તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

KRKનો ચોંકાવનારો દાવો:'સિદ્ધાર્થ શુક્લાનો ચહેરો કદાચ લાલ-પીળો કે કાળો પડી ગયો હશે અને તેથી જ પરિવારે અંતિમસંસ્કાર દરમિયાન ના બતાવ્યો'

મુંબઈ15 દિવસ પહેલા
  • KRKએ એમ પણ કહ્યું હતું કે શા માટે સિદ્ધાર્થના અંતિમસંસ્કારમાં તેની મમ્મી રીટા શુક્લા રડ્યાં નહોતાં

ટીવીના સુપરસ્ટાર સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરે હાર્ટ-અટેકને કારણે મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે. માત્ર 40ની ઉંમરમાં સિદ્ધાર્થનું અવસાન થતાં માત્ર ચાહકો જ નહીં, સેલેબ્સ પણ ઘેરા આઘાતમાં છે. સિદ્ધાર્થના અંતિમસંસ્કાર બીજા દિવસે એટલે કે 3 સપ્ટેમ્બરના રોજ ઓશિવારા સ્મશાનઘાટમાં કરવામાં આવ્યા હતા. સિદ્ધાર્થ શુક્લાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી અને તેથી જ હવે ફોરેન્સિક લેબના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. સિદ્ધાર્થ શુક્લાના અંતિમસંસ્કાર તથા તેના મોત સાથે જોડાયેલાં કેટલાંક રહસ્યો અંગે ફિલ્મ પ્રોડ્યુસર તથા ફિલ્મ ક્રિટિક કમાલ આર. ખાન (KRK)એ વાત કરી હતી. KRKએ સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તેણે કહ્યું હતું કે સિદ્ધાર્થનો ચહેરો શા માટે બતાવવામાં ના આવ્યો અને કેમ સિદ્ધાર્થની મમ્મી રીટા શુક્લાની આંખમાંથી આંસુ ના આવ્યાં.

KRKની જુબાની સિદ્ધાર્થ શુક્લાની વાત....

શૅર કરેલા વીડિયોમાં KRK શરૂઆતમાં કહે છે, 'સિદ્ધાર્થ શુક્લાનું ઘર બિલ્ડિંગમાં 12મા માળે છે. આ જ ઘરમાં શેહનાઝ તથા રીટા શુક્લા બંને રહે છે. 'બિગ બોસ'માં સિદ્ધાર્થની સાથે જોવા મળેલો તથા ખાસ મિત્ર જ્યારે એક્ટરના ઘરે ગયો ત્યારે સિદ્ધાર્થની મમ્મી રીટા શુક્લાએ મૃત્યુ પહેલાંના ઘટનાક્રમની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સિદ્ધાર્થ 8-8.30એ ઘરે આવ્યો નહોતો. તે અંદાજે 10-11 વાગે ઘરે આવ્યો હતો. સિદ્ધાર્થ ક્યારેય બહાર જમતો નહોતો, હંમેશાં ઘરે જ ભોજન લેતો હતો. જોકે એ દિવસે ઘરે જમ્યો નહીં. તેણે મમ્મીને એમ કહ્યું હતું કે તેને બેચેની જેવું થાય છે અને તેથી જ તે જમશે નહીં. તેણે ઠંડું પાણી તથા આઇસક્રીમ લીધો હતો. ત્યાર બાદ કેટલીક દવા લીધી હતી. પછી તે સૂઈ ગયો હતો.'

શેહનાઝે કહેલી વાત સાચી
'શેહનાઝે જે પણ કહ્યું છે એ સાચું જ કહ્યું છે. સિદ્ધાર્થને જ્યારે બેચેની જેવું લાગતું હતું ત્યારે તેણે શેહનાઝને કમર થપથપાવાનું કહ્યું હતું. શેહનાઝના ખોળામાં માથું મૂકીને સિદ્ધાર્થ સૂઈ ગયો હતો. ત્યાર બાદ બંને સૂઈ ગયાં હતાં. રાતના ત્રણ વાગે ફરી એકવાર સિદ્ધાર્થ ઊઠ્યો હતો અને તેણે બેચેની લાગતી હોવાની વાત કહી હતી. શેહનાઝે ઠંડું પાણી આપ્યું હતું અને પાણી પીને ફરી એકવાર સિદ્ધાર્થ પ્રેમિકાના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો હતો.'

શેહનાઝે મમ્મીના નામની બૂમ પાડી
'જ્યારે સવારે શેહનાઝની આંખ ખૂલી અને તેણે સિદ્ધાર્થને ઉઠાડવાનો પ્રયાસ કર્યો તે ઊઠ્યો નહીં. શેહનાઝને ખ્યાલ આવ્યો કે સિદ્ધાર્થનું શરીર ઠંડું પડી ગયું છે અને તે કંઈ જ રિસ્પોન્સ આપતું નથી. તેણે તરત જ સિદ્ધાર્થની મમ્મીના નામની બૂમ પાડીને તેમને બોલાવ્યાં હતાં.'

સિદ્ધાર્થે શેહનાઝની વાત ના માની
KRKએ આગળ કહ્યું હતું, 'સિદ્ધાર્થ સાંજે કોને મળ્યો હતો એ કોઈને ખબર નથી. તેણે મીટિંગ કરી હતી કે પાર્ટી કરી હતી એ પણ કોઈના ધ્યાનમાં નથી. સિદ્ધાર્થ ત્યાં શું જમ્યો હતો અને તેણે ત્યાં શું લીધું એ પણ કોઈને ખ્યાલ નથી. સાંજે સિદ્ધાર્થ જ્યાં પણ ગયો હતો એ મીટિંગમાં ગયો કે પછી પાર્ટી કરવા ગયો ત્યાં તે એવું જરૂરથી જમ્યો હશે કે પછી તેણે એવું કંઈ પીધું હશે, જેનાથી તેની તબિયત બગડી હતી અને સવાર સુધી જીવતો ના રહ્યો.'

'સિદ્ધાર્થે જ્યારે બેચેની થતી હોવાની ફરિયાદ કરી હતી ત્યારે શેહનાઝે ઘણી જ વિનંતી કરી હતી કે તે ડૉક્ટર પાસે જાય. જોકે સિદ્ધાર્થે ડૉક્ટર પાસે જવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. શેહનાઝના મતે, સિદ્ધાર્થ ઘણો જ જિદ્દી હતો અને તે માન્યો નહીં. જો સિદ્ધાર્થે તેની વાત માની લીધી હોત અને તેઓ ડૉક્ટર પાસે ગયા હોત તો આજે સિદ્ધાર્થ જીવતો હોત.'

રીટા શુક્લા ઘણાં જ આધ્યાત્મિક છે
'સિદ્ધાર્થના તે ગાઢ મિત્રે જ્યારે રીટા શુક્લાને એમ કહ્યું કે તે કૂપર હોસ્પિટલ જાય છે ત્યારે સિદ્ધાર્થની મમ્મીએ એવો જવાબ આપ્યો હતો, 'બેટા, ત્યાં જઈને શું કરીશ. ત્યાં તો કંઈ જ નથી. ત્યાં તો માત્ર સિદ્ધાર્થની બૉડી પડી છે. ત્યાં બીજું કંઈ જ નથી. તે તો જતો રહ્યો છે. તેને જ્યાં જવાનું હતું ત્યાં જતો રહ્યો.' રીટા શુક્લાની આ વાતો સાંભળ્યા બાદ તમે સમજી શકો છો કે તેઓ કેટલાં આધ્યાત્મિક છે. આ વાત વિશે તમામ લોકો કહી રહ્યા છે કે સિદ્ધાર્થની મમ્મી સહેજ પણ રડ્યાં નહોતા. તેઓ એકદમ શાંત હતાં, કારણ કે તેઓબહુ જ આધ્યાત્મિક છે. તેમને પૂરો વિશ્વાસ હતો કે આવું જ કંઈક થશે અને આવું જ થયું.'

કોઈને ચહેરો ના બતાવ્યો
'પરિવારે કોઈને પણ સિદ્ધાર્થનો ચહેરો બતાવ્યો નહોતો. સિદ્ધાર્થના નિકટના મિત્રો તથા 'બિગ બોસ'ના સાથીઓએ પરિવારને ઘણી જ વિનંતી કરી હતી કે તેઓ સિદ્ધાર્થને છેલ્લીવાર જોવા દે. જોકે પરિવાર માન્યો નહોતો. પરિવારે એવું બહાનું બનાવ્યું કે કોઈ સિદ્ધાર્થના ચહેરાનો ફોટો ક્લિક કરીને લીક કરશે. જોકે મિત્રોએ એમ પણ કહ્યું હતું કે તેમની પાસે કેમેરો નથી અને માત્ર એક સેકન્ડ માટે ચહેરો જોવા દેવામાં આવે, પણ પરિવાર માન્યો નહોતો અને કોઈને પણ ચહેરો બતાવ્યો નહોતો. હું ગેરંટીની સાથે તો નથી કહેતો, પરંતુ જે લોકો ત્યાં ગયા હતા તેમને એવું કહેવું હતું કે બની શકે કે સિદ્ધાર્થનો ચહેરો લાલ, પીળો કે કાળો પડી ગયો હશે અને તેથી જ પરિવારે ચહેરો બતાવ્યો નહીં. હું સાચો છું કે ખોટો એ હું કહી ના શકું, કારણ કે હું ત્યાં નહોતો, પણ મને પણ એવું જ લાગે છે કે આવું જ કંઈક કારણ રહ્યું હશે, નહીંતર ચહેરો ના બતાવવા માટેનું અન્ય કોઈ કારણ નથી.'