તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:'સોઢી'એ શો છોડવાનું અસલી કારણ જણાવ્યું, શું પૈસાને કારણે શો છોડવો પડ્યો હતો?

મુંબઈ6 દિવસ પહેલા
  • ગુરુચરણ સિુંહે ગયા વર્ષે શો છોડ્યો હતો

ટીવીની સૌથી લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સોઢીનું પાત્ર ગુરુચરણ સિંહે પ્લે કર્યું હતું. ગયા વર્ષે ગુરુચરણે લૉકડાઉન બાદ શૂટિંગ ફરી શરું થયું ત્યારે ગુરુચરણે શો છોડી દીધો હતો. હવે ગુરુચરણે શા માટે શો છોડ્યો તેનું કારણ સામે આવ્યું છે.

કેમ શો છોડ્યો હતો?
શો છોડ્યા બાદ ગુરુચરણ અન્ય કોઈ સિરિયલમાં જોવા મળ્યો નથી. તેણે હાલમાં જ કહ્યું હતું, 'જુઓ, મારા પિતાની તે સમયે સર્જરી થવાની હતી અને તે કારણે મેં શો છોડ્યો હતો, અન્ય કેટલીક બાબતો પણ હતી અને મારે તેના પર ધ્યાન આપવાનું હતું. જીવનમાં આગળ વધવાનું હતું અને બીજા કારણો પણ હતા. જોકે, તે આ અંગે વાત કરવા માગતો નથી.'

પેમેન્ટને કારણે શો છોડ્યો?
નોંધનીય છે કે ગુરુચરણે જ્યારે શો છોડ્યો ત્યારે ચર્ચા હતી કે તેણે પૈસાને કારણે આ પગલું ભર્યું છે. તેને સમયસર પૈસા મળતા નહોતા. જ્યારે ગુરુચરણને તાજેતરમાં આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું હતું, 'અમને પ્રેમ મહોબ્બતથી આગળ વધવાનું પસંદ છે.' આ સાથે બાકી પેમેન્ટ અંગે કોઈ વાત કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે 2013માં ગુરુચરણે શો છોડ્યો હતો. જોકે એક વર્ષ બાદ જ તે શોમાં પરત ફર્યો હતો. સિરિયલમાં ગુરુચરણે રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવ્યું હતું અને તેનું ગેરેજ હોય છે. ગુરુચરણે 2020માં ફરી એકવાર આ શો છોડી દીધો હતો. તે સમયે તેણે શા માટે આ સિરિયલ છોડી તે અંગે કોઈ કારણ બહાર આવ્યું નહોતું. હાલમાં આ પાત્ર ‘દિલ તો પાગલ હૈં’ ફૅમ બલવિંદર સિંહ ભજવી રહ્યો છે.

સિરિયલમાં હાલમાં બલવિંદર, રોશન સિંહનું પાત્ર ભજવે છે
સિરિયલમાં હાલમાં બલવિંદર, રોશન સિંહનું પાત્ર ભજવે છે

નટુકાકાનું અવસાન થતાં દિલ્હીથી મુંબઈ આવ્યો
77 વર્ષની ઉંમરમાં ઘનશ્યામ નાયકનું સૂચક હોસ્પિટલમાં ત્રીજી ઓક્ટોબરના રોજ સાંજે સાડા પાંચ વાગે અવસાન થયું હતું. ઘનશ્યામ નાયકના બીજા દિવસે એટલે કે ચોથી ઓક્ટોબરના રોજ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. ગુરુચરણ સિંહ દિલ્હીથી મુંબઈ આવ્યો હતો. તે ઘનશ્યામ નાયકના ઘરે ગયો હતો અને તેમની તસવીર સાથે સેલ્ફી ક્લિક કરીને સો.મીડિયામાં પોસ્ટ કરી હતી. આ તસવીર સાથે ગુરુચરણે કહ્યું હતું, તેમના ચહેરા પર હાસ્ય, આંખોમાં આંસુ અને હિંમત સાથે આ છેલ્લી તસવીર ક્લિક કરી. ઘનશ્યામ નાયક/નટુકાકાની હાજરી છેલ્લી વાર અનુભવવા માટે મુંબઈ આવ્યો, પરંતુ તે આપણાં હૃદયમાં હંમેશાં જીવિત રહેશે.

હાલમાં શું કરે છે ગુરુચરણ?
ગુરુચરણે કહ્યું હતું કે તેણે સિરિયલ છોડી તેને સવા વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને તેણે આ દરમિયાન કામ પર નહીં, પરંતુ પોતાના પર ધ્યાન આપ્યું છે. તે આધ્યાત્મિક રીતે આગળ વધ્યો છે, પોતાનામાં રહેલી ખામીઓ શોધી છે અને પોતાની શોધમાં વ્યસ્ત છે. તે પેરેન્ટ્સ માટે કંઈક કરી રહ્યો છે. હાલમાં જ તેણે એક બ્રાન્ડ માટે ડિજિટલ ફિલ્મ શૂટ કરી હતી. આ ફિલ્મમાં શ્રેયસ તલપડે તથા રોહિતાશ ગોડ છે.

શોમાં પરત આવશે?
જ્યારે ગુરુચરણને પૂછવામાં આવ્યું કે તે શોમાં પરત ફરશે? તો તેણે કહ્યું હતું, 'ભગવાનને ખબર. મને કંઈ જ ખબર નથી. જો ભગવાનની મરજી હશે તો હું પાછો આવીશ. જોકે, હાલમાં આ અંગે કોઈ જ વાત નથી. છેલ્લી વખતે પણ હું પરત ફરીશ એવી કોઈ અપેક્ષા નહોતી, પરંતુ હું પાછો આવ્યો હતો.'