શમિતા શેટ્ટી હાલમાં ઘણી જ ચર્ચામાં છે. રાજ કુંદ્રાની પોર્ન કેસમાં ધરપકડ થયા બાદથી જ શમિતા ચર્ચામાં છે. તે ક્યારેક ટ્રોલ થવાને કારણે તો ક્યારેક બહેનને સપોર્ટ કરવાને કારણે છવાયેલી રહે છે. આ તમામ વિવાદોની વચ્ચે હવે તેણે 'બિગ બોસ OTT' (ઓવર ધ ટોપ)માં એન્ટ્રી લીધી છે. શમિતાની એન્ટ્રીએ ઘરમાં ધમાલ મચાવી દીધી છે. આ શો ડિજિટલ પ્લેટફોર્મ પર છ અઠવાડિયાં સુધી આવશે અને આ શોને કરન જોહર હોસ્ટ કરશે.
ડાન્સ સાથે એન્ટ્રી
ગઈકાલે (8 ઓગસ્ટ) શોના ગ્રાન્ડ પ્રીમિયરમાં શમિતાએ સ્પર્ધક બનીને એન્ટ્રી લીધી છે. શમિતાએ પોતાના પોપ્યુલર સોંગ 'શરારા શરારા' ગીત પર જબરદસ્ત ડન્સ કર્યો હતો. આ દરમિયાન શમિતા અંગે એવી પણ વાતો થવા લાગી કે પરિવાર મુશ્કેલીમાં છે તો એ કેમ શોમાં આવી?
શમિતાએ શોમાં આવવાનું કારણ જણાવ્યું
શમિતાએ શોમાં આવીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું, 'સમય સારો હોય કે ખરાબ, જ્યારે આપણે શ્વાસ લેવાનું બંધ નથી કરતા તો આપણે કામ કરવાનું કેમ બંધ કરી દઈએ. સાચું કહું તો 'બિગ બોસ'ની ઓફર મને બહુ પહેલાં મળી હતી. ત્યાર બાદ મેં શો સાઇન કર્યો હતો અને કમિટમેન્ટ આપ્યું હતું. આ દરમિયાન ઘણું જ બદલાઈ ગયું હતું. ઘણુંબધું થયું અને મેં વિચાર્યું કે હું શોમાં જવાનું કેન્સલ કરી નાખું. મને લાગ્યું કે 'બિગ બોસ'માં જવાનો આ યોગ્ય સમય નથી. જોકે મેં પહેલાં જ કમિટમેન્ટ આપી દીધું હતું અને એકવાર હું કમિટમેન્ટ આપી દઉં છું તો પછી હું મારું પણ સાંભળતી નથી.'
ઘરમાં જતાં પહેલાં શમિતાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી
શમિતાએ ઘરમાં જતાં પહેલાં સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, 'પોતાની જાતને છુપાવો નહીં, ઊભા થાઓ, પોતાનું માથું ઊંચું રાખો અને તેમને બતાવી દો કે તમારી પાસે શું છે. 'બિગ બોસ OTT'માં આવી રહી છું. શમિતાની આ પોસ્ટ પર અનેક યુઝર્સે ટ્રોલ કરી હતી. યુઝર્સે કમેન્ટ કરી હતી કે જીજાજીને ભૂલી ગઈ કે શું?
આ પહેલાં 42 દિવસ ઘરમાં રહી હતી
ઉલ્લેખનીય છે કે શમિતા શેટ્ટી લાંબા સમયથી બોલિવૂડથી દૂર છે. 2009માં શમિતાએ 'બિગ બોસ 3'માં ભાગ લીધો હતો. આ સમયે શમિતા 42 દિવસ ઘરમાં રહી હતી. જોકે શિલ્પા શેટ્ટીના લગ્ન હોવાને કારણે તે શો અધવચ્ચે છોડીને બહાર આવી ગઈ હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.