કોરોનાનો માર:લૉકડાઉનને કારણે 'DID 4'નો રનરઅપ બિકી દાસ ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરવા મજબૂર, અકસ્માત થતાં હોસ્પિટલમાં દાખલ

કોલકાતાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બિકી દાસની પાંસળીઓ તૂટી ગઈ છે, ડૉક્ટર્સે સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી

ડાન્સિંગ રિયાલિટી શો 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'નો સેકન્ડ રનરઅપ રહેલો બિકી દાસ ગુજરાન ચલાવવા માટે આજકાલ કોલકાતામાં ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરે છે. આ વાતની માહિતી ત્યારે સામે આવી જ્યારે દાસની પત્નીએ પોલીસ સ્ટેશનમાં તેના અકસ્માતની ફરિયાદ નોંધાવી હતી. રિપોર્ટ પ્રમાણે, આ અકસ્માત ત્યારે થયો જ્યારે બિકી પોતાના ટૂ વ્હીલર પર જોધપુર પાર્કથી રાનીકુઠી તરફ જઈ રહ્યો હતો.

પત્નીએ અકસ્માતની તપાસ કરવાની માગણી કરી
અકસ્માત પછી બિકીની પત્નીએ કોલકાતાના લેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને તપાસની માગણી કરી હતી. ઘટના બાદ ડાન્સરને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે હવે તે જોખમની બહાર છે. અકસ્માતમાં બિકીની પાંસળીઓ તૂટી ગઈ છે અને બીજી ઈજાઓ પણ થઈ છે. ડૉક્ટર્સે તેને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે.

શોમાં ગીતામા (કોરિયોગ્રાફર ગીતા કપૂર સાથે)
શોમાં ગીતામા (કોરિયોગ્રાફર ગીતા કપૂર સાથે)

'DID 4' 2014માં ટેલિકાસ્ટ થયું હતું
બિકીએ 2014માં 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'ની ચોથી સિઝનમાં પાર્ટિસિપેટ કર્યું હતું. આ સિઝનમાં શ્યામ યાદવ વિજેતા હતો, જ્યારે મનન સચદેવ ફર્સ્ટ તથા બિકી દાસ સેકન્ડ રનરઅપ રહ્યો હતો. શો પૂરો થયા બાદ બિકીએ અનેક સ્ટેજ શોમાં કામ કર્યું હતું. મેન્ટર તરીકે પણ અનેક લોકોને ડાન્સ શીખવાડતો હતો. જોકે, કોરોનાને કારણે દેશમાં લૉકડાઉન આવતા તેની પાસે કોઈ કામ રહ્યું નહીં. આથી જ તેણે ગયા અઠવાડિયે ફૂડ ડિલિવરી બોય તરીકે નોકરી કરવાનું શરૂ કર્યું હતું.