તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:રિયલ લાઈફમાં 'જેઠાલાલ' તથા 'ટપુડા' વચ્ચે અણબનાવ, દિલીપ જોષીએ રાજ અનડકટને ખરું-ખોટું સંભળાવ્યું

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલીપ જોષીએ સેટ પર જ રાજને ધમકાવી કાઢ્યો હતો
  • દિલીપ જોષીએ સો.મીડિયામાં રાજને અનફોલો કર્યો

કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લાં 13 વર્ષથી ચાલી રહી છે. આ સિરિયલ હાલમાં કોઈ ને કોઈ વાતે વિવાદમાં આવી રહી છે. થોડા સમય પહેલાં એવી ચર્ચા હતી કે સિરિયલમાં તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેશ લોઢા તથા જેઠાલાલ એટલે કે દિલીપ જોષી વચ્ચે બધું બરોબર નથી. હવે એવી ચર્ચા છે કે જેઠાલાલ તથા ટપુ (રાજ અનડકટ) વચ્ચે વિખવાદ થયો હતો. આટલું જ નહીં, રાજની મોડા આવવાની આદતથી કંટાળીને દિલીપ જોષીએ તેને ખરું-ખોટું પણ સંભળાવ્યું હતું.

2017થી રાજ આ સિરિયલ સાથે જોડાયો.
2017થી રાજ આ સિરિયલ સાથે જોડાયો.

દિલીપ જોશીએ રાજને બોધપાઠ ભણાવ્યો
વેબ પોર્ટલ કોઈમોઈના એક અહેવાલ પ્રમાણે, દિલીપ જોષી સેટ પર સિનિયર એક્ટર્સમાંથી એક છે. વર્ષોથી તેઓ આ સિરિયલ સાથે સંકળાયેલા છે. જોકે તેમને કારણે ક્યારેય શૂટિંગમાં મોડું થયું નથી. જોકે હાલમાં જ રાજ અનડકટે દિલીપ જોષીને સેટ પર એક કલાક સુધી રાહ જોવડાવી હતી. સૌથી નવાઈની વાત એ છે કે રાજે આવું પહેલીવાર કર્યું નહોતું, તે સેટ પર અવાર-નવાર મોડો આવતો હતો અને અન્ય સિનિયર કલાકારોને રાહ જોવડાવતો હતો. રાજની આ આદતથી કંટાળીને દિલીપ જોષીએ સેટ પર જ તેને ખરું-ખોટું સંભળાવી દીધું હતું. માનવામાં આવે છે કે દિલીપ જોષીએ રાજને ધમકાવ્યો પછી તે સેટ પર મોડો નથી આવતો.

દિલીપ જોષીએ રાજને સો.મીડિયામાં અનફોલો કર્યો
દિલીપ જોષીએ સો.મીડિયામાં રાજ અનડકટને અનફોલો કરી દીધો છે. જોકે રાજ હજી પણ દિલીપ જોષીને ફોલો કરે છે. હજી સુધી આ મુદ્દે રાજ તથા દિલીપ જોષીની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

2017થી રાજ ટપુનો રોલ પ્લે કર્યો છે
ભવ્ય ગાંધી 'તારક મહેતા'માં ટપુનો રોલ કરતો હતો. તે સિરિયલમાં દયાભાભી (દિશા વાકાણી) તથા જેઠાલાલ (દિલીપ જોષી)ના દીકરાનો રોલ કરતો હતો. ભવ્યે 2017માં આ શો છોડી દીધો હતો. તેના સ્થાને હવે રાજ અનડકટ ટપુનો રોલ પ્લે કરે છે. દિલીપ જોષી શરૂઆતથી એટલે કે 2008થી આ સિરિયલ સાથે જોડાયેલા છે.

આ પહેલાં શૈલેશ લોઢા અને દિલીપ જોષીના અણબનાવની વાત ઊડી હતી
થોડા મહિના પહેલાં સો.મીડિયામાં એ વાતની જોરશોરથી ચર્ચા થઈ રહી છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલનો રોલ પ્લે કરતા દિલીપ જોષી તથા તારક મહેતા એટલે કે શૈલેશ લોઢા એકબીજા સાથે વાત કરતા નથી. આ અંગે દિવ્ય ભાસ્કરે શૈલેશ લોઢાનો સંપર્ક કર્યો તો તેમણે આ વાતને માત્ર અફવા ગણાવી હતી.

શું કહ્યું શૈલેશ લોઢાએ?
શૈલેશ લોઢાએ કહ્યું હતું, 'આ પ્રકારના સમાચાર સાંભળીને બહુ જ હસવું આવે છે. ખબર નહીં, કોણ આવી અફવા ફેલાવે છે. વિશ્વાસ કરો, મારી તથા દિલીપજી વચ્ચે આવું કંઈ જ નથી. શોમાં જે પ્રકારના સંબંધો છે એ જ પ્રકારના સંબંધો રિયલ લાઈફમાં છે. ખરું કહું તો એનાથી પણ ગાઢ છે. આટલું જ નહીં, હજી ગઈકાલ રાત્રે જ અમે મોડે સુધી શૂટ કરતા હતા અને શૂટિંગ પછી પણ અમે મોડે સુધી વાતો કરતા હતા. સેટ પર અમને લોકો બેસ્ટ બડી કહીને બોલાવે છે. ત્યાં સુધી કે અમારો મેકઅપ રૂમ પણ એક જ છે. આનાથી વધુ પુરાવા શું જોઈએ?'