એક્ટરનું મૃત્યુ:'ડૉક્ટરે ના પાડી હોવા છતાં સિદ્ધાર્થ શુક્લા વધુ પડતું વર્કઆઉટ કરતો હતો, સૂવાનો ટાઇમ પણ ફિક્સ નહોતો'

મુંબઈ2 મહિનો પહેલા
  • CINTAAના પૂર્વ મેમ્બરનો દાવો, સિદ્ધાર્થ શુક્લા હાઇ પ્રોટિન ડાયટ પર હતો.
  • જિમ ટ્રેનર સોનુએ કહ્યું હતું, સિદ્ધાર્થે કોરોનાની વેક્સિન લીધી નહોતી.

40ની ઉંમરમાં સિદ્ધાર્થ શુક્લાનું મૃત્યુ થતાં ચાહકો જ નહીં પરંતુ સેલેબ્સને પણ આંચકો લાગ્યો છે. હાલમાં જ દિવ્યભાસ્કરે સિદ્ધાર્થ શુક્લાના જિમ ટ્રેનર સોનુ ચૌરસિયા સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે સિદ્ધાર્થે ક્યારેય સ્ટેરોઇડ લેતો નહોતો.

દોઢ મહિના પહેલાં પડી ગયો હતો
સોનુ ચૌરસિયાએ કહ્યું હતું કે દોઢ મહિના પહેલાં તે પડી ગયો અને તેનો પગ મચકોડાઈ ગયો હતો. તેની સારવાર કોકિલાબેન હોસ્પિટલમાં ચાલતી હતી. જિમ બંધ હતું. તે ઊભો રહી શકતો નહોતો. આથી જ ડૉક્ટરે તેને એન્ટિ બાયોટિક દવાઓ આપી હતી. વધુ મૂવમેન્ટ કરવાની ના પાડી હતી. વર્કઆઉટ કરવાની ના નહોતી પાડી. ઠીક થઈ ગયા બાદ ડૉક્ટરે બીજીવાર બતાવવાનું કહ્યું હતું. સિદ્ધાર્થ જાતે જ ડ્રાઇવ કરતો હતો. જોકે, આ ઘટના બાદ તેણે ડ્રાઇવર રાખ્યો હતો. સિદ્ધાર્થે રનિંગ બંધ કરી દીધું હતું, પરંતુ વર્કઆઉટ કરતો હતો.

ડૉક્ટર્સે વર્કઆઉટ ઓછું કરવાનું કહ્યું હતું
ડૉક્ટરે સિદ્ધાર્થને વધુ પડતું વર્કઆઉટ કરવાની ના પાડી હતી. સૂત્રોના મતે, સિદ્ધાર્થ રોજ ત્રણ કલાક વર્કઆઉટ કરતો હતો. આથી જ ડૉક્ટરે વર્કઆઉટ ટાઇમ ઘટાડવાની સલાહ આપી હતી. જોકે, તેણે ડૉક્ટરની વાત માની નહોતી અને વર્કઆઉટ ટાઇમ ઘટાડ્યો નહોતો.

2014થી ટ્રેનર છે
ઉલ્લેખનીય છે કે 2014માં સિદ્ધાર્થે 'હમ્પટી શર્મા કી દુલ્હનિયા'માં કામ કર્યું હતું. ત્યારથી જ સોનુ એક્ટર સિદ્ધાર્થનો જિમ ટ્રેનર હતો. જોકે, છેલ્લાં પાંચ દિવસથી સોનુ ભોપાલમાં હોવાથી તે સિદ્ધાર્થના સંપર્કમાં નહોતો. સોનુના મતે, સિદ્ધાર્થે મસલ્સ બનાવવા માટે ક્યારેય શોર્ટ કટ અપનાવ્યો નથી. તે પનીર ખાતો હતો. તે ઘણો જ સ્ટ્રોંગ હતો. તે જેનેટિકલી મજૂબત હતો. તેણે ક્યારેય સ્ટેરોઇડ લીધું નથી.

વેક્સિન નહોતી લીધી
સિદ્ધાર્થે કોરોનાની વેક્સિન લગાવી નહોતી. સોનુએ કહ્યું હતું કે તેણે ઘણીવાર સિદ્ધાર્થને વેક્સિન લગાવવાનું કહ્યું હતું, પરંતુ તે હસીને આ વાત ટાળી દેતો હતો. તેણે એવું કારણ આપ્યું હતું કે તે ક્યાંય બહાર જતો નથી અને જ્યારે તેનું આઉટડોર શૂટ હશે ત્યારે તે વેક્સિન લેશે.

સિદ્ધાર્થની કેટલીક આદતો ખરાબ હતી
વેબ પોર્ટલ આજતકના અહેવાલ પ્રમાણે, CINTAA (સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશન)ના પૂર્વ સભ્યે સિદ્ધાર્થ શુક્લાના ડાયટ અંગે ઘટસ્ફોટ કર્યો હતો. આ પૂર્વ સભ્યના મતે, સિદ્ધાર્થની ગણના ભલે ટોપ એક્ટરમાં થાય, પરંતુ તેની કેટલીક આદતો સ્વાસ્થ્યની દૃષ્ટિથી ઘણી જ ખોટી હતી. તે મોટાભાગે હાઇ પ્રોટિન ડાયટ પર રહેતો હતો. આ ઉપરાંત તેણે માત્ર પોતાની બૉડી પર જ કામ કર્યું, વધુ પડતાં વર્કઆઉટને કારણે તેણે પોતાની ઇનર એનર્જી ગુમાવી દીધી હતી. તેને અનિયમિત સૂવાની આદત હતી. આ જ કારણે તે ઘણો જ ગુસ્સાવાળો તથા ચીડિયા સ્વભાવનો થઈ ગયો હતો.