ પણ છે. તેમને એ વાતનો ગુસ્સો છે કે મેકર્સ આ શો માટે તેમની ડેટ્સનો યોગ્ય રીતે ઉપયોગ કરતાં નથી. શૈલેષ લોઢાને મનાવવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ શૈલેષ માનવા તૈયાર નથી. જો શૈલેષ લોઢા આ સિરિયલમાં પરત નહીં ફરે તો આ ત્રીજી શૉકિંગ એક્ઝિટ હશે. આ પહેલાં દિશા વાકાણી તથા ગુરુચરણ સિંહે શોને અલવિદા કહી દીધું છે.

અસિત મોદીએ પહેલી જ મુલાકાતમાં શો ઑફર કર્યો હતો
શૈલેષ લોઢાએ કોમેડી સર્કસ'માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. ત્યારબાદ 'તારક મહેતા..'માં કામ કરવાની શરૂઆત કરી હતી. તે 2008થી સિરિયલ સાથે જોડાયા છે. 2011માં 'કોમેડી કા મહા મુકાબલા'માં સ્પર્ધક તરીકે જોવા મળ્યા હતા. 'બહુત ખૂબ' તથા 'વાહ ક્યા બાત હૈ' જેવા શો હોસ્ટ કર્યા હતા. શૈલેષ લોઢા મૂળ કવિ, કોમેડીયન તથા રાઇટર છે. એક પ્રોગ્રામમાં લાઇવ પર્ફોમન્સમાં અસિત મોદી હાજર હતા. શૈલેષ લોઢાનું પર્ફોર્મન્સ જોયા બાદ અસિત મોદીએ તરત જ તારક મહેતાનો રોલ ઑફર કર્યો હતો.