દિલીપ જોષી દીકરીના સપોર્ટમાં:'તારક મહેતા...'ના 'જેઠાલાલ'ની દીકરીના સફેદ વાળની ખૂબ ચર્ચા થઈ હતી, હવે પિતાએ ચુપ્પી તોડી

મુંબઈ24 દિવસ પહેલા
તસવીરઃ ઇન્સ્ટાગ્રામઃ @hairbybhavnaturakhia, @ritikaturakhia01
  • દિલીપ જોષીની દીકરીના લગ્ન 8 ડિસેમ્બરે હતા અને રિસેપ્શન 11મીએ હતું

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલનો રોલ ભજવીને જાણીતા બનેલા દિલીપ જોષીની દીકરી નિયતિ જોષીના 8 ડિસેમ્બરના રોજ નાશિકમાં લગ્ન હતા. ત્યારબાદ 11 ડિસેમ્બરે મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન આપવામાં આવ્યું હતું. દિલીપ જોષીની દીકરી નિયતિના વાળ સફેદ છે અને તેણે લગ્ન તથા રિસેપ્શનમાં વાળને કલર કર્યા વગર એવાને એવા જ રાખ્યા હતા. આ વાત પર નિયતિના સોશિયલ મીડિયામાં ઘણાં જ વખાણ કરવામાં આવ્યા હતા. હવે દિલીપ જોષીએ આ અંગે વાત કરી હતી.

'ઇટાઇમ્સ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં દિલીપ જોષીએ કહ્યું હતું, 'તેણે લગ્નમાં વાળ સફેદ જ રાખ્યા તે વાત અમારા માટે કોઈ મહત્ત્વની જ નહોતી. અમે એ વાતની કલ્પના પણ નહોતી કરી કે લોકો આ રીતે પ્રતિક્રિયા આપશે. અમારા ઘરમાં આ મુદ્દે ક્યારેય ચર્ચા કે વાત થતી જ નથી. જે જેવું છે, તે તેવું જ ઠીક છે. દરેકે આટલી હકારાત્મકતાથી રિએક્શન આપ્યું અને તે જાણીને મને ઘણો જ આનંદ થયો કે કેવી રીતે નિયતિએ બીજાને પ્રેરણા આપી. મને લાગે છે કે આપણે જેવા છીએ એવા જ રહેવા જોઈએ, બનાવટ કરવી જોઈએ નહીં.'

નોંધનીય છે કે નિયતિ જોષી લાઇમ-લાઇટથી દૂર રહે છે. લગ્ન દરમિયાન તેની તસવીરો વાઇરલ થતાં તે સો.મીડિયામાં ટ્રેન્ડ થવા લાગી હતી. આ વાત તેના માટે ઘણી જ નવાઈ ભરેલી હતી. વધુમાં દિલીપ જોષીએ કહ્યું હતું, 'શરૂઆતમાં જ્યારે લોકો તેના વિશે વાત કરતા હતા ત્યારે તે આશ્ચર્યમાં પડી ગઈ હતી, કારણ કે તેને લો પ્રોફાઇલ રહેવું પસંદ છે. જોકે, સો.મીડિયા પર આપણો કોઈ કંટ્રોલ નથી. આ પોઝિટિવ બાબત હતી અને અમને આની સામે કોઈ વાંધો નહોતો. જો કોઈ બાબત અન્યને પ્રેરિત કરતી હોય તો તે સારી વાત છે.'

કોણ છે દિલીપ જોષીનો જમાઈ?
યશોવર્ધન મિશ્રા જાણીતા લેખક તથા ગીતકાર અશોક મિશ્રાનો દીકરો છે. અશોક મિશ્રા શ્યામ બેનેગલની ફિલ્મ 'વેલકમ ટુ સજ્જનપુર'ના રાઇટર હતા. આ ફિલ્મમાં તેમણે 'સીતા રામ..', 'દિલદરા દિલદરા...', 'આદમી આઝાદ હૈ...', 'મુન્ની કી બારી હૈ..' જેવાં ગીતો લખ્યાં હતાં. વાત જેઠાલાલ એટલે કે દિલીપ જોષીના જમાઈની કરવામાં આવે તો યશોવર્ધન ફિલ્મ-ડિરેક્ટર તથા રાઇટર છે. તેણે શોર્ટ ફિલ્મ 'મંડી' ડિરેક્ટ કરી છે. દિલીપ જોષીની દીકરી નિયતિની વાત કરીએ તો તે ક્રોસવર્ડ બુક સ્ટોર્સમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી હતી. આ પહેલાં તેણે ફ્રીલાન્સર તરીકે પણ કામ કર્યું છે.

દિલીપ જોષીએ દીકરીના લગ્નની તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'તમે ફિલ્મ્સ તથા ગીતોમાંથી લાગણી ઉછીની લઈ શકો છો, પરંતુ જ્યારે તમારી સાથે આ પહેલી જ વાર બને ત્યારે તે અનુભવ અપ્રિતમ હોય છે. મારી નાનકડી દીકરી નિયતા તથા અમારા પરિવારમાં સામેલ થયેલ અમારા દીકરા યશોવર્ધનને આ નવી સફર માટે ઘણી જ શુભેચ્છા. અમને શુભેચ્છા મોકલનાર તથા આશીર્વાદ આપનાર તમામ વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.'