શો ઑફ એર:'શૌર્ય કી અનોખી કહાની'થી લઈને 'નમક ઇશ્ક કા' સહિતના શો એક વર્ષ પણ ના ચાલ્યા, કોઈ 2 મહિના તો કોઈ માત્ર 21 દિવસમાં બંધ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2020-2021નો સમય બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રી માટે સૌથી ખરાબ
  • આ વર્ષમાં ઘણાં ટીવી શો બંધ થયા, પ્રોડ્યૂસર્સને ભારે નુકસાન

કોરોનાવાઇરસે બોલિવૂડની સાથે સાથે ટીવી ઇન્ડસ્ટ્રીને પણ ઘણું નુકસાન પહોંચાડ્યું છે. વર્ષ 2020 ટીવી તથા બોલિવૂડે જેમ તેમ કરીને પસાર કર્યું હતું. 2020ના અંતમાં લાગતું હતું કે હવે કોરોના જશે, પરંતુ કોરોનાની બીજી લહેરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીને હતું કે તેઓ 2020નું નુકસાન 2021માં ભરપાઈ કરી શકશે, પરંતુ આ આશા પણ ઠગારી નીવડી છે. કોરોનાને કારણે આ વર્ષે મહારાષ્ટ્રમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને તે કારણે અનેક સિરિયલ્સના શૂટિંગ બંધ થઈ ગયા હતા. આથી જ ઘણાં ટીવી શો માત્ર 8 કે 9 મહિનામાં બંધ થઈ ગયા છે. હાલમાં જ ટીવી શો 'નમક ઇશ્ક કા'નો છેલ્લો એપિસોડ 6 ઓગસ્ટે રિલીઝ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

નિક્કી ઔર જાદુઈ બબલઃ 3 અઠવાડિયામાં બંધ

દંગલ ટીવી પર પ્રસારિત થતો શો 'નિક્કી ઔર જાદુઈ બબલ' દર્શકોને આકર્ષિત કરી શક્યો નહીં. પ્રોડ્યૂસર્સને બીજા શહેરમાં શૂટિંગ કરવું ઘણું જ મુશ્કેલ લાગ્યું અને માત્ર ત્રણ જ અઠવાડિયામાં આ શો બંધ કરી દેવામાં આવ્યો. આ શોની એક્ટ્રેસ ગુલફાન ખાન ઘણી જ નિરાશ થઈ હતી. આ શોમાં મનીષા દિક્ષીત, હિમાંશુ મલ્હોત્રા જેવા કલાકારો હતા.

સરગમ કી સાઢે સાતીઃ બે મહિનામાં બંધ

સોની ટીવી પર આ સિરિયલ ફેબ્રુઆરી, 2021માં શરૂ થઈ હતી. બે મહિનામાં જ આ શો ઑફ એર થયો હતો. શોમાં અંજલી તત્રારીએ લીડ રોલ પ્લે કર્યો હતો. શોમાં કુનાલ સલુજા, ઓજસ રાવલ, વિષ્ણુ ભોલવાણી, દર્શન ઝરીવાલા જેવા કલાકારો હતા.

દુર્ગા માતા કી છાયાઃ 3 મહિનામાં બંધ

સ્ટાર ભારત પર 14 નવેમ્બર, 2020માં 'દુર્ગા માતા કી છાયા' શરૂ થયો હતો. આ શો 3 મહિનાની અંદર બંધ થઈ ગયો હતો. સિરિયલમાં અવિનાશ મિશ્રા, રક્ષંદા ખાન તથા ચાહત પાંડે હતા. આ શો TRP રેસમાં ઘણો જ પાછળ હતો.

ગુપ્તા બ્રધર્સઃ 4 મહિનામાં બંધ

સ્ટાર ભારત પર ટીવી શો 'ગુપ્તા બ્રધર્સ' ઓક્ટોબર, 2020માં શરૂ થયો હતો અને ફેબ્રુઆરી, 2021માં બંધ થઈ ગયો હતો. આ શોમાં હિતેન તેજવાણી, આકાશ તિવારી, સત્ય તિવારી તથા મીત મુખી લીડ રોલમાં હતા. હિતેન તેજવાણીએ કહ્યું હતું કે તેને અચાનક જ આ શો બંધ થયાની જાણ થઈ હતી. તેણે તરત જ પ્રોડ્યૂસર્સને ફોન કર્યો હતો. આ શો બંધ કરવાનો નિર્ણય અચાનક જ લેવામાં આવ્યો હતો.

ઈશ્ક પર જોર નહીં: 5 મહિનામાં બંધ

સોની ટીવી પર માર્ચ, 2021માં શરૂ થયેલો શો 'ઈશ્ક પર જોર નહીં' પાંચ મહિનામાં જ ઑફ એર થઈ રહ્યો છે. આ શો જુલાઈ અંત સુધીમાં બંધ થઈ જશે. સિરિયલના લીડ એક્ટર પરમ સિંહે કહ્યું હતું કે તેને હતું કે આ શો 8-9 મહિના સુધી તો ચાલશે, પરંતુ પાંચ મહિનામાં જ ઑફ એર થાય છે. તેને ખ્યાલ નથી કે આ નિર્ણય કેમ લેવામાં આવ્યો, પરંતુ પ્રોડ્યૂસર્સના નિર્ણયનો સ્વીકાર કરવો પડે છે.

લૉકડાઉન કી લવ સ્ટોરીઃ 6 મહિનામાં બંધ

સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ 'લૉકડાઉન કી લવ સ્ટોરી' માત્ર છ મહિનાની અંદર બંધ થઈ હતી. 31 ઓગસ્ટ, 2020થી 23 જાન્યુઆરી, 2021 સુધી આ શો ચાલ્યો હતો. સિરિયલમાં સના સૈય્યદ તથા મોહિત મલિક લીડ રોલમાં હતાં.

શૌર્ય કી અનોખી કહાનીઃ 7 મહિનામાં બંધ

સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ 'શૌર્ય કી અનોખી કહાની'માં કરણવીર શર્મા તથા દેબાત્તામા લીડ રોલમાં છે. આ સિરિયલ ડિસેમ્બર, 2020માં શરૂ થઈ હતી. હવે આ શો 24 જુલાઈના રોજ બંધ થશે.

શાદી મુબારકઃ 9 મહિનામાં બંધ

સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી સિરિયલ 'શાદી મુબારક' ઓગસ્ટ, 2020માં શરૂ થઈ હતી. આ સિરિયલ શરૂઆતમાં ચાહકોમાં ઘણી જ લોકપ્રિય થઈ હતી. જોકે, પછી સિરિયલ ચાહકોને ખાસ પસંદ આવી નહોતી. આ સિરિયલ એપ્રિલ, 2021માં બંધ થઈ ગઈ હતી. સિરિયલમાં માનવ ગોહિલ તથા રતિ પાંડે લીડ રોલમાં હતાં.

નમક ઇશ્ક કાઃ 8 મહિનામાં બંધ

કલર્સ ટીવી પર સિરિયલ 'નમક ઇશ્ક કા' ડિસેમ્બર, 2020માં શરૂ થઈ હતી. આ સિરિયલમાં શ્રુતિ શર્મા, આદિત્ય ઓઝા તથા ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા લીડ રોલમાં છે. આ સિરિયલ TRP લિસ્ટમાં ઘણી જ પાછળ રહી હતી અને તેથી જ આ સિરિયલ ઓગસ્ટમાં બંધ થઈ રહી છે.

સ્ટોરી 9 મંથ કીઃ 5 મહિના

સોની ટીવી પર આવતી 'સ્ટોરી 9 મંથ કી' નવેમ્બર, 2020માં શરૂ થઈ હતી. આ સિરિયલ એપ્રિલ, 2020માં ઑફ એર કરવામાં આવી હતી. સિરિયલમાં સુકિર્તી કંદપાલ, આશય મિશ્રા લીડ રોલમાં હતા.