તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:ડિરેક્ટર માલવ રાજડાએ કહ્યું, અમદાવાદમાં મને ઘણી જ પોઝિટિવિટી ફીલ થાય છે, અહીંયાના લોકો ઘણાં જ પોઝિટિવ છે

મુંબઈ5 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક
  • માલવ રાજડા પિતા માટે એક ગુજરાતી નાટક ડિરેક્ટ કરવા માગે છે
  • કરિયરની શરૂઆતમાં માલવ ફિલ્મ ડિરેક્ટ કરવા માગતો હતો

ડિરેક્ટર માલવ રાજડા અંદાજે 13 વર્ષથી લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સાથે જોડાયેલો છે. માલવ શરૂઆતાં ફિલ્મ ડિરેક્શન સાથે જોડાવવા માગતો હતો, પરંતુ 'તારક મહેતા..'માં જોડાયા બાદ તે આમાંથી બહાર આવી શક્યો નહીં. મૂળ ગુજરાતી એવા માલવે હાલમાં જ દિવ્યભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી.

થિયેટર નહીં, ફિલ્મ ડિરેક્ટ કરવા માગતો હતો
માલવે કહ્યું હતું, 'જ્યારે હું કોલેજમાં હતો ત્યારે ખબર જ નહોતી કે જીવનમાં શું કરવું છે. મારા મમ્મી-પપ્પા મારા કારણે બહુ ટેન્શનમાં રહેતા હતા. મારા પપ્પા સુરેશ રાજડા ગુજરાતી થિયેટરના જાણીતા ડિરેક્ટર છે. તો મેં વિચાર્યુ કે હું તેમને જ આસિસ્ટ કરું. આમ કરીશ તો લોકો એમ તો વિચારશે કે હું કંઈક તો કામ કરું છું. શરૂઆતમાં હું તેમના પ્લે આસિસ્ટ કરતો હતો. પછી ધીમે ધીમે મને આ કામ ગમવા લાગ્યું હતું. પપ્પાએ મને થિયેટરમાં જોડાવવાની સલાહ આપી, પરંતુ મારે ફિલ્મ કરવી હતી. મારે મોટા માધ્યમમાં કામ કરવું હતું. આથી મેં ફિલ્મ મેકિંગનો કોર્સ પણ કર્યો. અહીંથી મારી કરિયરની શરૂઆત થઈ.'

હવે ટીવી સૌથી મોટું માધ્યમ બની ગયું છે
માલવે આગળ કહ્યું હતું, 'પપ્પા ડિરેક્ટર વિપુલ શાહને સારી રીતે ઓળખતા હતા. તેથી હું તેમની સાથે કામ કરવા માગતો હતો. જોકે, તે સમયે વિપુલસરની એક ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું હતું એટલે તેમણે મને છ મહિના પછી આવવાનું કહ્યું હતું. આ દરમિયાન હું હેમલ ઠક્કર તથા પરેશ રાવલના પ્રોડક્શન હાઉસમાં જોડાઈ ગયો હતો. હું ટીવી શો કરવા માગતો નહોતો, પરંતુ ત્યારે મારી પાસે કોઈ અન્ય વિકલ્પ નહોતો. તે દિવસ હતો અને આજનો દિવસ છે, હું આજે પણ ટીવી જ કરી રહ્યો છું. હવે મને અંગત રીતે લાગે છે કે ટીવી બહુ જ મોટું માધ્યમ બની ગયું છે.'

'તારક મહેતા'ને કારણે મોટા મોટા કલાકારોને ડિરેક્ટ કરવાની તક મળી
માલવે જણાવ્યું હતું, 'તારક મહેતા..' સિરિયલને કારણે જ હું અમિતાભ બચ્ચન, સલમાન ખાન, અક્ષય કુમાર, રીતિક રોશન, કરીના કપૂર, પ્રિયંકા ચોપરા જેવા મોટા મોટા કલાકારોને ડિરેક્ટ કરી શક્યો છું. જો ફિલ્મ સાથે સંકળાયો હોત તો મને એક સાથે આટલા બધા કલાકારોને ડિરક્ટ કરવાની તક ના મળત. એવું નથી કે હું ભવિષ્યમાં ફિલ્મ કરવા નથી માગતો, પરંતુ હવે હું તેની પાછળ પાગલ નથી.'

શોની લોકપ્રિયતા જાળવી રાખવી સૌથી મોટો પડકાર
માલવ વાત કરતાં આગળ કહ્યું હતું, 'છેલ્લાં 13 વર્ષોથી આ શો સાથે જોડાયેલો છું. વિશ્વાસ કરો, મને ક્યારેય કંટાળો આવ્યો નથી. અમારી ટીમના લેખક તથા પ્રોડ્યૂસર અસિત મોદી સાથે મળીને સ્ટોરીલાઇન પર કામ કરે છે. જોકે, સૌથી મોટો પડકાર શોની લોકપ્રિયતા જાળવી રાખવાનો છે. અમારા શોમાં કોઈ લીપ આવ્યો નથી અને વાર્તાની પેટર્નમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેમ છતાંય ચાહકો અમને પસંદ કરી રહ્યા છે. અમે પરિવારની જેમ સેટ પર રહીએ છીએ.'

અમદાવાદમાં મને બહુ જ પોઝિટિવ ફીલ થાય છે
માલવના મતે, 'માર પપ્પા ગુજરાતના જામખંભાળિયાના છે અને મમ્મી લીંબડીની છે. જોકે, હું આ બંને ગામ બહુ જ ઓછો ગયો છું. જોકે, ગુજરાતનાં અન્ય શહેરોમાં ઘણો જ ફર્યો છું, પછી તે અમદાવાદ હોય કે રાજકોટ. રાજકોટમાં મારાં માસી રહે છે. અમદાવાદમાં મારા પપ્પાના બહુ શો થતા અને મારું નાનપણ અહીંયા જ પસાર થયું છે. આ બંને શહેરોમાં અમારા ઘણાં સંબંધીઓ રહે છે. અહીંયા દિવાળી સેલિબ્રેશનની અઢળક યાદો છે. અમદાવાદમાં મને ઘણી જ પોઝિટિવિટી ફીલ થાય છે. અહીંયાના લોકો ઘણા જ પોઝિટિવ છે.'

પપ્પા માટે ગુજરાતી પ્લે ડિરેક્ટ કરવાની ઈચ્છા
માલવ રાજડાને તક મળે તો રિજનલ પ્રોજેક્ટમાં કામ કરવાની ઈચ્છા છે. તે ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરવા માગે છે. આ ઉપરાંત તે ગુજરાતી પ્લે પણ કરવા માગે છે. તેના પપ્પાએ 150 પ્લે ડિરેક્ટ કર્યાં છે. તે ભવિષ્યમાં તેના પપ્પા માટે કોઈ નાટક ડિરેક્ટ કરવા માગશે.

માલવે શોની એક્ટ્રેસ સાથે લગ્ન કર્યાં
સિરિયલમાં પ્રિયા આહુજાએ ‘રીટા રિપોર્ટર’નો રોલ પ્લે કર્યો હતો. રીટાએ આ શોમાં 2008થી લઈ 2010 સુધી કામ કર્યું હતું. ત્યારબાદ તેણે પાછો 2013માં શો જોઈન કર્યો હતો. જોકે, વચ્ચે તેણે મૅટરનિટી લીવ પણ લીધી હતી. એક્ટ્રેસ પ્રિયા આહુજાએ માલવ રાજડા સાથે વર્ષ 2011માં લગ્ન કર્યાં હતાં. 2019માં પ્રિયાએ દીકરાને જન્મ આપ્યો હતો.