એક્ટરે 'અનુપમા'ની પોલ ખોલી:પારસ કલનાવતે આપવીતી સંભળાવતાં કહ્યું, 'સેટ પર ખરાબ વર્તન થતું, મેકર્સ સીન્સ કાપી નાખતા'

મુંબઈ4 દિવસ પહેલા

ટીવી સિરિયલ 'અનુપમા'માં સમર શાહનો રોલ પારસ કલનાવત પ્લે કરતો હતો. સિરિયલમાં સમર શાહ, વનરાજ-અનુપમાનો નાનો દીકરો છે. જોકે હાલમાં જ પારસને આ શોમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. પારસે ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા' સાઇન કરતાં તેનો કોન્ટ્રેક્ટ અધવચ્ચે જ પૂરો કરી દેવામાં આવ્યો હતો. હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં પારસે શોમાં ચાલતા પોલિટિક્સ અંગે વાત કરી હતી. આ સિરિયલમાં 'અનુપમા'નો રોલ રૂપાલી ગાંગુલી પ્લે કરે છે.

સિરિયલને પરિવાર માનવા લાગ્યો
પારસે કહ્યું હતું કે વર્ષ પહેલાં તેના પિતાનું અવસાન થયું હતું અને ત્યારથી તેને લાગ્યું કે તેને સાઇડલાઇન કરવામાં આવ્યો છે. તે સિરિયલના કલાકારો સાથે ઇમોશનલી અટેચ થયો હતો, પરંતુ પછી તેને ખ્યાલ આવ્યો કે તેઓ તેમના અંગત સ્વાર્થ માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે. મેકર્સે તેને મુશ્કેલ સમયમાં સાથ આપ્યો હતો, પરંતુ તેમાંથી કેટલાકે તેને પછીથી એવું સંભળાવ્યું હતું કે અરે, તારા પિતાના અવસાન સમયે તો તારી સાથે હતા. તે સેટ પરના કલાકારોને પોતાનો પરિવાર માનવા લાગ્યો હતો. આટલું જ નહીં, તે ઓન સ્ક્રીન પેરેન્ટ્સમાં પોતાનાં મમ્મી-પપ્પા જોવા લાગ્યો હતો. જોકે પછી તેને એ વાત સમજાઈ ગઈ હતી કે રિયલ પેરેન્ટ્સ સિવાય કોઈ તમારું હોતું નથી. એક્ટર્સે ઓન સ્ક્રીન પેરેન્ટ્સ, ભાઈ-બહેન વગેરે જેવા સંબંધો બનાવ્યા હોય છે, પરંતુ તે માત્ર ઓન સ્ક્રીન જ રહે છે.

પુરાવા આપ્યા તો ડિલિટ કરી નાખ્યા
તેણે વધુમાં કહ્યું હતું કે આ ઘણું ખરાબ હતું અને તે એ વસ્તુઓને ફરી યાદ કરવા માગતો નથી. જોકે તે એક વાત કહેવા માગશે કે એકવાર પ્રોડક્શન ટીમે તેને ફોન કરીને ચૂપ રહેવાની સલાહ આપી હતી. તેણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે તે કોઈ વાત કરશે નહીં. પછી તેને પુરાવા અંગે પૂછવામાં આવ્યું તો તેણે પુરાવા પણ આપ્યા હતા. તે લોકોએ પુરાવાનો નાશ કર્યો હતો અને તમામ વાતો ભૂલીને આગળ વધવાનું કહ્યું હતું. તે બધું જ ભૂલી ગયો હતો, કારણ કે તે શો-પોલિટિક્સથી અલગ રહેવા માગતો હતો. તે સેટ પર એકલો જ રહેવા લાગ્યો હતો. શોટના બ્રેક દરમિયાન તે ખૂણામાં બેસીને શાયરી લખતો હતો. તેની સાથે જે થયું એ બીજે ક્યાંય થતું નથી.

સીન્સ કટ કરવામાં આવતા
પારસે આગળ કહ્યું, સિરિયલમાં તેના સીન્સ કટ કરી દેવામાં આવ્યા હતા. તેના વિશે ખરાબ ને ખોટી વાતો કરવામાં આવી હતી. લોકો તેના વિશે ગોસિપ કરતા હતા. તેઓ એવું કહેતા કે તેણે ધમકી આપી છે અને તે તેમના વિશે વાતો કરે છે. તે આવું કંઈ જ કરતો નથી. નવાઈની વાત એ હતી કે સિનિયર કલાકારો તેના વિશે આવી વાતો કરતા હતા. સિનિયર જ્યારે આવી વાતો કરે તો મેકર્સ સિનિયરની વાતો જ માને એ સમજી શકાય એવી બાબત છે. આસપાસના નેગેટિવ માહોલ બાદ તે આધ્યાત્મિક તરફ વળ્યો હતો.

રૂપાલી ગાંગુલી અંગે શું કહ્યું?
પારસને જ્યારે પૂછવામાં આવ્યું કે તેના ઓન સ્ક્રીન પેરેન્ટ્સ વનરાજ (સુધાંશુ પાંડે) તથા અનુપમા (રૂપાલી ગાંગુલી) અંગે તે શું કહેશે? એક્ટરે જવાબ આપ્યો હતો કે તે રૂપાલી ગાંગુલી અંગે ખાસ વાત કરવા માગતો નથી. તેમની વચ્ચે એવા કોઈ ખાસ સારા સંબંધો નથી. દરેકના જીવનમાં તફાવતો હોય છે. તે આજે પણ રૂપાલી ગાંગુલીનો આદર કરે છે. તેને આશા છે કે રૂપાલી ગાંગુલીના મનમાં તેના પ્રત્યે થોડો પ્રેમ હશે. તેની તુલનાએ રૂપાલી ગાંગુલીના અન્ય કલાકારો સાથે વધારે સારા સંબંધો છે. પારસે એમ પણ ઉમેર્યું હતું કે સિરિયલના કેટલાક એક્ટર્સે તેને કહ્યું હતું કે આ રીતે તેને હાંકી કાઢ્યો એ વાત ખોટી છે.

ઘણા કલાકારોએ સંપર્ક કર્યો નથી
માત્ર રૂપાલી ગાંગુલીએ જ નહીં, પરંતુ સિરિયલના ઘણા કો-એક્ટર્સે તેનો સંપર્ક કર્યો નથી. તેણે જ્યારે શો છોડ્યો ત્યારે મોટા ભાગના કલાકારોએ તેને કંઈ જ કહ્યું નહોતું. તેને ટર્મિનેશન લેટર મળ્યો, તેની ગણતરીની સેકન્ડમાં સો.મીડિયામાં આ વાત આવી ગઈ હતી. પ્રોડક્શન હાઉસે મીડિયાને આ વાત પહેલેથી જ કહી દીધી હતી. તેને ખ્યાલ જ નહોતો કે કોન્ટ્રેક્ટ ત્રણ વર્ષનો છે. ગયા વર્ષે તેને ખ્યાલ આવ્યો કે કોન્ટ્રેક્ટ 3 વર્ષનો હતો. તેણે કોન્ટ્રેક્ટ વાંચ્યો નહોતો. તે બસ કોન્ટ્રેક્ટ સાઇન કરવા ઉત્સુક હતો. તેણે આ જુલાઈમાં 2 વર્ષ પૂરાં કર્યા. કેટલાક એક્ટર્સનો કોન્ટ્રેક્ટ 2 વર્ષનો તો કેટલાકનો એક વર્ષનો હતો.

પ્રોડ્યસુરે મેસેજનો જવાબ જ નથી આપ્યો
તેણે વધુમાં કહ્યું હતું કે તેણે બેવાર પ્રોડ્યુસર રાજન શાહીને મેસેજ કર્યો હતો. તેણે એમ કહ્યું હતું કે તે રાજન શાહીને પિતા તરીકે માન આપે છે અને આ મુદ્દે કંઈક ઉકેલ આવે તેમ ઈચ્છે છે. જોકે રાજન શાહીએ હજી સુધી કોઈ રિપ્લાય આપ્યો નથી. પારસને વિશ્વાસ છે કે સિરિયલના મેકર્સ તેના બાકી રહેતા પૈસા આપી દેશે. ઉલ્લેખનીય છે કે ટીવીમાં ત્રણ મહિને પેમેન્ટ કરવામાં આવે છે.

સિરિયલના તમામ કલાકારો ખુશ નથી
તેણે એમ પણ કહ્યું હતું કે સિરિયલના તમામ કલાકારો ખુશ નથી. સિરિયલના ત્રણથી ચાર કલાકારોએ તેને આ વાત કહી હતી.

અન્ય સમાચારો પણ છે...