'ભાભીજી ઘર પર હૈ' ફૅમ અમ્માજીનું દુઃખ:'લોકોને લાગે છે કે માત્ર 'તારક મહેતા..'ના કલાકારો જ ગુજરાતી છે, પણ હુંય ગુજરાતી છું'

મુંબઈ5 મહિનો પહેલાલેખક: ઉમેશ કુમાર ઉપાધ્યાય
  • સોમા રાઠોડે કહ્યું, હું કચ્છના માધવપુર ગામની છું

ટીવી શો 'ભાભીજી ઘર પર હૈ'ની અમ્માજી એટલે કે સોમા રાઠોડે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં ઘણો જ સંઘર્ષ કર્યો છે. સોમાએ આ સિરિયલ ઉપરાંત 'લાપતાગંજ', 'મે આઇ કમિંગ મેડમ', 'જીજાજી છત પર હૈ', 'નીલી છતરીવાલે' જેવી સિરિયલમાં પણ કામ કર્યું છે. સોમા માત્ર 37 વર્ષની છે, જોકે તેનું સપનું છે કે તે ટીવી ને ફિલ્મમાં માત્ર માતાના રોલ જ કરે. ઘણા ઓછા લોકોને ખ્યાલ છે કે સોમા ગુજરાતી છે. તે ગુજરાતી રોલ ભજવવા ઉત્સુક છે. સોમાએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી.

100 રૂપિયામાં ગુજરાન ચલાવતી
સંઘર્ષના દિવસો મારા માટે ઘણા જ મુશ્કેલ હતા. મારી પાસે પૈસા નહોતા. રોજ 100 રૂપિયા લઈને ઘરેથી નીકળતી. આ 100 રૂપિયામાં ખાવા-પીવાનું તથા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ કાઢતી. ઘણીવાર તો ભાડાના પૈસા પણ રહેતા નહિ. કામની શોધમાં ભૂખી-તરસી આખો દિવસ અંધેરીમાં ફરતી હતી. સવારે ઘરેથી નીકળીને બોરીવલી સ્ટેશન આવતી. અહીંથી ટ્રેન પકડીને અંધેરી આવતી. અંધેરીમાં ત્રણ રૂપિયાનું લીંબુ-પાણી પીતી. આખો દિવસ ફોટો, ઓડિશન કે મીટિંગ માટે આમથી તેમ જતી. આ રીતે રાતના 7-8 વાગી જતા. અંધેરી સ્ટેશનથી આવીને ફરી ત્રણ રૂપિયાનું લીંબુ-પાણી પીતી. ઘરે આવીને જમતી હતી.

કો-ઓર્ડિનેટર સારો મળ્યો
સંઘર્ષના દિવસોમાં આત્મવિશ્વાસ ટકાવી રાખ્યો હતો. બાકી એક મિત્ર નઈમ શેખ હતો. તેમણે એક સારું સજેશન આપ્યું હતું. તેઓ શોખ ખાતર 'ક્રાઇમ પેટ્રોલ', 'CID' જેવા શો કરતા હતા. ડેલી સોપ નહોતા કરતા, કારણ કે તેમની પર્ફ્યૂમની ફેક્ટરી હતી. તે ત્યાં વધુ વ્યસ્ત રહેતા. તેમણે મને બહુ જ ગાઇડ કરી હતી. તેમને કારણે જ યોગ્ય લોકોનો સંપર્ક થઈ શક્યો અને સારો કો-ઓર્ડિનેટર મળ્યો. ક્યાંય પણ જતા ડર લાગતો તો તેઓ સાથે આવતા. ક્યારેક અંધેરીમાં મળી જતા તો જમાડી પણ દેતા હતા. આમ કરીને મારી મદદ કરતા હતા.

હેલ્ધી કહીને રોલ નહોતા આપતા
સ્ટ્રગલના દિવસોમાં અનેકવાર એવું થતું કે લોકો કહેતા કે તમે થોડા જાડા છો, અમારે પાતળા લોકો જોઈએ. અનેકવાર લોકો કહેતા કે તમે વધુપડતાં મેદસ્વી છો. તમે વધુપડતાં જાડાં નથી. હું ના બહુ વધારે જાડી હતી કે ના બહુ પાતળી હતી. લોકોની આવી વાતો સાંભળી છે.

હેલ્થી યુવતી-યુવકોને શું સલાહ આપશો?
હું તેમને કહેવા માગું છું કે જો તમને કોઈ આમ કહે તો તમે આવું ક્યારેય ના વિચારો. તમે એમ વિચારો બીજા કરતાં તમને વધુ જગ્યા મળે છે. તમે સ્ટ્રોંગ રહો અને બેફિકર બનો. દુનિયાનું શું છે, તે તો બોલતી રહેશે. તેમનું મોં બંધ કરી ના શકીએ, પરંતુ બિનધાસ્ત થઈને જીવન જીવવું જોઈએ.

હેલ્ધી હોવાને કારણે સંઘર્ષ કરવો પડ્યો
જો અમારા જેવા હેલ્થી લોકો હોય છે, તેમને મિત્રો, સંબંધીઓ, સ્કૂલમાં લોકો કહેતા હોય છે, 'એ જાડી અહિયા આવ.' જો થોડા વધુ હેલ્ધી દેખાઈએ તો કોઈપણ ઊભા થઈને સીધા આવશે ને કહેશે કે ભાત ખાવાનું બંધ કર. થોડું ચાલવાનું રાખ, સલાડ ખાવાનું ચાલુ કર. પૂછ્યા વગર સલાહ આપશે. એવું લાગે કે અમે તો સલાહ લેવા જ જન્મ્યા છીએ. લોકોના એટિટ્યૂડથી દુઃખ પહોંચે છે. અમને એમ ના કહેવામાં આવતું હોય કે આ દુનિયા તમારા માટે છે જ નહીં. રોજ આવી વાતોનો સામનો કરવો પડે છે. હું બહુ જ હિંમતવાળી છું, આથી મેં નક્કી કર્યું હતું કે કોઈને પણ મારી મજાક ઉડાવવા દઈશ નહીં. મેં મારી સ્થૂળતાની મજાક જાતે જ ઉડાવી. મેં વિચાર્યું કે હું જાતે જ મજાક કરીશ, તો સામેની વ્યક્તિ કેવી રીતે ઉડાવશે? મારો આ જ એટિટ્યૂડ રહ્યો છે, પરંતુ અનેક લોકો ઇમોશનલ હોય છે. તે આ બધું સહન કરી શકતા નથી. તેઓ લોકોને હળવા-મળવાનું બંધ કરી દે છે. એકલા પડી જાય છે. તેમનામાં હીન ભાવના આવી જાય છે અને ડિપ્રેશનમાં સરી પડે છે. આ પ્રકારની વાતોથી અમારે કેટલું સહન કરવું પડે છે, તેનો અંદાજો કોઈને હોતો નથી.

ઇન્ડસ્ટ્રીની માતા બનવું છે
હું હંમેશાંથી ફિલ્મમાં કામ કરવા માગતી હતી. મારે ઇન્ડસ્ટ્રીની મધર બનવું છે. ઇન્ડસ્ટ્રીમાં જેટલી પણ ફિલ્મ બને એમાં માતા કાસ્ટિંગમાં મને લેવામાં આવે. મધરના રોલમાં મારું નામ જ હોવું જોઈએ. પછી તે શાહરુખની ફિલ્મ હોય કે સલમાનની. આજકાલ તો એક્ટર-એક્ટ્રેસ તો બધા બને છે, પરંતુ હું માતા જ બનીશ. આ મારું સપનું છે. હું છેલ્લાં 10-12 વર્ષથી સિરિયલ કરું છું, હવે ફિલ્મ કરવા માગું છું. નેગેટિવ, ઇમોશનલ તથા સ્ટ્રોંગ કેરેક્ટર પ્લે કરવા છે. હું દુનિયામાં રહું કે ના રહું, પણ જ્યારે મારું નામ લેવામાં આવે ત્યારે લોકોના ચહેરા પર હાસ્ય આવી જવું જોઈએ.

ગુજરાતી હોવા છતાંય ગુજરાતથી કોઈ રોલ ઑફર થયા નથી
એવું છે કે ગુજરાતના મોટા ભાગના લોકોને ખ્યાલ જ નથી કે હું ગુજરાતી છે. લોકોને લાગે છે કે 'તારક મહેતા...'ના કલાકારો જ ખાલી ગુજરાતી છે. મને કેટલાક લોકો ઉત્તરપ્રદેશની તો કેટલાક બંગાળી સમજે છે, પરંતુ હું ગુજરાતી છું. આ જ કારણ છે કે મને આજ સુધી ગુજરાતમાંથી કોઈ ઑફર આવી નથી. આ મારા માટે માઇનસ પોઇન્ટ છે. હું ગુજરાતમાં કચ્છ-ભુજમાં આવેલા માધવપુર ગામની છું. બિઝી શિડ્યૂલને કારણે ગુજરાત જવાનું થતું નથી, પરંતુ મારા અનેક સંબંધીઓ ત્યાં રહે છે.

અન્ય સમાચારો પણ છે...