તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:ઐશ્વર્યા સખુજાએ 25 દિવસ પહેલાં ઓડિશન આપ્યું, શું નવાં દયાભાભી તરીકે જોવા મળશે?

મુંબઈ5 મહિનો પહેલા

થોડા સમય પહેલાં ચર્ચા હતી કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાભાભીના રોલ માટે ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા સખુજાએ ઓડિશન આપ્યું છે. મેકર્સ પણ ઐશ્વર્યાના લુક ટેસ્ટથી ખુશ છે, જોકે હાલમાં જ ઐશ્વર્યાએ આ અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે તેને નથી લાગતું કે તે દયાબેનનો રોલ કરશે. તેને હજી સુધી મેકર્સ તરફથી કોઈ ફોન આવ્યો નથી.

શું કહ્યું ઐશ્વર્યાએ?
'ઇ ટાઇમ્સ'ને આપેલા ઇન્ટરવ્યુમાં ઐશ્વર્યાએ કહ્યું હતું, 'મેં 20-25 દિવસ પહેલાં ઓડિશન આપ્યું હતું. મને એવું લાગ્યું કે તેમને દયાબેનનું પાત્ર કાસ્ટ કરવા માટે ઘણી જ ઉતાવળ છે, આથી જ મને ઓડિશન માટે ફોન આવ્યો હતો. સામાન્ય રીતે અમને ઓડિશન આપ્યાના અઠવાડિયા બાદ મેકર્સ તરફથી ફોન આવી જતો હોય છે. જોકે મને તો ઘણો સમય થયો, હજી સુધી કૉલબેક આવ્યો નથી, આથી જ મને લાગે છે કે હું આ પાત્ર કરીશ નહીં.'

આ રોલ મારા માટે પડકારજનક
તેણે વધુમાં કહ્યું હતું, 'મને આ પાત્ર ઘણું જ ગમે છે. જ્યારે મેં ઓડિશન આપ્યું ત્યારે કાસ્ટિંગ કરનારી વ્યક્તિ હસી પડી હતી. ઓડિશનના અંતે અમે બંને જોરજોરથી હસ્યાં હતાં. આ પાત્ર આઇકોનિક છે. મેં આ પહેલાં ક્યારેય આ રીતનું પાત્ર ભજવ્યું નથી. ગુજરાતી બોલી, આટલી એનર્જી, તેથી જ મારા માટે દયાબેનનું પાત્ર ભજવવું પડકારજનક છે. મને ફોન આવ્યો અને હું ઓડિશન માટે ગઈ હતી.'

ઓડિશનની તૈયારી કેવી રીતે કરી?
ઐશ્વર્યાને જ્યારે પૂછવામાં આવ્યું કે તેણે ઓડિશન માટે કઈ રીતે તૈયારી કરી હતી? તો એના જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું, 'મેં દયાબેનના થોડાં સીન્સ જોયા હતા, પરંતુ જે રીતે તેઓ બોલે છે અને તેમની બોલી છે, તેમની હું નકલ કરવા માગતી નહોતી. હું ઈચ્છતી હતી કે તેને હું વધુ રિલેટ કરી શકું, કારણ કે હું અન્ય એક્ટરનું પાત્ર ભજવવાની હતી, તેથી જ ખાસ રીતે ભજવું એ જરૂરી હતું. દયાબેનનું પાત્ર ખરેખર પાગલ છે.'

ઐશ્વર્યાને જ્યારે પૂછવામાં આવ્યું કે દયાબેનના કાસ્ટિંગ હાલમાં હોલ્ડ પર રાખ્યું હોવાની ચર્ચા હતી, તો એ અંગે તે શું માને છે. જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું કે તે આ અંગે કોઈ કમેન્ટ કરી શકે એમ નથી. બધી જ ચર્ચાઓ થાય છે, પરંતુ તે ચોક્કસ નથી.

ઐશ્વર્યાએ આગળ કહ્યું હતું કે તે હાલમાં ઓડિશન આપી રહી છે. તેને આશા છે કે ટીવી, ફિલ્મ્સ તથા વેબમાં સારા રોલ મળશે. હાલમાં તેનો ઓડિશન ફેઝ ચાલી રહ્યો છે. તે થિયેટરમાં પણ કામ કરી રહી છે અને તેથી જ તેનામાં આત્મવિશ્વાસ છે. તે છેલ્લા કેટલાંક મહિનાથી તેની ક્રાફ્ટને શાર્પ કરી રહી છે.