'રાવણ'ની વિદાય:'રામાયણ'માં 'લક્ષ્મણ' બનેલા સુનીલ લહરીએ અરવિંદ ત્રિવેદીના જીવનની છેલ્લી ક્ષણો અંગે જણાવ્યું

મુંબઈ21 દિવસ પહેલાલેખક: ઉમેશ કુમાર ઉપાધ્યાય
  • કૉપી લિંક
  • અરવિંદ ત્રિવેદીએ અનેક ગુજરાતી ફિલ્મમાં અભિનય કરીને લોકપ્રિયતા મેળવી હતી

'રામાયણ'માં રાવણનું પાત્ર ભજવીને લોકપ્રિય થનારા 83 વર્ષીય અરવિંદ ત્રિવેદીનું 5 ઓક્ટોબરની રાત્રે તેમના નિવાસ્થાને અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કારમાં બહુ ઓછા લોકો આવ્યા હતા. અરવિંદ ત્રિવેદીને યાદ કરીને સિરિયલમાં લક્ષ્મણનું પાત્ર ભજવાર સુનીલ લહરી ઘણો જ ભાવુક થયો હતો.

કોવિડને કારણે ઓછા લોકો આવ્યા
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સુનીલ લહરીએ કહ્યું હતું, 'હું અરવિંદભાઈના અંતિમ સંસ્કારમાં ગયો હતો. ત્યાં બહુ ઓછા લોકો આવ્યા હતા, કારણ સમય બહુ ઓછો હતો અને કોરોનાકાળ ચાલે છે. આટલું જ નહીં મોડી રાત્રે અવસાન થયું હોવાથી બહુ બધા લોકોને આ અંગે જાણ નહોતી. મને સવારે વ્હોટ્સએપ મેસેજમાં આ અંગેની જાણ થઈ હતી. સામાન્ય રીતે હું આઠ વાગે મોબાઇલ ચેક કરું છું, પરંતુ ખબર નહીં આજે મેં વહેલો ફોન ચેક કર્યો અને આ દુર્ભાગ્યપૂર્ણ સમાચાર અંગેની જાણ થઈ હતી. અમારા કોમન ફ્રેન્ડે મને મેસેજ કર્યો હતો. અંતિમ સંસ્કારમાં સમીર રાજડા, દીપિકા ચિખલિયા, કેટલાંક ગુજરાતી પ્રોડ્યસર્સ-એક્ટર્સ અને પરિવારના સભ્યો હતા.'

થોડાં સમય પહેલાં અરવિંદ ત્રિવેદી પોતાના ગામડે ઈડર આવ્યા હતા
થોડાં સમય પહેલાં અરવિંદ ત્રિવેદી પોતાના ગામડે ઈડર આવ્યા હતા

હંમેશાં સારો સંબંધ રહ્યો
વધુમાં સુનીલ લહરીએ કહ્યું હતું, 'તેમની સાથે ઘણી જ સુખદ યાદો જોડાયેલી છે. તેમની સાથે મારો ઘનિષ્ઠ સંબંધ હતો. લોકો એમ કહેતા હોય છે કે એક સમય પછી એકબીજાને આપણે ભૂલી જઈએ છીએ, પરંતુ સમયની સાથે મારો સંબંધ વધુને વધુ ગાઢ થતો ગયો હતો. તે બહુ જ હસમુખા તથા ખુશમિજાજ વ્યક્તિ હતા. તેમને કોઈ જાતનું અભિમાન નહોતું. સેન્સ ઓફ હ્યૂમર કમાલની હતી. થિયેટર બેકગ્રાઉન્ડના હોવાથી તેમના પ્રત્યે કામ અંગે અલગ જ લગન જોવા મળતી હતી. કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહેતા હતા. જ્યારે પણ મને ગાઇડન્સની જરૂર હોય ત્યારે તે મને પિતાની જેમ માર્ગદર્શન આપતા હતા. તેમના જવાથી એક યુગ પૂરો થઈ ગયો. તેમણે જે રીતે રાવણનું પાત્ર જીવંત કર્યું હતું, તેમની જેમ કોઈ આ પાત્ર ભજવી શકશે નહીં.'

સુનીલ લહરી તથા અરવિંદ ત્રિવેદી
સુનીલ લહરી તથા અરવિંદ ત્રિવેદી

સંવાદો બોલી શકતો નહીં
સુનીલ લહરીએ આગળ વાત કરતાં કહ્યું હતું, 'હજી થોડાં વર્ષ પહેલાં અમે લોકો ફરીદાબાદમાં એક પ્રોગ્રામ માટે ગયા હતા. અરવિંદભાઈ જો આ પ્રોગ્રામ ના હોત તો હું એકલો પડી જાત. તેમણે મને પૂરો સપોર્ટ કર્યો હતો. અમે સ્ટેજ પર રાવણ-લક્ષ્મણનો એક સંવાદ પર્ફોર્મ કર્યો હતો. સીન એવો હતો કે રાવણને કહે છે, 'યુદ્ધ કા કોઈ નિયમ નહીં હોતા હૈ', જેના જવાબમાં લક્ષ્મણ કહે છે, 'તુમ જૈસા દુરાચારી યુદ્ધ ઔર સંસ્કાર કી બાતેં ક્યા સમજે.' આ સંવાદ બોલવામાં મને ઘણી જ તકલીફ પડી હતી. શૂટિંગ સમયે તો નવા નવા હતા એટલે જોશમાં હું બોલી જતો હતો. જોકે, વર્ષો પછી તેમની સામે આ સંવાદ બોલી શકતો નહોતો. તેમના માટે આવા શબ્દો જ નીકળતા નહોતા. જોકે, તેમણે સમજાવ્યો હતો કે તું અરવિંદ ત્રિવેદીને ભૂલી જા અને માત્ર રાવણને યાદ કરીને સંવાદ બોલવાનું રાખ.'

ઈડર સ્થિત ઘરમાં મિત્ર મયંક સાથે અરવિંદ ત્રિવેદી
ઈડર સ્થિત ઘરમાં મિત્ર મયંક સાથે અરવિંદ ત્રિવેદી

દોઢ વર્ષ પહેલાં તેમના ઘરે ગયો હતો
વધુમાં સુનીલે કહ્યું હતું, 'દોઢેક વર્ષ પહેલાં હું તેમના ઘરે ગયો હતો. મેં વિચાર્યું હતું કે અડધા કલાકમાં આવી જઈશ, પરંતુ તેમની સાથે બે-અઢી કલાક પસાર કર્યા હતા. હજી 10 દિવસ પહેલાં જ મેં સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. તેમની ઈચ્છા હતી કે હું તેમને મળું. હું અને દીપિકા ચિખલિયા તેમને મળવા જવાનું પ્લાનિંગ કરતા હતા. અમે બેવાર પ્લાનિંગ કર્યું હતું. એકવાર દીપિકા વ્યસ્ત થઈ ગઈ અને બીજીવાર અરવિંદભાઈના ઘરે મહેમાન આવી ગયા હતા. આથી અમે મળી શક્યા નહીં. કાશ, હું તેમને છેલ્લીવાર મળી શક્યો હોત.'

અરવિંદ ત્રિવેદીએ 300 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું
અરવિંદ ત્રિવેદીએ 300 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું

ઊંઘમાં જ અવસાન થયું
સુનીલે છેલ્લે વાત કરતાં કહ્યું હતું, 'તેમને ત્રણ દીકરીઓ છે. એક દીકરી શ્વેતા અમેરિકામાં રહે છે. બાકીની બે દીકરીઓ કવિતા તથા એકતા કાંદિવલીમાં અરવિંદજીના ઘરની બાજુમાં રહે છે. આજે તેમની એક દીકરીને મળ્યો હતો. તેણે કહ્યું હતું, 'પપ્પા બહુ શાંતિથી ગયા. અમે બંને બહેનો (કવિતા-એકતા)એ તેમનો હાથ પકડ્યો હતો અને અમારી સાથે વાત કરતા હતા. તેમણે અમને પૂછ્યું હતું કે કંઈક પૂછવું હોય તો પૂછી લો. તમને બંનેને મારા આશીર્વાદ છે.' આમ કહેતાં કહેતાં તે ચૂપ થઈ જાય. અમને લાગ્યું કે તેમને ઊંઘ આવી ગઈ છે અને તે સૂઈ ગયા છે. હમણાં ઊઠી જશે. જોકે, જ્યારે અમે તેમને જગાડ્યા તો તેઓ ઊઠ્યાં જ નહીં, પછી અમે ચિંતામાં આવી ગયા હતા. અમે ડૉક્ટરને બોલાવ્યા હતા અને ડૉક્ટરે કહ્યું કે હવે તેઓ આ દુનિયામાં નથી.'