નવી શરૂઆત:'તારક મહેતા...'નાં જૂનાં અંજલિભાભી હવે ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે, કહ્યું- 'ચાહકો મારા નવા વેન્ચરની આતુરતાથી રાહ જુએ છે'

મુંબઈ9 મહિનો પહેલાલેખક: કિરણ જૈન

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નાં જૂનાં અંજલિભાભી એટલે કે નેહા મહેતાએ સિરિયલ છોડી દીધા બાદ હવે નવી શરૂઆત કરી છે. હાલમાં જ નેહા મહેતાએ સોશિયલ મીડિયામાં સેટ પરનો એક વીડિયો શૅર કર્યો હતો. નેહા મહેતાએ આ અંગે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી.

નવી શરૂઆત કરી
નેહા મહેતાએ કહ્યું હતું, 'આ નેહા મહેતાની નવી શરૂઆત છે. ટીવી સિરયલ 'તારક મહેતા' છોડ્યા બાદ મને એ વાતનો અહેસાસ થયો કે હું ઘણું બધું કરી શકું છું. હાલમાં જ મેં એક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. સાચું કહું તો હાલમાં હું આ ફિલ્મ અંગે વધુ કંઈ કહી શકીશ નહીં, કારણ કે ફિલ્મના પ્રોડ્યૂસર આ અંગે જાહેરાત કરશે.'

વધુમાં નેહાએ કહ્યું હતું, 'હું એટલું જરૂર કહી શકીશ કે આ ગુજરાતી ફિલ્મ મહિલા કેન્દ્રિત છે. ફિલ્મમાં મહિલાઓની શક્તિ અંગે વાત કરવામાં આવી છે. ફિલ્મની વાર્તા મોડર્ન નવદુર્ગા સાથે જોડાયેલી છે. મને વિશ્વાસ છે કે ગુજરાતી ઓડિયન્સને આ ફિલ્મ ઘણી જ ગમશે.' ઉલ્લેખનીય છે કે નેહા મહેતાએ જામનગરના લાખોટા તળાવ આગળ આ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું.

સિરિયલ છોડવાનો નિર્ણય સરળ નહોતો
નેહાએ એમ પણ કહ્યું હતું, 'આટલા વર્ષો સુધી 'તારક મહેતા'નો હિસ્સો બન્યા બાદ તે સિરિયલ છોડવાનો નિર્ણય સરળ નહોતો. ચાહકોએ જે રીતે મને પ્રેમ આપ્યો છે, તેનાથી મને નવા પ્રોજેક્ટ સાઈન કરવા માટે ઘણું જ પ્રોત્સાહન મળ્યું છે. મારા ચાહકો મારા નવા વેન્ચરની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.'

બે ટીવી શોની ઓફર ઠુકરાવી
વાતચીતમાં નેહાએ એમ પણ કહ્યું હતું, 'તારક મહેતા..' સિરિયલ છોડ્યા બાદ મને બે ટીવી શોની ઓફર આવી હતી. જોકે, તે ઓફર હું સ્વીકારી શકી નહીં. કારણ કે ત્યારે હું ટીવી શોના પાત્રો અંગે કોન્ફિડન્ટ નહોતી. મને લાગ્યું કે હું તે પાત્રોને ન્યાય આપી શકીશ નહીં. આથી જ મેં તે ઑફર્સ નકારી હતી.'

ગુજરાતી ફિલ્મ ઉપરાંત નેહા હાલમાં એક નોવેલ તથા કેટલીક કોલમ પણ લખી રહી છે.

આ કારણે 'તારક મહેતા' શો છોડ્યો હતો
નેહા મેહતાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'સાચી વાત તો એ છે કે અહીં એક જ નિયમ છે, 'તમારે કામ કરવું હોય તો કરો, નહીંતર છોડીને જતા રહો.'

શો છોડવા અંગે નેહા મેહતાએ કહ્યું હતું, 'એક સમયે મને એવું લાગ્યું કે બસ મારે અહીં અટકવું જોઈએ. દરેક લોકો કહેતા હોય છે કે થોડી બાબતો ચલાવી લેવી જોઈએ, આખરે શો ટીમવર્કથી બને છે અને દરેકનો એમાં ફાળો હોય છે. જોકે આ વાત સિવાય એક્ટિંગના ફિલ્ડમાં મારું એક અલગ માન-સન્માન છે. મેં 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' પહેલાં પણ ઘણું જ કામ કર્યું છે. એવું નથી કે 'તારક મેહતા..'એ મને સેલિબ્રિટી બનાવી હોય, પરંતુ સાચી વાત એ હતી કે 'તારક મેહતા'માં એક સેલિબ્રિટી કામ કરતી હતી. એક ભણેલી-ગણેલી તથા ભાવુક વ્યક્તિ હોવાને નાતે મેં આ અંગે ઘણું જ વિચાર્યું હતું. આ શો મને નિયમિત રીતે કામ તથા પૈસા આપતો હતો. કેટલીક બાબતો દરેક જગ્યાએ બનતી હોય છે અને તમારે તમારી જાત સાથે શાંતિ રાખવી પડે છે. જોકે તેમ છતાંય મને લાગ્યું કે આ સમયે હવે મારે અટકવાની જરૂર છે અને મેં સાચો નિર્ણય લીધો હતો.'

અન્ય સમાચારો પણ છે...