તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલેબ લાઈફ:'તારક મહેતા..'ના જૂના ટપુએ કહ્યું, 'આજે પણ ઓનસ્ક્રીન માતા દિશા વાકાણીના સંપર્કમાં છું, વીડિયો કોલમાં મારી દાઢી જોઈને તેઓ ચમકી ગયા હતા'

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ ભવ્ય ગાંધી સિરિયલમાં ટપુના રોલમાં જોવા મળતો હતો. ટપુ સિરિયલના સેટ પર ઓન સ્ક્રીન મધર દિશા વાકાણી સાથે જ મોટો થયો છે. ભવ્ય તથા દિશાએ થોડાં વર્ષ પહેલાં જ આ સિરિયલ છોડી દીધી હતી. ભવ્ય ગાંધી આ સિરિયલને ઘણો જ મિસ કરે છે. હાલમાં જ ભવ્ય ગાંધીએ સિરિયલના કયા કલાકારો સાથે સંપર્કમાં છે, તે અંગે વાત કરી હતી.

ઈ ટાઈમ્સ સાથેની વાતચીતમાં 23 વર્ષીય ભવ્ય ગાંધીએ કહ્યું હતું, 'હું અને દિશા વાકાણી વીડિયો કોલ પર નિયમિત રીતે વાત કરીએ છીએ. જ્યારે પણ વીડિયો કોલ કરીએ અને તે મને જુએ તો હંમેશાં એક વાત કહે, 'અહા, શું દાઢી આવી ગઈ?' જવાબમાં હું કહું કે હા, મને હવે દાઢી આવવા લાગી છે. તેમણે મને ક્યારેય દાઢીમાં જોયો નથી અને તેથી જ્યારે તેમણે મને પહેલી જ વાર દાઢીમાં જોયો ત્યારે તેઓ ચમકી ગયા હતા. મેં તેમને કહ્યું હતું, 'હા, મને દાઢી આવવા લાગી.'

ટપુસેનાના પણ સંપર્કમાં
ભવ્ય ગાંધી ટપુસેનાના પણ સંપર્કમાં રહે છે. તેણે કહ્યું હતું, 'હું દરેક લોકોના સંપર્કમાં છું. હું અત્યારે ફિલ્મમાં કામ કરું છું અને ટીવી તથા ફિલ્મનું શિડ્યુઅલ અલગ અલગ હોય છે. તેથી હું તેમને કોઈને હેરાન કરતો નથી. જોકે, એ તમામને ખ્યાલ છે કે તેમને જ્યારે જરૂર પડશે ત્યારે ભવ્ય આવીને ઊભો રહેશે. હું હંમેશાં તેમની સાથે છું. હું ફિલ્મ કરું છું. 12 મહિનામાંથી ચાર મહિના હું વ્યસ્ત હોઉં છું અને બાકીના મહિના આરામ કરું છું. હું મારા પરિવાર સાથે, મિત્રો સાથે સમય પસાર કરું છું અને કંઈક ને કંઈક નવું શીખતો રહેતો હોઉં છું.'

આ કારણે સિરિયલ છોડી દીધી
ભવ્ય ગાંધીએ કહ્યું હતું, 'તારક..'માં એક તબક્કે હું કંટાળી ગયો હતો. રોજ સેટ પર આવીને એક જ જેવી એક્ટિંગ કરવાની રહેતી હતી. આ જ કારણે મેં આ સિરિયલ છોડવાનો નિર્ણય કર્યો હતો. હું સિરિયલના દરેક કલાકારને યાદ કરું છું. હું દિલીપ જોષી, ડિરેક્ટર-આસિસ્ટન્ટ ડિરેક્ટર, અસિત મોદી, અંબિકા રંજનકર, સમય શાહ સહિતના લોકોના સંપર્કમાં છું.'

સિરિયલમાં ફિલ્મનું પ્રમોશન કરવું છે
વધુમાં ભવ્ય ગાંધીએ કહ્યું હતું, 'જ્યારે પણ અમારા સેટ પર સેલિબ્રિટી આવતી તો અમે ઘણાં જ ઉત્સાહમાં આવી જતા હતા. હું સિરિયલના સેટ પર મારી ફિલ્મના પ્રમોશન માટે જવા માગું છું. મને ખ્યાલ નથી કે આવું ક્યારે બનશે પરંતુ હું ઈચ્છું છું કે આવું બને.'

ભવ્ય ગાંધી બાદ હવે ટપુના રોલમાં રાજ અનડકટ જોવા મળે છે. ભવ્ય ગાંધીના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં તે ગુજરાતી ફિલ્મમાં કામ કરી રહ્યો છે.