બબીતાજીનો અકસ્માત થયો:અમિત ભટ્ટ બાદ હવે મુનમુન દત્તાને ઘૂંટણમાં ઈજા થઈ, ટ્રિપ અધવચ્ચે છોડીને ભારત પરત ફરી

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

લોકપ્રિય ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતાનો રોલ પ્લે કરનાર મુનમુન દત્તાનો જર્મનીમાં અકસ્માત થતાં તે ઘરે પરત ફરી રહી છે. મુનમુને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે અકસ્માતને કારણે તેને ઘૂંટણમાં ઈજા થઈ છે.

હવે ઘરે પરત ફરી રહી છું
મુનમુન દત્તાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'જર્મનીમાં મારો અકસ્માત થયો છે અને ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ છે. આ જ કારણે હું ટ્રીપ અધવચ્ચે છોડીને ઘરે પરત ફરી રહી છું.'

વેકેશન મનાવવા યુરોપ ગઈ હતી
મુનમુન દત્તા સાત દિવસ પહેલાં જ યુરોપમાં વેકેશન મનાવવા ગઈ હતી. તેણે સો.મીડિયામાં સ્વિટ્ઝરલેન્ડની તસવીરો શૅર કરી હતી.

2004માં ટીવી ડેબ્યુ કર્યું હતું
મુનમુન દત્તા મૂળ પુણેની છે અને તે કરિયર માટે મુંબઈ આવી હતી. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. 2004માં તેણે ઝી ટીવીની સિરિયલ 'હમ સબ બારાતી'થી ટીવી ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તે 2005માં આવેલી ફિલ્મ 'મુંબઈ એક્સપ્રેસ', 2006માં 'હોલિડે' તથા 2015માં આવેલી ફિલ્મ 'ઢિંચાક એન્ટરપ્રાઈઝ'માં જોવા મળી હતી. તેના પપ્પાનું અવસાન થઈ ચૂક્યું છે. તેણે ગયા વર્ષે મુંબઈમાં પોતાનું બીજું ઘર લીધું હતું. અહીં તે તેની મમ્મી સાથે રહે છે.

અમિત ભટ્ટને પણ ઘૂંટણમાં ઈજા થઈ
અમિત ભટ્ટે સો.મીડિયામાં વીડિયો શૅર કરીને પોતાની તબિયત અંગે વાત કરી હતી. અમિત ભટ્ટે કહ્યું હતું કે સિરિયલના સેટ પર એક સીનનું શૂટિંગ ચાલતું હતું. આ સીનમાં સોઢીનું કારનું ટાયર હાથમાં છટકી જાય છે અને તે ટાયર પાછળ ભાગે છે. શૂટિંગ દરમિયાન ટાયર એક ઓટોને ભટકાઈને પાછું ફરે છે અને આ દરમિયાન તેમને ઘૂંટણમાં વાગે છે. ડૉક્ટરે 10-12 દિવસનો આરામ કરવાની સલાહ આપી હતી.

સિરિયલને જુલાઈમાં 14 વર્ષ પૂરા થયા
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને જુલાઈમાં 14 વર્ષ પૂરા થયા હતા. સિરિયલને 14 વર્ષ પૂરા થતાં સેટ પર કેક કટિંગ પણ કરવામાં આવ્યું હતું. થોડાં સમય પહેલાં જ સિરિયલમાં તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાના સ્થાને એક્ટર સચિન શ્રોફ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...