ભાસ્કર એક્સક્લૂઝિવ:તારક મહેતા કા ઉલટા ચશ્માના નિર્માતા-કલાકારો સાથે ખાસ વાતચીત, ઘનશ્યામભાઈ માટે બે રોલ હતા, નટુકાકાની ગેરહાજરીને કારણે બાઘાની એન્ટ્રી થઈ

16 દિવસ પહેલાલેખક: યશપાલ બક્ષી

તારક મહેતા કા ઉલટા ચશ્મા...સિરિયલ એવી સિરિયલ છે, જે સ્ત્રીઓ કે બાળકો તો જુએ જ છે, પણ પુરુષોમાંય સૌથી વધારે જોવાતી સિરિયલ છે. આ સિરિયલનાં તમામ પાત્રો જાણે દરેક ઘરના સભ્ય બની ગયાં હોય, એવો માહોલ આ સિરિયલથી ઊભો થઈ ગયો છે. આ સિરિયલનું એક-એક પાત્ર એવું છે, જેની જગ્યાએ કોઈ બીજા અભિનેતા કે અભિનેત્રીની કલ્પના ના થઇ શકે. માનો કે નટુકાકા તો ઘનશ્યામ નાયક જ હોય. એના સિવાય કોઈ મનમાં બેસે નહીં. ગડા ઇલેટ્રોનિક્સની દુકાનનો સીન આવે ત્યારે નટુકાકા, બાઘા અને જેઠાલાલની ત્રિપુટી જોવા મળે જ. હવે આ ત્રિપુટી જોવા નહીં મળે. નટુકાકા વિદાય લઈને તેમના ચાહકોને આંચકો આપતા ગયા છે. નટુકાકા સાથે વર્ષોથી જે કલાકારો કામ કરે છે તે અને સિરિયલના નિર્માતા આસિતકુમાર મોદી શું કહે છે, આવો જાણીએ...

ઘનશ્યામભાઈ માટે બે રોલ હતા : આસિત મોદી
તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલના નિર્માતા આસિત મોદીએ દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે હું વડનગરનો રહેવાસી અને ઘનશ્યામભાઈ નજીકના ઊંઢાઈના વતની. ઘનશ્યામભાઈ મારા પિતાને ઓળખે. અમારા પારિવારિક સંબંધો ખરા. ઘનશ્યામભાઈ મારી સાથે 2001થી કામ કરે છે. યે દુનિયા હૈ રંગીન, સારથિ જેવી સિરિયલમાં તેમણે કામ કર્યું. પછી જ્યારે તારક મહેતા કા ઉલટા ચશ્માનું કાસ્ટિંગ ચાલતું હતું ત્યારે ઘનશ્યામભાઈને એક રોલ તો આપવાનો જ હતો. કાં તો જેઠાલાલની દુકાનમાં અથવા ગોકુલધામ સોસાયટીમાં. કઈ જગ્યાએ રોલ આપવો એની વિચારણા ચાલતી હતી. જેઠાલાલની દુકાનમાં નટુકાકા નામનું પાત્ર હતું. એ રોલ ઘનશ્યામભાઈને આપવો એવું અમે નક્કી કર્યું. કોઈપણ રોલ આપો, ઘનશ્યામભાઈ સહજભાવે તૈયાર રહેતા.

તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલના નિર્માતા આસિત મોદી.
તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલના નિર્માતા આસિત મોદી.

આસિતભાઈ કહે છે, ઘનશ્યામભાઈ અમારા સૌના વડીલ હતા. એ સતત આશીર્વાદ આપતા રહેતા કે આ શૉ ખૂબ સારી રીતે આગળ વધે. તેમણે તેમના જીવનમાં ખૂબ કામ કર્યું, પણ નટુકાકાના પાત્રથી તેમને અલગ ઓળખ મળી, તેમનાથી અત્યંત ખુશ હતા. આટલાં વર્ષોમાં તેમણે કોઈનું દિલ દુભાવ્યું નથી. એ ભલે સદેહે નથી, પણ તેમના આશીર્વાદ સતત વરસતા રહેશે.

પિતાની ઉંમરના મિત્ર હતા: જેઠાલાલ
ગડા ઇલેટ્રોનિક્સના માલિક જેઠાલાલ યાને અભિનેતા દિલીપ જોશી દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહે છે, ઘનશ્યામભાઈ જિંદાદિલ ઇન્સાન હતા. પોઝિટિવ હતા. ફાઈટર હતા. અમે સેટ પર કામ કરતા હોઈએ કે બ્રેકમાં સાથે બેઠાં હોઈએ ત્યારે અમને એવું લાગ્યું જ નથી કે અમારા પિતાની ઉંમરની વ્યક્તિ અમારી સાથે બેઠી છે. અમારી વાતોમાં ભળી જતા. અમારી સાથે મોજ-મસ્તી કરતા. મારા માટે પિતાની ઉંમરના મિત્ર હતા. મને તો ઘનશ્યામભાઈ પાસેથી ઘણું શીખવાનું મળ્યું છે. તેઓ જ્યારે ભવાઈ કરતા એ સમયે અમે નાના હતા અને જોવા જતા. હું તો માનું છું કે આપણે ભવાઇના કદાચ છેલ્લા કલાકાર પણ ગુમાવ્યા.

નટુકાકાએ જ બાઘાને જન્મ આપ્યો : તન્મય વેકરિયા
સિરિ​​​યલમાં બાઘાનું કિરદાર નિભાવતા તન્મય વેકરિયા દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહે છે, સાંજે ઘનશ્યામભાઈના દીકરા વિકાસનો મને ફોન આવ્યો અને મારું મગજ સુન્ન થઇ ગયું. હું સાચું માનવા તૈયાર જ નહોતો કે નટુકાકા આપણને છોડીને ચાલ્યા ગયા છે. હું ત્રણ દિવસ રાજકોટ હતો. પછી નાથદ્વારા ગયો અને હજુ ગઈકાલે જ મુંબઈ પહોંચ્યો પણ મને મલેરિયા થઈ ગયો છે. અતિશય નબળાઈ છે, હું નટુકાકાનાં અંતિમ દર્શન કરી શકીશ કે નહીં, એ નક્કી નથી.

તન્મય વેકરિયા વાત આગળ વધારતાં કહે છે, મને તો બહુ જ મોટી ખોટ સાલશે. અમારી જોડી તૂટી ગઈ. સાથે કામ તો કરતા જ, પણ શૂટિંગમાં સાથે જમતા. તેઓ ટિફિન લઇ આવે. નટુકાકા ભાખરી-શાક કે રોટલી-શાકનું સાદું ભોજન જ લેતા. અમે ક્યારેક નબળા પર્ફોર્મન્સને કારણે નિરાશ થઇ જઈએ તો એ કાયમ મોટિવેટ કરતા. તેમનો સરળ, સાલસ અને નિર્દોષ સ્વભાવ કાયમ યાદ આવશે. 2009માં ઘનશ્યામભાઈને હાર્ટ-એટેક આવ્યો અને તેમનું ઓપરેશન હતું. ગડા ઇલેક્ટ્રોનિક્સમાં નટુકાકા પાછા ના આવે ત્યાં સુધી કોણ? એટલે મને નટુકાકાના ભત્રીજા બાઘા તરીકે એન્ટ્રી મળી. પછી જ્યારે તેઓ પરત સેટ પર આવ્યા ત્યારે બાઘાના જવાનો સમય થઈ ગયો, પણ નટુકાકા અને બાઘાની જોડીને લોકોએ પસંદ કરી હતી. આમ જુઓ તો નટુકાકાની ગેરહાજરીને કારણે બાઘાનો પ્રવેશ થયો.

નોકરના રોલને સ્પાઈસી તડકો નાખીને ટેસ્ટી બનાવ્યો : દયાશંકર પાંડે
અમે છેલ્લું શૂટિંગ દમણમાં કર્યું હતું. એ મલાડમાં રહે અને હું બોરીવલીમાં રહું, એટલે શૂટિંગ પૂરું કરીને અમે દમણથી મુંબઈ એક જ કારમાં સાથે આવ્યા. રસ્તામાં તેમણે તેમના બ્લેક એન્ડ વ્હાઇટ જમાનાની વાતો કરી. તેમનામાં મેં ક્યારેય ગુસ્સો નહોતો જોયો. તેમનો અભિનય પણ એકદમ નેચરલ હતો. આ શબ્દો છે તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલમાં ઇન્સ્પેક્ટર ચા.લુ.પાંડેનો કિરદાર નિભાવતા અભિનેતા દયાશંકર પાંડેના.

તેઓ એ વાત આગળ વધારતાં કહે છે, ક્યારેક પોલીસ સ્ટેશનનો સીન હોય તો એમાં હું જેઠાલાલને ફસાવવા પ્રયાસ કરું અને નટુકાકા તેમના 'શેઠજી'ને બચાવવા પ્રયાસ કરે. પછી જ્યારે બ્રેક પડે ત્યારે હું મજાકમાં કહું, ઓ બુઢ્ઢે અંકલ, પુલીસ કે કામ મેં દખલ નહીં કરને કા.... ત્યારે એ પણ મજાકમાં કહેતા, ઇન્સ્પેક્ટર સાબ, અગર મૈ દખલ નહીં કરૂંગા તો શેઠજી મેરી પગાર કાટ લેંગે! આવું બધું પણ ઑફ સ્ક્રીન ચાલતું. દયાશંકર પાંડે કહે છે, નોકરના રોલ તો ઘણા કલાકારોએ કર્યા છે, પણ ઘનશ્યામભાઈએ નોકરના રોલમાં પણ સ્પાઈસી તડકો નાખીને ટેસ્ટી બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...