તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપવીતી:'તારક મહેતા' ફૅમ એક્ટર અતુલ વીરકરે આર્થિક તંગીમાં અગરબત્તી-પાપડ વેચ્યા, દીકરો દુર્લભ બીમારી સામે લડી રહ્યો છે

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં જ અતુલ વીરકરે પોતાના મુશ્કેલ દિવસો અંગે વાત કરી હતી
  • દીકરાને AHDS નામની દુર્લભ બીમારી

લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સહિત અનેક હિંદી-મરાઠી ફિલ્મમાં કામ કરનાર અતુલ વીરકર હાલમાં આર્થિક તંગીમાં જીવી રહ્યો છે. સમયનું ચક્ર એવું ચાલ્યું કે આ કલાકારે એક સમયે આર્થિક તંગીને કારણે ન્યૂઝ પેપર, અગરબત્તી તથા પાપડ વેચવા જેવા કામ કરીને જીવનનું ગુજરાન કરવું પડ્યું હતું.

દીકરાને દુર્લભ બીમારી
કોરોનાને કારણે ગયા વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. કોરોનાવાઈરસને કારણે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ જ કારણે અનેક કલાકારોએ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, આમાંથી જ એક અતુલર વીરકર પણ છે. એક તરફ કામ બંધ હોવાથી અતુલને કોઈ કામ મળતું નહોતું અને બીજી બાજુ દીકરાને દુર્લભ બીમારી AHDS (Allan-Herndon-Dudley syndrome) છે. આ બીમારીમાં બાળક સામાન્ય બાળકની જેમ કોઈ એક્ટિવિટી કરી શકે નહીં. બાળક પથારીમાં સૂતું જ રહે.

લૉકડાઉનની અસર થઈ
અતુલ વીરકરે ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેના પર પણ લૉકડાઉનની અસર થઈ છે. તેના પર બાળકની જવાબદારી છે. તે હાલમાં દુર્લભ બીમારી સામે લડી રહ્યો છે. તેનો દીકરા સામાન્ય બાળકની જેમ જાતે ઊભો થઈ શકતો નથી. તે હંમેશાં પથારીમાં સૂતો જ રહે છે. તેને રેરેસ્ટ ઓફ રેર બીમારી થઈ છે. આટલું જ નહીં તેઓ સારવાર કરાવવાનો પ્રયાસ કરે છે પરંતુ આ બીમારીની ભારતમાં કોઈ દવા નથી. કેટલાંક ડૉક્ટર્સે તેને કહ્યું હતું કે આ બીમારીની દવા નેધરલેન્ડ્સમાં મળે છે. તે ઘણી જ મહેનત કરે છે અને પોતાની મર્યાદાથી બહાર જઈને કામ કરે છે. તે હાલમાં પોતાના દીકરા માટે ફંડ ભેગુ કરીને જેમ બને તેમ જલ્દી સારવાર શરૂ કરવા માગે છે.

ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી
વધુમાં અતુલે કહ્યું હતું કે તે લાંબા સમયથી આ ઈન્ડસ્ટ્રીમાં છે. તેણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા', 'ચીડિયા ઘર' સહિત હિંદી-મરાઠી ટીવી સિરિયલમાં કામ કર્યું છે. હવે ઘણાં એક્ટર્સ તેને આર્થિક મદદ કરી રહ્યાં છે અને તે આનાથી ઘણો જ ખુશ છે. જોકે, તેણે ક્યારેય કોઈની પાસેથી અપેક્ષા રાખી નથી, પરંતુ હવે તે ઈચ્છે છે કે દરેક લોકો તેને સપોર્ટ કરે. તે દીકરા માટે ગમે તેવી મહેનત કરવા તૈયાર છે. તે દીકરા પ્રિયાંશને જલ્દીથી સાજો થઈ જતો જોવા માગે છે.

વિશ્વમાં 400 દર્દીઓ આ બીમારી સામે લડી રહ્યા છે
અતુલે આગળ કહ્યું હતું કે હાલમાં મોટાભાગના ટીવી શો તથા ફિલ્મ મુંબઈની બહાર વિવિધ લોકેશન પર શૂટિંગ કરી રહ્યાં છે. તે અત્યારની પરિસ્થિતિમાં બહાર જઈ શકે નહીં. પ્રિયાંશને AHDSની બીમારી છે અને વિશ્વમાં કુલ 400 દર્દીઓમાંથી પ્રિયાંશનો નંબર 320મો છે. ડૉક્ટર્સે તેને કોરોનાને કારણે બહાર જવાની ના પાડી છે, જેથી પ્રિયાંશને ઈન્ફેક્શન ના લાગે. તે બે વર્ષનો ના થાય ત્યાં સુધી કાળજી રાખવાની છે. તે બીજા રાજ્યમાં જઈને કામ કરે તે બહુ જ મુશ્કેલ છે. તેને લાગે છે કે તેના દીકરાને હાલમાં તેની જરૂર છે. કામ તો પછી પણ થતું રહેશે.

અતુલ પંડિત પણ છે
અતુલ વીરકરની કરિયર અંગે વાત કરીએ તો તે માત્ર એક્ટર જ નહીં, પરંતુ ઈન્ડસ્ટ્રીના પંડિત પણ છે. તેણે કહ્યું હતું કે જીવનની શરૂઆતથી તે સ્ટ્રગલ કરે છે. તે ટીનેજર હતો ત્યારે તેના પિતા ગુજરી ગયા હતા. પહેલાં તે મંગાંવમાં રહેતો હતો. ત્યાંથી શૂટિંગ માટે મુંબઈ આવતો હતો. તે પંડિત પણ છે. ઈન્ડસ્ટ્રીના લોકો તેને પંડિત તરીકે પણ ઓળખે છે. તેને અનેક ફિલ્મના મુહૂર્ત કરાવ્યા છે. ઓન-ઓફ સ્ક્રીન પૂજા પણ કરાવી છે. તેના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો કે તેણે ન્યૂઝપેપર, અગરબત્તી તથા પાપડ પણ વેચ્યા હતા. આ સમય તેના તથા તેના પરિવાર માટે ઘણો જ મુશ્કેલ હતો.