સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ઝી અનમોલ ચેનલ ફરી એકવાર ‘પવિત્રા રિશ્તા’ સિરિયલ ટેલિકાસ્ટ કરશે. આ સિરિયલથી તેઓ સુશાંતને શ્રદ્ધાંજલિ પાઠવશે. આ જ સિરિયલથી સુશાંત ઘેર-ઘેર લોકપ્રિય થયો હતો.
સુશાંતે આ સિરિયલમાં માનવ દેશમુખનો રોલ પ્લે કર્યો હતો. આ રોલ માટે ચાહકો આજે પણ સુશાંતને યાદ કરે છે. આવા સમયે દેશ સુશાંતના બેસ્ટ પર્ફોમન્સ જોવા ઈચ્છે છે અને ત્યારે ચેનલે આ શો ફરીવાર પ્રસારિત કરવાનો નિર્ણય લીધો છે.
બે લોકોની સુંદર લવસ્ટોરી બતાવવામાં આવી
‘પવિત્ર રિશ્તા’નું પુનઃપ્રસારણ સુશાંતને એક ભાવભીની શ્રદ્ધાંજલિ હશે. સુશાંતની ટેલેન્ટ જોઈને તમામ જૂની યાદો તાજી થશે. આ સિરિયલમાં મધ્યમવર્ગીય પરિવારના બે લોકોની સુંદર લવસ્ટોરી બતાવવામાં આવી છે. સિરિયલમાં માનવ દેશમુખ એક સામાન્ય ગેરેજ મિકેનિક છે અને પોતાના પરિવારમાં એક માત્ર કમાનાર વ્યક્તિ છે તો બીજી બાજુ અર્ચના કરંજકર (અંકિતા લોખંડે) મિડલ ક્લાસ સીધી સાદી યુવતી છે. તેના માટે પરિવાર સૌથી મહત્ત્વનો છે.
મુશ્કેલીની વચ્ચે માનવ-અર્ચનાના લગ્ન થાય છે
તમામ મુશ્કેલીઓની વચ્ચે માનવ તથા અર્ચનાના લગ્ન થાય છે પરંતુ લગ્ન બાદ નવા સંઘર્ષનો સામનો કરવો પડે છે. જીવનમાંથી પ્રેરણાદાયી સંઘર્ષ તથા એકબીજા પ્રત્યેનો પ્રેમ બતાવતો આ શો એ દર્શાવે છે કે બંને વચ્ચેના સંબંધોમાં કેટલી પવિત્રતા રહેલી છે. સુશાંત તથા અંકિતા ઉપરાંત સિરિયલમાં સવિતા પ્રભુને, મહેશ શેટ્ટી, પરાગ ત્યાગી તથા ઉષા નાડકર્ણી જેવા કલાકારો હતાં. આ સિરિયલ પહેલી જૂન, 2009માં પહેલીવાર ટેલિકાસ્ટ થઈ હતી. આ સિરિયલનો લાસ્ટ એપિસોડ 25 ઓક્ટોબર, 2014ના રોજ પ્રસારિત થયો હતો. સુશાંતે આ સિરિયલ પછી અધવચ્ચેથી છોડી દીધી હતી અને તેના સ્થાને ટીવી એક્ટર હિતેન તેજવાની આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.