તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:ભવ્ય ગાંધીએ પપ્પાને યાદ કરીને કહ્યું, 'તેઓ કોરોના સામે રાજાની જેમ લડ્યા, પરંતુ કોવિડે તેમને હરાવી દીધા'

મુંબઈ4 મહિનો પહેલા
  • ભવ્ય ગાંધીએ સો.મીડિયામાં પિતા વિનોદ ગાંધીને યાદ કરીને ઇમોશનલ પોસ્ટ શૅર કરી
  • ભવ્યે કહ્યું, 'મારા પપ્પા હંમેશા કહેતા 'મગજને બરફની ફેક્ટરી અને જીભને ખાંડની ફેક્ટરી બનાવીને રાખ.'

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો જૂનો ટપુડો એટલે કે ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું કોરોનાને કારણે 11 મેના રોજ અવસાન થયું હતું. ભવ્ય ગાંધીએ હાલમાં જ સો.મીડિયામાં પિતાને શ્રદ્ધાંજલિ આપતી ઇમોશનલ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તમારી હંમેશાં યાદ આવશે. ભવ્યે પોતાની પોસ્ટમાં તમામને વેક્સિન લેવાની અપીલ કરી હતી.

શું કહ્યું હતું ભવ્યે?
ભવ્ય ગાંધીએ પિતાની એક તસવીર શૅર કરીને ઇમોશનલ પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, 'મારા પિતાને 9 એપ્રિલના રોજ કોરોના થયો હતો. કોરોના થયો ત્યારથી તેઓ ડૉક્ટર્સની દેખરેખ હેઠળ હતા અને યોગ્ય રીતે દવા લેતા હતા. તેઓ કોવિડ 19ની સામે રાજાની જેમ લડ્યા, પરંતુ કોરોનાએ તેમને હરાવી દીધા અને અંતે તેમણે દમ તોડી દીધો.'

ભવ્યે આગળ કહ્યું હતું, 'મારા જીવનમાં જે પણ કંઈ સારું થયું હતું, જે બની રહ્યું છે અને જે બનશે તે માત્ર તેમના કારણે જ શક્ય બનશે. કોવિડ નહોતો ત્યારે પણ અને કોવિડ હતો ત્યારે પણ તેઓ ઘણી જ કાળજી રાખતા હોવા છતાંય તેમને કોરોના થયો.'

ભવ્યે અપીલ કરતાં કહ્યું હતું, 'હું તમામને વિનંતી કરું છું કે વેક્સિન લો અને બીજી કોઈ વાત પર વિશ્વાસ ના કરો. આ જીવલેણ વાઈરસ સામે બચવાનો આ એક માત્ર રસ્તો છે.'

ડૉક્ટર્સ-સોનુ સૂદનો આભાર માન્યો
ભવ્ય ગાંધીએ કહ્યું હતું, 'મારા પિતા જે પણ હોસ્પિટલમાં રહ્યાં ત્યાંના તમામ ડૉક્ટર્સ, નર્સ તથા તમામ સ્ટાફનો આભાર. સોનુ સૂદ સર, રાકેશ કોઠારી, નરેન્દ્ર હિરાણી, પિનાકિન શાહ, ધર્પેશ છજેદનો તમામ વસ્તુઓ મેનેજ કરી આપવા બદલ આભાર. અમારા પરિવાર, મિત્રો, સગાસંબંધીઓનો આભાર, જેમણે આ મુશ્કેલ સમયમાં અમને સાથ આપ્યો. તમારા આશીર્વાદ તથા પ્રાર્થના માટે આભાર.'

તમે જ્યાં પણ હશો ખુશ હશો
છેલ્લે ભવ્ય ગાંધીએ કહ્યું હતું, 'મને ખ્યાલ છે કે તમે જ્યાં પણ હશો પપ્પા ખુશ હશો. પપ્પા તમે જે પણ શીખવ્યું તે તમામ માટે તમારો આભાર. હું તમને ઘણો જ પ્રેમ કરું છું.'

ભવ્યે પિતા સાથે થયેલી છેલ્લી વાતચીત યાદ કરી
મીડિયા સાથેની વાતચીતમાં ભવ્ય ગાંધીએ કહ્યું હતું, જ્યારે અમે પપ્પાને સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં શિફ્ટ કરતાં હતાં ત્યારે તેમણે પૂછ્યું હતું, 'આપણે ક્યાં જઈ રહ્યાં છીએ? મેં તેમને હોસ્પિટલનું નામ કહ્યું હતું. મેં તેમને સ્ટ્રોંગ બનવાનું કહ્યું હતું અને વિશ્વાસ અપાવ્યો હતો કે તે જલ્દીથી ઠીક થઈ જશે. તેમણે હળવું સ્મિત આપ્યું અને ઓકે કહ્યું હતું. તે ઘણાં જ સ્ટ્રોંગ તથા મોટિવેટેડ વ્યક્તિ હતા.' વધુમાં ભવ્ય કહ્યું હતું કે કોવિડ વાસ્તવિકતા છે અને તે ઘણો જ ખરાબ છે. આપણે હજી પણ પૂછી રહ્યાં છીએ કે કેમ આવું થઈ રહ્યું છે. આ ઘણું જ મુશ્કેલ છે. હું ઈચ્છું છું કે કોઈ પણ વ્યક્તિ આવી પરિસ્થિતિમાંથી પસાર ના થાય. બધા જ જેમ બને તેમ જલ્દીથી વેક્સિન લઈ લે.'

ભવ્ય ગાંધીએ આગળ કહ્યું હતું કે લૉકડાઉનને કારણે મિત્રો તથા સંબંધીઓ ઘરે આવીને આશ્વાસન આપી શકતા નથી અને તેમણે પણ બધાને ઘરે આવવાની ના પાડી છે. તેમને પરિસ્થિતિ કેવી છે, તે ખ્યાલ છે. આ સમય લોકોને ભેટી પડવા માટે અથવા હાથ મિલાવવા માટે યોગ્ય નથી.

પિતાને એક્ટિંગ માટે ગર્વ હતો
ભવ્યે કહ્યું હતું કે તેના પિતાને તેની એક્ટિંગ પર ઘણો જ ગર્વ હતો. તેણે જણાવ્યું હતું, 'મારા પિતા મારી સાથે ઘણી વાતો કરતા હતા. તેઓ મારી એક્ટિંગ જર્ની વિશે ગર્વથી વાત કરતાં અને મને સતત પ્રોત્સાહન આપતા. તેમના જવાથી મારા જીવનમાં જે ખાલીપો આવ્યો છે, તે કોઈ ભરી શકશે નહીં. મારા પિતા હંમેશા કહેતા 'મગજને બરફની ફેક્ટરી અને જીભને ખાંડની ફેક્ટરી બનાવીને રાખ.' હું તેમને ઘણાં જ યાદ કરીશ.'

આ પહેલાં ભવ્યના માસીના દીકરાએ પોસ્ટ શૅર કરી હતી

ભવ્ય ગાંધીની માસીનો દીકરો સમય શાહ ('તારક મહેતા'નો ગોગી)એ સો.મીડિયામાં વિનોદ ગાંધીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. સમયે ફોટો શૅર કરીને કહ્યું હતું, 'જેની સાથે થાય છે, તે જ સમજી શકે છે, બાકી તો માત્ર દેખાડાની રમત રમે છે. બીજાને તો બસ દૂરથી વાતો કરવી છે, પરંતુ વાસ્તવમાં જેની સાથે થાય છે, જે ગુમાવે છે અને પછી રડી રડીને પોતાને ચૂપ કરાવે છે. અંદરને અંદર બૂમો પાડે છે અને પૂછે કે આખરે કેમ મારી સાથે જ આવું થયું? કેમ મારી સાથે જ આવું થાય છે?

અન્ય સમાચારો પણ છે...