ફિટનેસ પાછળ ક્રેઝી હતો:2014માં સિદ્ધાર્થ શુક્લાએ સૌથી ફિટ એક્ટરનો અવોર્ડ જીત્યો હતો, દવાની સાઇડ ઇફેક્ટથી વજન વધ્યું, હવે હાર્ટ-અટેકથી મોત

મુંબઈ2 મહિનો પહેલા
  • સિદ્ધાર્થ દારૂની લત છોડાવવા માટે બે વર્ષ સુધી રિહેબ સેન્ટરમાં રહ્યો હતો

હાલમાં જ 'બ્રોકન બટ બ્યુટિફુલ'ની ત્રીજી સીઝનમાં જોવા મળેલો સિદ્ધાર્થ શુક્લા ફિટનેસ અંગે ઘણો જ સજાગ હતો. એક્ટરનું હાર્ટ-અટેકથી મૃત્યુ થયા હોવાની સમાચારથી માત્ર ચાહકો જ નહીં, પરંતુ સેલેબ્સ પણ આઘાતમાં છે. સિદ્ધાર્થ હાલમાં વજન ઓછું કરવા માટે ઘણી જ મહેનત કરતો હતો.

2014માં સૌથી ફિટ એક્ટર બન્યો હતો
સિદ્ધાર્થે મોડલિંગમાંથી ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં આવ્યો હતો. સિદ્ધાર્થ ઘણો જ યંગ તથા ફિટ હતો. ટીવી શો 'બાબુલ કા આંગન છૂટે ના' તથા 'બાલિકા વધુ' જેવા શો દરમિયાન સિદ્ધાર્થની સ્લિમ બોડી જોવા મળી હતી. 2014માં સિદ્ધાર્થને સૌથી ફિટ એક્ટરનો ઝી ગોલ્ડ અવોર્ડ મળ્યો હતો. તેને 2015માં 'વેલનેસ આઇકન ઓફ ધ યર'નો જિયોસ્પા એશિયાસ્પા ઇન્ડિયા અવોર્ડ મળ્યો હતો. 2012માં ફિઝિકલ ફિટનેસ માટે સિદ્ધાર્થને સિંથ ગ્લોબલ સ્પા ફિટ એન્ડ ફેબ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

દારૂની લતથી છુટકારો મેળવીને કમબેક કર્યું
2017માં 'દિલ સે દિલ તક'ના શૂટિંગ દરમિયાન સિદ્ધાર્થ અનેક લોકો સાથે ઝઘડતો હોવાના સમાચાર વહેતા થયા હતા. એ સમયે એમ પણ કહેવાતું હતું કે તેને દારૂની લત લાગી છે. ત્યાર બાદ એક્ટરનું વજન પણ વધી ગયું હતું અને તે લાઇમલાઇટથી દૂર થયો હતો. 'બિગ બોસ 13'માં હિન્દુસ્તાની ભાઉ તથા રશ્મિ દેસાઈએ પણ કહ્યું હતું કે સિદ્ધાર્થને દારૂની લત હતી અને તે બે વર્ષ સુધી રિહેબ સેન્ટરમાં રહ્યો હતો.

હેલ્થી લાઇફસ્ટાઇલ જીવતો હતો
વિવાદમાં રહ્યા બાદ સિદ્ધાર્થે 2019માં 'બિગ બોસ 13'ની ટ્રોફી જીતી હતી. શો દરમિયાન સિદ્ધાર્થ રોજ વર્કઆઉટ કરતો હતો અને હેલ્થી ડાયટ ફોલો કરતો હતો. શોમાંથી બહાર આવ્યા બાદ એક્ટરે ફરી ફિટ બોડી હાંસલ કરી હતી.

હાલમાં જ એક્ટરનું ડેઇલી રૂટિન સામે આવ્યું હતું. સિદ્ધાર્થ ફિટનેસ ફ્રિક હતો અને તે રોજ જિમમાં જતો હતો. તે બ્રેકફાસ્ટમાં એગ્સ તથા હાઇ પ્રોટીન ડાયટ માટે ચિકન લેતો હતો. તે સવારે જલદી ઊઠી જતો હતો. સિદ્ધાર્થ ચીટ ડે બાદ વર્કઆઉટ વધુ કરીને ડાયટ બેલેન્સ કરતો હતો. તેને મમ્મીના હાથની રસોઈ વધુ પસંદ હતી.

દવાની સાઇડ ઇફેક્ટને કારણે વજન વધ્યું
સિદ્ધાર્થની 10 ઓગસ્ટની સો.મીડિયા પોસ્ટ વાઇરલ થઈ છે. આ પોસ્ટમાં એક ચાહકે સિદ્ધાર્થને ફિઝિકલ ફિટનેસ પર ધ્યાન આપવાનું કહ્યું છે.

તેના જવાબમાં એક્ટરે કહ્યું હતું, 'હા ભાઈ, આપી રહ્યો છું. દવાઓ લઈ રહ્યો હતો, જેની સાઇડ ઇફેક્ટથી વજન વધ્યું છે. થઈ જઈશ ફિટ, ચિંતા કરવા માટે આભાર.'