'તારક મહેતા'ની હઠ:શૈલેષ લોઢા પ્રોડ્યુસરનો ફોન રિસીવ કરતા નથી, સિરિયલના એક્ટર્સ સાથે પણ વાતચીત કરવાનું બંધ કર્યું

મુંબઈએક મહિનો પહેલા
  • શૈલેષ લોઢા 14 વર્ષથી આ સિરિયલ સાથે જોડાયેલા છે

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં તારક મહેતાનો રોલ પ્લે કરતાં શૈલેષ લોઢાએ આ શો છોડી દીધો છે. હવે એવી ચર્ચા થઈ રહી છે કે શૈલેષ લોઢા પ્રોડ્યુસર અસિત મોદીનો ફોન પણ ઉપાડતા નથી. આટલું જ નહીં, શૈલેષ લોઢા તથા અસિત મોદી વચ્ચે મધ્યસ્થી કરનારા એક્ટર્સનો ફોન પણ શૈલેષ લોઢા રિસીવ કરતા નથી.

પ્રોડ્યુસર માટે તારક મહેતા વગર શો ચલાવવો ઘણો જ મુશ્કેલ છે. છેલ્લા ઘણા સમયથી શૈલેષ લોઢાએ સિરિયલના સેટ પર આવવાનું બંધ કરી દીધું છે. હવે એ વાત સામે આવી છે કે શૈલેષ લોઢા કયાં કારણોથી સેટ પર આવતા નથી. શૈલેષ લોઢા સિરિયલમાં ના આવવા માટે મક્કમ છે.

આ ત્રણ કારણને લીધે સિરિયલમાં પરત ફરવા માગતા નથી

  1. દિલીપ જોષી તથા શૈલેષ લોઢા વચ્ચે સારા સંબંધો નથી
  2. શૈલેષ લોઢા છેલ્લાં 14 વર્ષથી આ સિરિયલમાં કામ કરી રહ્યા છે, પરંતુ તેમને ઓછું ફૂટેજ મળતું હોવાથી તેઓ આ વાતથી નારાજ છે.
  3. સિરિયલના ઘણા એક્ટર્સે શૈલેષ લોઢા વિરુદ્ધમાં છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અસિત મોદીને આશા છે કે શૈલેષ લોઢા સાથેની સમસ્યાનું સમાધાન થઈ જશે. જોકે એ વાત ના ભૂલવી જોઈએ કે દિશા વાકાણી પાંચ વર્ષે પણ શોમાં પરત ફરી નથી. અસિત મોદી માત્ર દિશા વાકાણીને જ નહીં, પરંતુ ગુરુચરણ સિંહ તથા નેહા મહેતાને પણ શોમાં પરત લાવી શક્યા નથી.

પ્રયાસો નિષ્ફળ રહ્યા તો ઓડિશન શરૂ થશે
અસિત મોદીને લાગશે કે શૈલેષ લોઢા માનતા નથી તો તે તરત જ ઓડિશન શરૂ કરશે અને સિરિયલમાં નવા તારક મહેતા જોવા મળશે.

શૈલેષ લોઢા સાથે ફોન પર વાત કરવી અશક્ય
સૂત્રોએ એવો દાવો કર્યો છે કે શૈલેષ લોઢા સાથે ફોન પર વાત કરવી પણ ઘણી જ મુશ્કેલ છે. તેમણે ફોનમાં એ રીતનું સેટિંગ કર્યું છે કે મોટા ભાગના કોલ્સ એક રિંગ પછી ડિસકનેક્ટ થઈ જાય છે.

શૈલેષ લોઢાએ 'તારક મહેતા..' અંગેનો સવાલ ટાળ્યો હતો
ઉલ્લેખનીય છે કે બુક લૉન્ચ ઇવેન્ટમાં શૈલેષ લોઢાને એ સિરિયલમાં ક્યારે પરત ફરશે એ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. આ સમયે એક્ટરે એમ કહ્યું હતું કે તેઓ બુક લૉન્ચમાં આવ્યા છે અને ત્યાંથી નીકળી ગયા હતા.

નવા શોના સેટ પર શૈલેષ લોઢા.
નવા શોના સેટ પર શૈલેષ લોઢા.

નવા શોમાં જોવા મળશે
સૂત્રોના મતે, શૈલેષ લોઢા શેમારુ ટીવી પર જૂન મહિનામાં શરૂ થનારા શો 'વાહ ભાઈ વાહ'ને હોસ્ટ કરશે. આ શો પોએટ્રી બેઝ પર આધારિત છે. આ શોમાં ઊભરતા કવિઓને પોતાની પ્રતિભા માટે પ્લેટફોર્મ આપવામાં આવશે. ટૂંક સમયમાં જ આ શોનો પ્રોમો લૉન્ચ કરવામાં આવશે.