ત્રણ સિરિયલથી પાકિસ્તાનમાં હોબાળો:'ધૂપ કી દીવાર', 'પરિઝાદ' ને 'દાસ્તાન'ને કારણે પાકિસ્તાનીઓ ભડક્યા, કહ્યું- આ એન્ટી કાશ્મીર ને એન્ટી નેશનલ છે

19 દિવસ પહેલા
  • ત્રણેય સિરિયલ પોતાના પ્રોગ્રેસિવ પ્લોટને કારણે વિવાદમાં છે

પાકિસ્તાનમાં ત્રણ સિરિયલની ભારે ચર્ચા થઈ રહી છે. 'ધૂપ કી દીવાર', 'પરિઝાદ' તથા 'દાસ્તાન'. આ ત્રણેય સિરિયલ પોતાના પ્રોગ્રેસિવ પ્લોટને કારણે વિવાદમાં છે. આ ત્રણેય સિરિયલ નોવેલ પર આધારિત છે અને પાકિસ્તાનના અનેક સામાજિક મુદ્દાની વાત કરે છે.

પાકિસ્તાનનું સંગીત તથા સિરિયલ વિશ્વભરમાં લોકપ્રિય છે. અહીંના કોક સ્ટુડિયોના લાખો ચાહકો તો આપણા દેશમાંથી મળી રહેશે. આ ત્રણ સિરિયલ ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં પણ પસંદ કરવામાં આવી છે. જોકે પાકિસ્તાનમાં આ અંગે વિવાદ થયો છે અને આમ થવા પાછળનું કારણ રૂઢિવાદી વિચારધારાને પડકાર આપ્યો એ છે. પાકિસ્તાનની મુખ્ય ન્યૂઝ વેબસાઇટ 'ડૉન'માં રિદા અશફાકે આ ત્રણેય સિરિયલનાં વખાણ કર્યા હતા. પ્રશંસા કર્યા બાદ રિદાને પણ આડેહાથ લેવામાં આવી છે.

'ધૂપ કી દીવાર'ના ટ્રેલર માત્રથી હંગામો મચ્યો હતો, પાકિસ્તાનીઓએ કહ્યું- એન્ટી કાશ્મીર
આ સિરિયલને ઉમરા અહમદે લખી છે અને હસીન હસને ડિરેક્ટ કરી છે. આ સિરિયલ જૂન, 2021માં ઓન એર થઈ હતી. જ્યારે સિરિયલનું ટ્રેલર આવ્યું ત્યારે પાકિસ્તાનમાં ઘણો જ હોબાળો મચ્યો હતો. આ સિરિયલને દેશદ્રોહી, એન્ટી પાકિસ્તાન, એન્ટી કાશ્મીર કહેવામાં આવી હતી. રિલીઝ પહેલાં જ બૅનની માગણી થઈ હતી. આ સિરિયલમાં ભારતીય યુવક ને પાકિસ્તાની યુવતીની લવસ્ટોરી બતાવવામાં આવી છે. જંગના મેદાનમાં આ બંનેના પિતા આમનેસામને હોય છે અને કાશ્મીરમાં શહીદ થઈ જાય છે.

પાકિસ્તાનમાં ભારતીય યુવક ને પાકિસ્તાની યુવતીની લવસ્ટોરીનો વિરોધ થયો હતો.
પાકિસ્તાનમાં ભારતીય યુવક ને પાકિસ્તાની યુવતીની લવસ્ટોરીનો વિરોધ થયો હતો.

પાકિસ્તાનમાં એ વાતનો સૌથી વધુ વાંધો હતો કે બે દુશ્મન સૈનિકોનાં બાળકોને એકબીજા પ્રત્યે પ્રેમ કરતાં કેવી રીતે બતાવી શકાય. આ સાથે જ એ સામે પણ નારાજગી હતી કે પાકિસ્તાની ક્રિએટર પોતાનો શોને ભારતીય પ્લેટફોર્મ પર કેમ વેચે છે. આ સિરિયલને ઝી5 પર ઓન એર કરવામાં આવી હતી.

'પરિઝાદ': શ્યામ હીરો ને અંડરવર્લ્ડ ડૉનની વાર્તા
હાશિમ નદીમે લખેલી 'પરિઝાદ' બ્લોકબસ્ટર પાકિસ્તાની ડ્રામા છે. આ મલ્ટીલેયર શો છે, જેમાં જેન્ડર આઇડેન્ટિટી, ગરીબી, રંગભેદ જેવા અનેક સામાજિક મુદ્દાને બતાવવામાં આવ્યા છે. સિરિયલમાં LGBT (લેસ્બિયન, ગે, બાયોસેક્સ્યૂઅલ તથા ટ્રાન્સજેન્ડર) સમુદાયના મુદ્દાને બતાવ્યો એને કારણે પાકિસ્તાનમાં વિવાદ થયો હતો. આ સિરિયલના 29 એપિસોડ છે અને આ સિરિયલ 2022માં રિલીઝ થઈ હતી.

સિરિયલના સમર્થનમાં અનેક પાકિસ્તાનીઓએ કહ્યું હતું, આ માત્ર ડ્રામા નથી, પણ જીવનનો બોધપાઠ છે.
સિરિયલના સમર્થનમાં અનેક પાકિસ્તાનીઓએ કહ્યું હતું, આ માત્ર ડ્રામા નથી, પણ જીવનનો બોધપાઠ છે.

આ સિરિયલનું મુખ્ય પાત્ર 'ગુરુ' છે અને તે અંડરવર્લ્ડનો રાજા છે. તેની ફેમિનિન સાઇડ પણ બતાવવામાં આવી છે. તે અંડરવર્લ્ડનો ડૉન હોવા છતાંય તે સમાજે બનાવેલી મર્દાનગીની પરિભાષાથી દૂર છે. તે ઘણો જ સેન્સિટિવ છે. તેના ઘરમાં LGBT સમુદાયના લોકો રહે છે. એક સમયે તેણે આ લોકોને બચાવ્યા હતા. સિરિયલનું મુખ્ય પાત્ર 'પરિઝાદ' ડાર્ક કોમ્પ્લેક્શન ધરાવતો યુવક છે. તેને પોતાના રંગને કારણે ઘણું સહન કરવું પડે છે. જોકે, આ સિરિયલના સમર્થનમાં અનેક લોકો આવ્યા હતા.

'દાસ્તાન': દરેક ધર્મના લોકોએ હિંસા કરી
આ સિરિયલ રઝિયા ભુટ્ટોની નોવેલ 'બન્નો' પર આધારિત છે. આ સિરિયલને સમીરા ફૈઝલે લખી છે. આ એક ક્રાંતિકારી ફેમિનિસ્ટ નાટક છે. આ સિરિયલનું મુખ્ય પાત્ર બન્નો છે. બન્નો વિભાજન પહેલાં ફ્રી મુસ્લિમ રાષ્ટ્રની સમર્થક હોય છે. તે આઝાદીના નારા બોલે છે. મુસ્લિમ લીગની રેલીમાં ભાગ લે છે, પરંતુ જ્યારે પાકિસ્તાન બની જાય છે તો તેના પર અનેક અત્યાચારો થાય છે. વિભાજન સમયે પડોશમાં રહેતા હિંદુ યુવકે તેની પર રેપનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાન જતાં સમયે શિખ પુરુષ તેનું અપહરણ કરે છે અને જબરજસ્તી લગ્ન કરે છે. વર્ષો બાદ જ્યારે તે પાકિસ્તાન જાય છે તો અહીંયા તેના મંગેતરના લગ્ન થઈ ગયા હોય છે. પરિવારમાંથી કોઈ તેની સાથે વ્યવસ્થિત રીતે વાત કરતું નથી. તે અંગ્રેજના ઘરમાં નોકરાણી બનીને રહે છે.

2010માં રિલીઝ થયેલી આ સિરિયલમાં ફવાદ ખાને લીડ રોલ પ્લે કર્યો હતો.
2010માં રિલીઝ થયેલી આ સિરિયલમાં ફવાદ ખાને લીડ રોલ પ્લે કર્યો હતો.

'દાસ્તાન' બનાવવાનો હેતુ એ હતો કે શું વિભાજનથી મહિલાઓ આઝાદ થઈ? આ સાથે જ પાકિસ્તાની સમાજમાં મહિલાઓ માટે ક્રૂર ને પિતૃસત્તાક વલણ રહ્યું છે. આ સિરિયલે સવાલ કર્યો હતો કે શું નવા મુસ્લિમ દેશ વાસ્તવમાં 'પાક' અને 'આઝાદ' છે?