ઝઘડો ભુલ્યો સુનિલ:કપિલ શર્મા સાથેની નારાજગીના સવાલ પર સુનિલ ગ્રોવરે કહ્યું- એવું બની જ ન શકે, કારણકે તે ઘણા મજાકિયા માણસ છે

એક વર્ષ પહેલા

2017માં કપિલ શર્મા અને સુનિલ ગ્રોવરનો ઝઘડો ઘણો ચર્ચામાં રહ્યો હતો. ત્યાં સુધી વાત થવા લાગી હતી કે બંને એકબીજાનું મોઢું પણ જોવા નથી ઇચ્છતા. પણ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં, સુનિલે કહ્યું કે તે કપિલથી ક્યારેય નારાજ ન થઇ શકે કારણકે તે ઘણા મજાકિયા માણસ છે. સુનિલ પાસ્ટને ભૂલીને આગળ વધી ગયો છે. સુનિલના જણાવ્યા મુજબ તે કપિલને મળતો રહે છે.

સુનિલ અને કપિલની સ્ટોરી
સુનિલ પહેલીવાર 2014માં કપિલના શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ'માંથી બહાર નીકળ્યો અને પોતાનો શો લઈને આવ્યો હતો. જોકે, તે એટલો ફેમસ થઇ શક્યો નહીં અને તેણે કપિલના શો પર કમબેક કરી લીધું હતું. પણ ત્યારબાદ બંને વચ્ચે ઘણીવાર મતભેદ થયા. એક એવી ઘટના 2017માં થઇ હતી જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું. ત્યારે ઓસ્ટ્રેલિયાથી પરત ફરતી વખતે ફ્લાઇટમાં કપિલ નશાની સ્થિતિમાં સુનિલ સાથે ખરાબ વર્તન કર્યું અને મારપીટ કરતો દેખાયો હતો. આ ઘટનાએ સુનિલને શો છોડવા મજબૂર કર્યો હતો.

'તાંડવ'માં દેખાયો સુનિલ ગ્રોવર
આજકાલ 'તાંડવ'માં પોતાના કામને લઈને સુનિલ ગ્રોવરના ઘણા વખાણ થઇ રહ્યા છે, જે હાલમાં જ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઇ છે. જોકે હાલ તો તે વિવાદોમાં છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે હિન્દૂ લાગણીને હર્ટ કરે છે. જોકે, મેકર્સ વિવાદિત સીનને હવે બદલી નાખવાના છે.