પર્લ વી પુરી રેપ કેસ:પીડિત બાળકીના પિતાનું નિવેદન, જ્યારે હું ફી ભરવા સ્કૂલે ગયો તો તે ડરેલી હતી, દોડીને મારી પાસે આવી અને આપવીતી કહી

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પર્લ વી પુરીને અનેક સેલેબ્સે સપોર્ટ કર્યો હતો

'નાગિન 3' ફૅમ પર્લ વી પુરીના કેસમાં હવે પીડિત બાળકીના પિતાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે તેમની દીકરી સાથે જે થયું, તેને લગ્ન અંગે ચાલતા વિવાદ સાથે કોઈ લેવા દેવા નથી. 4 જૂનના રોજ બાળકીના રેપ કેસમાં વાલિવ પોલીસ સ્ટેશને પર્લ વી પુરીની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર પોક્સ એક્ટ હેઠળ કેસ કરવામાં આવ્યો છે. હાલમાં જ એક્ટ્રેસ દિવ્યા ખોસલાએ દાવો કર્યો હતો કે પત્ની સાથે ચાલતા વિવાદને કારણે બાળકીના પિતાએ પર્લ વી પુરીને ખોટા કેસમાં ફસાયો છે.

પર્લ વી પુરી હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે
પર્લ વી પુરી હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે

બાળકીના પિતાના વકીલ આશીષ એ દુબેએ સ્ટેટમેન્ટ રિલીઝ કરતાં કહ્યું હતું, 'હું એડવોકેટ આશીષ એ દુબે પાંચ વર્ષીય પીડિતાના પિતાનો વકીલ તથા મારા ક્લાયન્ટ તરફથી સત્તાવાર નિવેદન રિલીઝ કરું છું. બાળકી પાંચ વર્ષની છે અને છેલ્લાં પાંચ મહિનાથી માતાની કસ્ટડીમાં હતી. આ પાંચ મહિનામાં પિતા સાથે તેનો કોઈ સંપર્ક નહોતો. એક દિવસ જ્યારે પિતા ફી ભરવા માટે સ્કૂલ ગયા તો બાળકી દોડીને તેની પાસે આવી ગઈ અને બોલી કે તે ઘણી જ ડરેલી છે અને તેમની સાથે આવવા માગે છે.

બાળકીના ચહેરાનો ડર જોઈને પિતા તેને ઘરે લઈ આવ્યા. ત્યાં ગયા બાદ બાળકીએ આપવીતી સંભળાવી. પિતાએ તરત જ પોલીસને ફોન કર્યો અને નાયર હોસ્પિટલમાં બાળકીની મેડિકલ તપાસ કરાવી. તપાસ બાદ એ વાતની પુષ્ટિ થઈ ગઈ કે બાળકી જે બોલે છે, તે સત્ય છે. બાળકીએ આરોપીનું સ્ક્રીન નેમ રણબીર કહ્યું હતું. પિતા સિરિયલ જોતા નથી અને તેથી જ તેમને આ અંગે કંઈ જ ખબર નહોતી. તપાસમાં એ વાત સામે આવી કે રણબીર તો એક્ટરનું સ્ક્રીન નામ છે અને તેનું અસલી નામ પર્લ વી પુરી છે.

બાળકીને અલગ અલગ એક્ટર્સની તસવીર બતાવવામાં આવી અને જ્યારે રણબીર (પર્લ પુરી)ની તસવીર સામે આવે તો તેણે તરત જ આરોપીને ઓળખી કાઢ્યો હતો. પોલીસે બાળકી સાથે વાત કરી હતી. ત્યાં સુધી તેને મેજિસ્ટ્રેટને એકલામાં મળવાનું તથા નિવેદન આપવાનું પણ કહેવામાં આવ્યું હતું. મેજિસ્ટ્રેટની સામે પણ બાળકીએ તે જ વાત કહી હતી અને તે વ્યક્તિની ઓળખ કરી હતી. બાળકીએ મેજિસ્ટ્રેટને એમ પણ કહ્યું હતું કે તે ઘટના અંગે તેણે માતાને વાત કરી હતી અને માતાએ રણબીરને ધમકાવ્યો પણ હતો.'

વકીલને ક્લાયન્ટ તરફથી કેટલાંક સવાલો ઉઠાવ્યા

  1. વકીલે આગળ કહ્યું હતું, 'હું મારા ક્લાયન્ટ તરફથી અન્ય કેટલીક વાતો કહેવા માગું છું, કારણ કે સો.મીડિયામાં તેમના અંગે અનેક ખોટી વાતો કહેવામાં આવી રહી છે.'
  2. બાળકી પિતા પાસે મદદ માગવા આવી હતી, આથી એક જવાબદાર તથા પ્રેમાળ પિતાની જેમ મારા ક્લાયન્ટે દીકરીની સમસ્યા સમજી તથા તેને પોલીસ સ્ટેશન લઈને આવ્યા અને મેડકિલ ચેકઅપ પણ કરાવ્યો. શું આમ કરવું ખોટું કે ગુનો છે?
  3. મારા ક્લાયન્ટે કોઈનું નામ લીધું નથી. બાળકીએ જ આરોપીનું નામ લીધું છે.
  4. બાળકીએ ઘટના અંગે કહ્યું અને મેડિકલ તપાસમાં આની પુષ્ટિ થઈ કે તે સાચું બોલી રહી છે. આથી મારા ક્લાયન્ટ ક્યાં ખોટા છે? તપાસ દરમિયાન બાળકીની માતાને પણ નાયર હોસ્પિટલ બોલાવવામાં આવી હતી અને તે ત્યાં હાજર હતી. આખરે કેમ પાંચ વર્ષીય દીકરી ખોટું બોલે? મારા ક્લાયન્ટ તરફથી સો.મીડિયામાં તમામ પ્રભાવશાળી લોકોને મારો એક જ સવાલ છે કે શું પાંચ વર્ષની બાળકી આ રીતે ખોટા આરોપ લગાવશે. જો તમારી બાળકી સાથે આવું થયું હોય તો શું તમે આ નહીં કરો, જે મારા ક્લાયન્ટે કર્યું?
  5. તૂટેલા લગ્ન, ખરાબ સંબંધો, ખરાબ પતિ જેવા આરોપો વાસ્તવિક તથ્ય (બાળકી સાથે છેડછાડ થઈ)ને ખોટા બતાવવા માટે છે. લગ્ન ખરાબ હોય કે સારા, તેને બાળકી સાથે ઘટેલી ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. બાળકી સાચું બોલે છે અને મેડિકલ રિપોર્ટે આ વાતની પુષ્ટિ કરી છે. પછી આ ચર્ચા કેમ?
  6. ચર્ચા તો એ થવી જોઈએ કે પાંચ વર્ષની બાળકીની સાથે છેડતી થઈ અને રાક્ષસને સજા મળવી જોઈએ. બાકી કોઈ વાત જરૂરી નથી.
  7. જો પ્રભાવશાળી લોકો એક બાળકી સાથે થયેલા જઘન્ય ગુનાની ફરિયાદ પર આ હદે નફરત ફેલાવશે તો પછી પેરેન્ટ્સ પોતાના બાળકોના ન્યાય માટે કેમ લડે?
  8. સ્ટેટમેન્ટના અંતે કહેવામાં આવ્યું છે કે બાળકીના પિતા મધ્યમવર્ગીય છે અને તે પોતાના પર લાગેલા આક્ષેપોથી આહત છે. તેમણે અપીલ કરી છે કે તેમની દીકરી ખોટું બોલે છે, તેવા આક્ષેપ મૂકવામાં ના આવે.