'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લાં કેટલાંક સમયથી વિવાદમાં છે. સિરિયલમાં કામ કરતાં ઘણાં કલાકારોએ આ શો છોડી રહ્યા છે. આ શોએ 28 જુલાઈએ 14 વર્ષ પૂરા કર્યા હતા. આ શોમાં દિશા વાકાણીની લાંબા સમયથી દર્શકો રાહ જોઈ રહ્યા છે. તારક મહેતાનો રોલ પ્લે કરતાં શૈલેષ લોઢાએ આ શો છોડી દીધો છે. હવે સિરિયલના પ્રોડ્યૂસર અસિત મોદીએ પહેલી જ વાર શૈલેષ લોઢાના શો છોડવા અંગે વાત કરી હતી. સો.મીડિયામાં અસિત મોદીની આ વીડિયો ક્લિપ વાઇરલ થઈ છે.
અસિત મોદી શું કહે છે?
સો.મીડિયામાં અસિત મોદીની એક ક્લિપ વાઇરલ થઈ છે. આ ક્લિપમાં અસિત મોદીને શૈલેષ લોઢા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. અસિત મોદીએ એકદમ બેફિકર અંદાજમાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું, 'જુઓ, હું પહેલાં જ કહી ચૂક્યો છું કે હું તમામને સાથે રાખવા માગું છું. જોકે, કેટલાંક લોકો સાથે આવવા માગતા નથી. તેમનું પેટ ભરાઈ ગયું હોય તેમ લાગે છે. તેમને એમ લાગે છે કે તેમણે ઘણું કર્યું છે અને હજી ઘણું કરવાનું બાકી છે, તેઓ માને છે કે ભગવાને તેમને ઘણી પ્રતિભા આપી છે. માત્ર 'તારક મહેતા..' સુધી સીમિત રહેવું જોઈએ નહીં. જેમને આમ લાગે છે અને તેઓ સમજવા તૈયાર નથી તો પણ હું તેમને ફરી એકવાર કહીશ કે બીજીવાર વિચારો-સમજો, પરંતુ તો પણ તેઓ આવવા ના માગતા હોય તો શો અટકશે નહીં. નવા તારક મહેતા જરૂર આવશે. જૂના તારક મહેતા આવશે તો પણ આનંદ થશે. નવા તારક મહેતા આવશે તોય આનંદ થશે. મારું એક જ લક્ષ્ય છે કે મારા દર્શકોના ચહેરા પર હાસ્ય રહેવું જોઈએ.'
શા માટે શૈલેષ લોઢાએ શો છોડ્યો?
અસિત મોદી મહિનામાં શૈલેષ લોઢાને 15 દિવસથી વધુ દિવસ સેટ પર બોલાવતા નથી, આથી જ શૈલેષ લોઢાએ બાકીના સમયમાં અન્ય પ્લેટફોર્મ પર આવતાં કવિતા બેઝ શોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અસિત મોદીએ શૈલેષ લોઢાને વિનંતી કરી હતી કે તે કોન્ટ્રેક્ટ તોડીને બીજા શોમાં કામ કરી શકે નહીં. તે આ રીતની પરવાનગી પણ આપી શકે નહીં. જો તે એકને મંજૂરી આપશે તો બાકીના કલાકારો પણ કોન્ટ્રેક્ટ તોડશે.
અસિત મોદીએ સિરિયલમાં કામ કરતા તમામ કલાકારો સાથે એક ખાસ કોન્ટ્રેક્ટ કર્યો છે. આ કોન્ટ્રેક્ટ પ્રમાણે, સિરિયલમાં કામ કરતા કલાકારો અન્ય બીજું કોઈ કામ કરી શકે નહીં. પછી ભલે તેમને મહિનામાં 15 દિવસ ઘરે જ કેમ ના બેસવાનું હોય. આ કોન્ટ્રાક્ટ જ સિરિયલના કલાકારોને અકળાવી રહ્યો છે. આ નિયમને કારણે કલાકારો અન્ય બીજું કોઈ કામ કરી શકતા નથી.
રાજ અનડકટે પણ આ જ કારણે શો છોડ્યો
માત્ર શૈલેષ લોઢાએ જ નહીં, પરંતુ રાજ અનડકટ (સિરિયલમાં ટપુનો રોલ પ્લે કરે છે)એ પણ આ જ કારણે શો છોડી દીધો છે.
રાજ એક મ્યુઝિક વીડિયોમાં કામ કરવા માગતો હતો, પરંતુ તે સિરિયલમાં કામ કરતો હોય તો તે મ્યુઝિક વીડિયો કરી શકે નહીં, આથી જ રાજે આ સિરિયલ છોડી દીધી છે. ટૂંક સમયમાં રાજ ફિલ્મમાં પણ જોવા મળશે. રાજને પણ શોમાં પરત લાવવાના પ્રયાસો થયા હતા, પરંતુ એ પ્રયાસો કામ લાગ્યા નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.